News of Tuesday, 24th March 2026
ખાડી યુદ્ધને પગલે મધ્ય-પૂર્વના ૧૦ દેશો માટે ટપાલ બુકિંગ અસ્થાયી બંધ
માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહથી આ સેવા બંધ કરવામાં આવી છે : જ્વેલરી, દવા અને રેડી-ટુ-ઈટના પાર્સલ પર અસર

સુરત,તા.૨૪: મધ્ય-પૂર્વમાં ઊભી થયેલી અણધારી ફોર્સ મેજર પરિસ્થિતિ અને હવાઈ જોડાણો ખોરવાતા બહેરીન, ઇઝરાયેલ, કુવૈત, મોરોક્કો, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી અને યુએઈ માટે ભારતમાંથી મોકલાતી તમામ શ્રેણીની આંતરરાષ્ટ્રીય ટપાલ સેવા અસ્થાયી રીતે સ્થગિત કરવામાં આવી છે. આ નિર્ણયનો અસરકારક પડઘો સુરતના વેપારીઓ પર પણ પડયો છે. સુરતથી ઉપરોક્ત દેશોમાં મેડિસિન, જવેલરીના સેમ્પલ, ગારમેન્ટ સેમ્પલ, જવેલરીના સર્ટિફિકેટ (ડોક્યુમેન્ટ) તથા રેડી-ટુ-ઈટ ફૂડના પાર્સલો ટપાલ મારફતે વિદેશ મોકલવામાં આવે છે. ત્યારે આ દેશોમાં ટપાલસેવા બંધ થતાં તેની સીધી અસર વેપાર પર જોવા મળશે. માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહથી આ સેવા બંધ કરવામાં આવી છે.
મધ્ય-પૂર્વ વિસ્તારમાં વધતી તણાવપૂર્ણ પરિસ્થિતિને કારણે હવાઈ ઉડાનોમાં અડચણો ઊભી થતાં ભારત પોસ્ટ વિભાગે કેટલાક દેશો માટે આંતરરાષ્ટ્રીય ટપાલ બુકિગ અસ્થાયી રીતે બંધ કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણય હેઠળ મધ્ય-પૂર્વના ૧૦ દેશો માટે તમામ કેટેગરીના પાર્સલ અને ડોક્યુમેન્ટ બુકિગ હાલ માટે સ્થગિત કરવામાં આવ્યા છે. જ્યારે કાઝીસ્તાન, અફઘાનિસ્તાન, ઈરાક, જોર્ડન, અઝરબૈજાન, કિરીબાતી, બહામાસ, બર્મુડા, લેબનો, ઝિમ્બાબ્વે સહિતના ૫૮ દેશોમાં ટપાલ (પાર્સલ સેવા)ની ડિલિવરી મોડી પડવાનું જણાવાયું છે. સુરતમાંથી દરરોજ ટપાલ મારફતે મોટી સંખ્યામાં પાર્સલ વિદેશ મોકલવામાં આવે છે. ખાસ કરીને મેડિસિન, જવેલરીના સેમ્પલ, ગારમેન્ટના સેમ્પલ, જવેલરીના સર્ટિફિકેટ જેવા મહત્ત્વના દસ્તાવેજો તેમજ એનઆરઆઈ પરિવારજનો માટે રેડી-ટુ-ઈટ ફૂડના પાર્સલ નિયમિત રીતે મોકલાય છે. ટપાલ બુકિગ બંધ થતાં આ પાર્સલ મોકલવામાં અત્યારે અડચણ ઊભી થઈ છે.
પોસ્ટ વિભાગનાં સૂત્રોના જણાવ્યા મુજબ સુરતમાંથી ટપાલ દ્વારા મોકલાતા પાર્સલોમાં લગભગ ૮૫ ટકા પાર્સલ અમેરિકા, કેનેડા અને યુકે માટે જતાં હોવાથી મોટા પાયે વેપાર પર અસર થવાની શક્યતા ઓછી છે. બાકીના અંદાજે ૧૦થી ૧૫ ટકા પાર્સલ ઉપરોક્ત મધ્ય-પૂર્વના દેશોમાં મોકલાતા હોય છે, જેના કારણે મર્યાદિત અસર જોવા મળી શકે છે. જોકે, પરિસ્થિતિની નિયમિત સમીક્ષા કરવામાં આવી રહી છે અને ફલાઈટ જોડાણો ફરી શરૂ થતાં જ ટપાલ બુકિગ પણ પુનઃ શરૂ કરવામાં આવશે. ઉપરાંત, જે પાર્સલ પહેલાથી બુક થયા છે પરંતુ હજુ ભારતમાંથી મોકલાયા નથી, તેવા કિસ્સામાં ગ્રાહકોને સંબંધિત પોસ્ટ ઓફિસમાં અરજી કરીને પોતાનો માલ પાછો ખેંચવાની સુવિધા પણ આપવામાં આવી છે.
(10:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
