<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

શેરબજારમાં સેબીના ઐતિહાસિક અને મોટા સુધારા: સોશિયલ ઇમ્પેક્ટ ફંડમાં વ્યક્તિગત રોકાણની લઘુત્તમ મર્યાદા રૂપિયા ૨ લાખથી ઘટાડીને માત્ર રૂપિયા ૧,૦૦૦ કરી: એફપીઆઈ માટે નેટ સેટલમેન્ટની વિશેષ મંજૂરી અપાઈ: વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો - એફપીઆઈ માટે રોકડ બજારના વ્યવહારોમાં નેટ સેટલમેન્ટ સિસ્ટમને મંજૂરી આપવામાં આવી: આઈપીઓ પ્રક્રિયા વધુ પારદર્શક અને ડિજિટલ: ડ્રાફ્ટ એબ્રિજ્ડ પ્રોસ્પેક્ટસ અને ક્યૂઆર કોડ રજૂઆત ફરજિયાત, બોર્ડ સભ્યો તેમજ ડિરેક્ટરો માટે નવી આચારસંહિતા મંજૂર

નવી દિલ્હી: સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા એટલે કે સેબીની તાજેતરમાં મળેલી બોર્ડ બેઠકમાં મૂડીબજાર, વિદેશી રોકાણકારો અને સામાજિક ફંડ્સને લગતા અનેક ઐતિહાસિક સુધારાઓને મંજૂરી આપવામાં આવી છે. સામાન્ય રોકાણકારોને પ્રોત્સાહિત કરવા સેબીએ એક મોટો નિર્ણય લઈને સોશિયલ ઇમ્પેક્ટ ફંડ્સ (સામાજિક પ્રભાવ ફંડ) માં વ્યક્તિગત રોકાણની લઘુત્તમ મર્યાદા રૂપિયા ૨ લાખથી ઘટાડીને માત્ર રૂપિયા ૧,૦૦૦ કરી છે. આ મહત્વપૂર્ણ નિર્ણયથી રિટેલ રોકાણકારો માટે શિક્ષણ, આરોગ્ય અને પર્યાવરણ જેવા સામાજિક કલ્યાણના પ્રોજેક્ટ્સમાં આર્થિક યોગદાન આપવું અત્યંત સરળ બનશે.

 

વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો એટલે કે એફપીઆઈ માટે રોકડ બજારના વ્યવહારોમાં નેટ સેટલમેન્ટ સિસ્ટમને મંજૂરી આપવામાં આવી છે. આ વ્યવસ્થાથી વિદેશી હૂંડિયામણના ખર્ચમાં મોટો ઘટાડો થશે અને બજારમાં પોર્ટફોલિયો રિબેલેન્સિંગની પ્રક્રિયા વધુ ઝડપી તેમજ સરળ બનશે. 

 

બિઝનેસ કરવાની સરળતા (ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ) વધારવાના ઉદ્દેશ્યથી રીટ્સ અને ઇન્વિટ્સ માટે નવા રોકાણ વિકલ્પો ખુલ્લા મૂકવામાં આવ્યા છે. 

 

વૈકલ્પિક રોકાણ ફંડ એટલે કે એઆઈએફ માટે સ્કીમ બંધ કરવાની પ્રક્રિયાને હળવી બનાવવામાં આવી છે. 

 

વળી, બજારના મધ્યસ્થીઓને મોટી રાહત આપતા સેબીએ સ્પષ્ટતા કરી છે કે માત્ર કોઈ એફઆઈઆર કે ચાર્જશીટ દાખલ થવાથી જ તેઓને તાત્કાલિક ગેરલાયક ઠેરવવામાં આવશે નહીં.

 

આ ઉપરાંત, પ્રાથમિક બજારમાં આઈસીડીઆર નિયમોમાં સુધારો કરીને નવો આઈપીઓ લાવતી કંપનીઓ માટે ડ્રાફ્ટ એબ્રિજ્ડ પ્રોસ્પેક્ટસ રજૂ કરવાનું ફરજિયાત બનાવ્યું છે. 

 

હવે કાગળના ફિઝિકલ દસ્તાવેજોને બદલે ક્યૂઆર કોડ અને ડિજિટલ વેબલિંક આધારિત રજૂઆત થશે, જેથી રોકાણકારો સરળતાથી સચોટ માહિતી મેળવી શકે. 

 

કોર્પોરેટ ગવર્નન્સ મજબૂત કરવા માટે સેબીએ બોર્ડના સભ્યો અને અધિકારીઓ માટે હિતોના સંઘર્ષ અંગે નવી આચારસંહિતા લાગુ કરી છે. 

 

તાજેતરના એચડીએફસી બેન્કના વિવાદને પગલે સેબીના ચેરપર્સને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સ્વતંત્ર ડિરેક્ટરોએ પણ કડક આચારસંહિતા અને જવાબદારીના ધોરણોનું ચુસ્ત પાલન કરવું પડશે.

 

(9:35 AM IST)