<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

પૂર-ભૂસ્‍ખલન....! ૨૦૦ કરોડ લોકો પર ઘેરાયા સંકટના વાદળ

હિન્‍દુ કુશ-હિમાલય વિસ્‍તારમાં હિમનદીઓના ઝડપથી પીગળવાના અહેવાલે વૈશ્વિક ચિંતા ઊભી કરી : આ પરિસ્‍થિતિ ભવિષ્‍યમાં પાણી, પર્યાવરણ અને માનવ જીવન માટે ગંભીર ખતરો બની શકે છેઃ ICIMOD અહેવાલમાં ચોંકાવનારા ખુલાસા

નવી દલ્‍હી,તા.૨૪: હિન્‍દુકુશ હિમાલયમાં ગ્‍લેશિયર ઓગળવાની ઝડપ વર્ષ ૨૦૦૦ પછી ડબલ થઈ ગઈ છે. ICIMOD ના રિપોર્ટ મુજબ ૩૦ વર્ષમાં ૧૨% ગ્‍લેશિયર ગાયબ થઈ જશે. થર્ડ પોલ તરીકે જણાતો વિસ્‍તાર ગંગા, બ્રહ્મપુત્રા અને સિધુ નદીઓ જેવી નદીઓના સ્‍તોત્ર છે જે લગભગ ૨૦૦ કરોડ લોકોને પાણી આપે છે અને આ સદીના અંત સુધીમાં ૭૦-૮૦% ગ્‍લેશિયર ખતમ થઈ શકે છે. International Centre for Integrated Mountain Developmentના તાજા અહેવાલ મુજબ વર્ષ ૨૦૦૦થી હિન્‍દુ કુશ હિમાલય વિસ્‍તારમાં હિમનદીઓ પીગળવાનો દર બમણો થઈ ગયો છે. છેલ્‍લા ૩૦ વર્ષમાં લગભગ ૧૨ ટકા હિમનદીઓ અલ્લશ્‍ય થઈ ગઈ છે. જે આબોહવા પરિવર્તનનો સ્‍પષ્ટ સંકેત આપે છે. નિષ્‍ણાતો જણાવે છે કે ગ્‍લોબલ વોર્મિગના કારણે તાપમાન સતત વધી રહ્યું છે. જેના સીધા પરિણામ તરીકે હિમનદીઓ ઝડપથી ઓગળી રહી છે. આ માત્ર પર્યાવરણનો મુદ્દો નથી, પરંતુ લાખો લોકોના જીવન અને જળસ્રોતો માટે સીધી ચેતવણી છે.

હિન્‍દુ કુશ-હિમાલય પ્રદેશને ‘‘થર્ડ પોલ '' તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે ધ્રુવીય વિસ્‍તારો બાદ અહીં સૌથી વધુ બરફનો સંગ્રહ છે. અહીંથી ગંગા, બ્રહ્મપુત્રા અને સિધુ જેવી મુખ્‍ય નદીઓ નીકળે છે. જે આશરે બે અબજ લોકો માટે પાણીનો મુખ્‍યસ્ત્રેત છે. જો હિમનદીઓ આ જ ગતિએ પીગળતી રહેશે તો શરૂઆતમાં નદીઓમાં પાણીનો પ્રવાહ વધશે પરંતુ પછી લાંબા ગાળે પાણીની તંગી ઊભી થશે. આ પરિસ્‍થિતિ કૃષિ, પીવાનું પાણી અને ઉદ્યોગો માટે ગંભીર પડકાર ઉભો કરી શકે છે.

હિમનદીઓના પીગળવાથી ગ્‍લેશિયલ તળાવો ઝડપથી બની રહ્યા છે. જે કોઈપણ સમયે ફાટી શકે છે. આ ઘટનાને ગ્‍લેશિયલ લેક આઉટબર્સ્‍ટ ફલડ (GLOF) તરીકે ઓળખવામાં આવે છે. આવા તળાવો ફાટતા અચાનક પૂરો, ભૂસ્‍ખલન અને અન્‍ય કુદરતી આપત્તિઓનું જોખમ વધી જાય છે. ખાસ કરીને પર્વતીય વિસ્‍તારોમાં રહેતા લોકો માટે આ પરિસ્‍થિતિ જીવલેણ બની શકે છે. સાથે જ વીજ ઉત્‍પાદન પ્રોજેક્‍ટ્‍સ, કૃષિ અને જૈવવિવિધતા પર પણ તેની નકારાત્‍મક અસર જોવા મળી રહી છે.

વિજ્ઞાનીઓ ચેતવણી આપે છે કે જો ગ્‍લોબલ વોર્મિગની હાલની ગતિ ચાલુ રહેશે તો સદીના અંત સુધીમાં ૭૦થી ૮૦ ટકા હિમનદીઓ અલ્લશ્‍ય થઈ શકે છે. જોકે જો વૈશ્વિક તાપમાનમાં વધારો ૧.૫ ડિગ્રી સેલ્‍સિયસ સુધી મર્યાદિત રાખવામાં આવે. તો આ નુકસાનને મોટા પ્રમાણમાં અટકાવી શકાય છે. અહેવાલ સરકારો અને આંતરરાષ્ટ્રીય સમુદાયને ગ્રીનહાઉસ ગેસ ઉત્‍સર્જન ઘટાડવા, સશક્‍ત દેખરેખ પ્રણાલીઓ વિકસાવવા અને પર્વતીય વિસ્‍તારોમાં રહેતા લોકો માટે સુરક્ષા યોજનાઓ બનાવવાની તાત્‍કાલિક અપીલ કરે છે.

(10:16 AM IST)