<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

મિત્ર દેશો દ્વારા યુદ્ધ ખતમ કરવા મેસેજ મોકલાવી રહ્યા છે ટ્રમ્‍પ

ઈરાને કર્યો મોટો દાવો...અમેરિકા હવે યુદ્ધના આ ભયંકર દલદલમાંથી બહાર નીકળવાનો સુરક્ષિત રસ્‍તો શોધી રહ્યું છે

તહેરાન,તા.૨૪: અમેરિકા સાથે સીઝફાયર પર ઈરાન તરફથી એક મોટો મેસેજ આવ્‍યો છે. એક તરફ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ દુનિયાની સામે સતત દાવા કરી રહ્યા છે કે ઈરાન યુદ્ધ ખતમ કરવા માટે આતુર છે અને અમેરિકાની ઈરાનના અમુક નવા અને સૌથી સન્‍માનિત નેતાઓ સાથે એક શાનદાર અને સફળ વાતચીત ચાલી રહી છે, પણ હવે ઈરાને સ્‍પષ્ટ કરી દીધું છે કે અમુક મિત્ર દેશ તેના પર અમને મેસેજ મોકલી રહ્યા છે કે અમેરિકા વાતચીત કરવા માગે છે. ઈરાને સ્‍પષ્ટ કરી દીધું છે કે વાતચીત માટે તે નહીં પણ અમેરિકા તરસી રહ્યું છે.

ઈરાનની સરકારી સમાચાર એજન્‍સી આઈઆરએનએના રિપોર્ટ અનુસાર, ઈરાની વિદેશ મંત્રાલયના પ્રવક્‍તાએ ટ્રમ્‍પના આ દાવાની ઉલટ વાત કરી છે, જેમાં અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે ઈરાન વાતચીત કરવા માગે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્‍તાએ કહ્યું કે, હાલના દિવસોમાં દુનિયાના કેટલાય મિત્ર દેશો (જે મોટા ભાગે ઓમાન, કતર અથવા સ્‍વિટ્‍ઝર્લેન્‍ડ જેવા મધ્‍યસ્‍થ રાષ્ટ્ર હોય છે) એ કૂટનીતિક ચેનલો દ્વારા તેહરાન સાથે સંપર્ક કર્યો છે. આ મિત્ર દેશોએ ઈરાનના ટોચના નેતૃત્‍વને કેટલાય ગુપ્ત મેસેજ મોકલ્‍યા છે, જેમાં આ વાતનો ખૂબ જ સ્‍પષ્ટ સંકેત આપ્‍યો છે કે અમેરિકા આ યુદ્ધને લઈને ફટાફટ ખતમ કરવા માટે ઈરાન સાથે કૂટનીતિક વાતચીત શરૂ કરવા માટે વારંવાર અનુરોધ કરી રહ્યું છે.

ઈરાની વિદેશ મંત્રાલયે આખી દુનિયાને આ સ્‍પષ્ટ કહી દીધું છે કે ઈરાને અમેરિકાના આ મેસેજ અને વાતચીતના અનુરોધોનો અત્‍યાર સુધી કોઈ જવાબ નથી આપ્‍યો. બીજા શબ્‍દોમાં કહીએ તો, ઈરાને અમેરિકાને શાંતિ અને કૂટનીતિક વાર્તાના આ પ્રસ્‍તાવોને નજરઅંદાજ કરી દીધા છે. ઈરાનનું આ મૌન અને કડક વલણ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્‍પના આ હાલના નિવેદનોની બિલકુલ વિપરીત છે. જેમાં તેણે પૂરા આત્‍મવિશ્વાસ સાથે દાવો કર્યો હતો કે ઈરાન ખૂબ જ ઈમાનદારીથી ડીલ કરવા માગે છે અને બંને દેશો વચ્‍ચે ૧૫ મુખ્‍ય બિદુઓ પર સહમતિ બની ગઈ છે. ઈરાનના આ સ્‍પષ્ટીકરણથી એ સાબિત થાય છે કે વોશિગટન જે કૂટનીતિક જીત અથવા સમાધાનનો ઢીંઢેરો પીટે છે, તે જમીની હકીકતથી ઘણું દૂર છે. ઈરાને વાતચીતનો કોઈ જવાબ ન આપીને આ દેખાડી દીધું છે કે તે અમેરિકાની કોઈ પણ શરત અથવા અલ્‍ટીમેટમના પ્રેશરમાં ઝુકવાનું નથી.

રણનીતિક મામલાના વૈશ્વિક નિષ્‍ણાતોનું માનવું છે કે અમેરિકા તરફથી મિત્ર દેશોની મદદ લઈ બેકચેનલથી મેસેજ મોકલવો એ વાતનું એક મજબૂત પ્રમાણ છે કે અમેરિકા હવે યુદ્ધના આ ભયંકર દલદલમાંથી બહાર નીકળવાનો સુરક્ષિત રસ્‍તો શોધી રહ્યું છે. હોર્મુઝનું બંધ થવું, ક્રૂડના ઊંચા જતા ભાવ અને વૈશ્વિક અર્થવ્‍યવસ્‍થા પર મંડરાઈ રહેલા મંદીના ખતરા, આ બધા માટે અમેરિકા પર ભારે પ્રેશર બની રહ્યું છે અને તે જલદી આ તણાવ ઘટાડે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

બીજી તરફ, ઈરાન પોતાની આ તાકાતનો પૂરેપૂરો કૂટનીતિક ફાયદો ઉઠાવી રહ્યું છે. કોઈ પણ ઉતાવળ અને કોઈ પણ સીધો જવાબ ન આપી, તેહરાન મનોવૈજ્ઞાનિક યુદ્ધમાં લીડ બનાવવાની કોશિશ કરી રહ્યું છે.

(10:20 AM IST)