<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

જેલના અંધકાર વચ્ચે ઈમરાન ખાનની દ્રષ્ટિ પર સંકટ: ત્રીજી વખત આંખની સર્જરી બાદ 'કપ્તાન' ફરી અદિયાલા જેલના સળિયા પાછળ

ઈમરાન ખાનની જમણી આંખમાં સર્જાયેલી ગંભીર બીમારી 'CRVO' એ તેમની મુશ્કેલીઓમાં વધારો કર્યો : ૭૩ વર્ષીય નેતાને ચુસ્ત સુરક્ષા વચ્ચે ફરી રાવલપિંડીની અદિયાલા જેલમાં ખસેડવામાં આવ્યા

રાવલપિંડી: પાકિસ્તાની રાજનીતિના સૌથી લોકપ્રિય નેતા અને પૂર્વ ક્રિકેટર ઈમરાન ખાન અત્યારે હોસ્પિટલ અને જેલ વચ્ચેના કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છે. જાન્યુઆરી મહિનામાં નિદાન થયેલી 'સેન્ટ્રલ રેટિનલ વેઇન ઓક્લુઝન' (CRVO) નામની બીમારીને કારણે તેમની જમણી આંખની દ્રષ્ટિ જોખમમાં મુકાઈ છે. સોમવારે ડૉક્ટરોએ માઇક્રોસ્કોપી હેઠળ તેમને 'એન્ટિ-VEGF' ઇન્ટ્રાવિટ્રીયલ ઇન્જેક્શનનો ત્રીજો ડોઝ આપ્યો હતો. હોસ્પિટલના સૂત્રો મુજબ, સામાન્ય રીતે આ સારવારમાં ત્રણ ડોઝ પૂરતા હોય છે, પરંતુ ઈમરાન ખાનની સ્થિતિ ગંભીર હોવાથી આગામી ચાર અઠવાડિયા સુધી તેમની સતત દેખરેખ રાખવામાં આવશે. જો ઈન્જેક્શનની ધાર્યું પરિણામ નહીં મળે, તો ભવિષ્યમાં વધુ એક ડોઝની જરૂર પડી શકે છે.

ઈમરાન ખાનના વકીલ સલમાન સફદરે પાકિસ્તાની સુપ્રીમ કોર્ટમાં જે ગંભીર આક્ષેપો કર્યા છે તેણે માનવાધિકાર સંગઠનોનું ધ્યાન ખેંચ્યું છે. વકીલના દાવા મુજબ, જેલ વહીવટીતંત્રની ઘોર બેદરકારી અને સમયસર સારવાર ન મળવાને કારણે ઈમરાન ખાને પોતાની જમણી આંખની ૮૫% દ્રષ્ટિ ગુમાવી દીધી છે. જેલમાં બંધ હોવા છતાં ખાનની તબિયત બગડતા તેમના લાખો સમર્થકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સર્જરી બાદ તેમને થોડો સમય ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા હતા અને તબિયત સ્થિર જણાતા તુરંત જ પોલીસ કાફલા સાથે અદિયાલા જેલના અંધારકોટડીમાં પરત મોકલી દેવાયા હતા.

હાલમાં પાકિસ્તાનનું રાજકીય વાતાવરણ ઈમરાન ખાનની તબિયતને લઈને ગરમાયેલું છે. પીટીઆઈ (PTI) ના કાર્યકરો સરકાર પર આરોપ લગાવી રહ્યા છે કે ઈમરાન ખાનને જાણી જોઈને યોગ્ય તબીબી સુવિધાઓથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. બીજી તરફ, પિમ્સ હોસ્પિટલે સ્પષ્ટ કર્યું છે કે સર્જરી પ્રોટોકોલ મુજબ જ કરવામાં આવી છે. આગામી એક મહિનો ખાનની દ્રષ્ટિ પરત આવશે કે કેમ તે માટે અત્યંત નિર્ણાયક છે. જેલવાસ, કોર્ટના કેસો અને હવે આ ગંભીર બીમારી - ઈમરાન ખાન માટે ૨૦૨૬નું વર્ષ અત્યાર સુધીનું સૌથી પડકારજનક સાબિત થઈ રહ્યું છે.

(10:33 PM IST)