<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

કોલંબિયામાં ૧૧૦ સૈનિકો ભરેલું હર્ક્યુલસ વિમાન તૂટી પડતા ભીષણ હોનારત : પુઅર્તો લેગુઈઝામોમાં સર્જાયેલી દુર્ઘટનામાં ૯૦ જવાનોના કરુણ મોતથી સમગ્ર દેશમાં અરેરાટી : જુઓ વિડીયો

ટેક-ઓફ સમયે જ વિમાનના ફુરચા ઉડતા રણમેદાન જેવી સ્થિતિ, ૨૦ જવાનો જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે : સંરક્ષણ મંત્રાલય દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ સાથે બચાવ કામગીરી તેજ કરાઈ

બોગોટા:દક્ષિણ અમેરિકાના દેશ કોલંબિયાના દુરસ્થ દક્ષિણ વિસ્તાર પુઅર્તો લેગુઈઝામોમાં સોમવારે રાત્રે એક અત્યંત ભયાનક સૈન્ય વિમાન અકસ્માત સર્જાયો છે. સૈન્ય જવાનોને લઈ જઈ રહેલું અને ૧૧૦ લોકોની ક્ષમતા ધરાવતું હર્ક્યુલસ વિમાન ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં જ જમીનદોસ્ત થયું હતું. આ કરુણ દુર્ઘટનામાં ઓછામાં ઓછા ૯૦ જવાનોએ જીવ ગુમાવ્યા હોવાના સત્તાવાર અહેવાલો પ્રાપ્ત થયા છે, જ્યારે અન્ય ૨૦ જવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

સંરક્ષણ મંત્રાલયના વરિષ્ઠ સૂત્રો અને સ્થાનિક અખબાર ‘એલ કોલંબિયાનો’ના જણાવ્યા અનુસાર, પુતુમાયો પ્રાંતના પુઅર્તો લેગુઈઝામો એરબેઝ પરથી ઉડાન ભરતી વખતે જ આ અકસ્માત નડ્યો હતો. વિમાનમાં સવાર તમામ મુસાફરો કોલંબિયાના સૈન્ય દળના જવાનો અને અધિકારીઓ હતા જેઓ ફરજ અર્થે જઈ રહ્યા હતા. વિમાન તૂટી પડ્યા બાદ તરત જ તેમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે જાનહાનિનો આંકડો આટલો મોટો થયો હોવાનું મનાય છે.

કોલંબિયાના એરોસ્પેસ ફોર્સના પેડ્રો અર્નુલ્ફો સાંચેઝે આ ઘટના અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “અત્યંત ભારે હૈયે મારે રિપોર્ટ કરવો પડી રહ્યો છે કે પુઅર્તો લેગુઈઝામોથી ટેક-ઓફ દરમિયાન આપણું એક હર્ક્યુલસ વિમાન દુર્ઘટનાનો શિકાર બન્યું છે. વિમાનમાં સવાર સૈન્ય ટુકડીઓ આપણી પબ્લિક ફોર્સનો હિસ્સો હતી.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સૈન્યની ટુકડીઓ અને રાહત બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને કાટમાળ નીચે દબાયેલા જવાનોને બહાર કાઢવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.

અત્યાર સુધીની પ્રાથમિક તપાસમાં અકસ્માતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ તકનીકી ખામી અથવા એન્જિનમાં ખરાબ હવામાનને કારણે ઉભી થયેલી સમસ્યા હોવાની શક્યતા નકારી શકાતી નથી. સત્તાવાળાઓએ મૃતકો અને ઇજાગ્રસ્તોના પરિવારો માટે તાત્કાલિક કેર પ્રોટોકોલ સક્રિય કરી દીધા છે અને તમામ પ્રકારની તપાસ માટે એક વિશેષ સમિતિની રચના કરવામાં આવી છે. સંરક્ષણ વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે જ્યાં સુધી સત્તાવાર અને પૂર્ણ વિગતો બહાર ન આવે ત્યાં સુધી કોઈ પણ પ્રકારની અફવા કે અટકળો પર ધ્યાન ન આપવું અને દુર્ઘટનાનો ભોગ બનેલા પરિવારોની સંવેદનાનો આદર કરવો.

આ ઘટનાને કોલંબિયાના સૈન્ય ઇતિહાસની સૌથી મોટી હવાઈ હોનારતોમાંની એક માનવામાં આવી રહી છે. ઈજાગ્રસ્ત ૨૦ જવાનોની હાલત અત્યંત નાજુક હોવાથી તેમને નજીકની લશ્કરી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે. જોકે, ઈજાની ગંભીરતા જોતા મૃત્યુઆંક હજુ વધવાની આશંકા પણ સેવાઈ રહી છે. સમગ્ર દેશમાં આ સમાચારને પગલે શોકનું મોજું ફરી વળ્યું છે અને ઉચ્ચ સ્તરે આ મામલાની ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે. શહીદ જવાનોના સન્માનમાં આગામી દિવસોમાં સત્તાવાર કાર્યક્રમો મોકૂફ રાખવાની પણ શક્યતા છે.

(10:17 PM IST)