News of Tuesday, 24th March 2026
વ્હેલી સવારથી વિવિધ પેટ્રોલ પંપો ઉપર લાઇનો
સબ સલામતના સરકારના ઢોલ વગાડીને દાવા છતાંય : પેટ્રોલ - ડિઝલની અછતની ‘‘પાયા વિહોણી'' અફવાથી પેનિકમાં ખરીદીઃ ટાંકીઓ ફૂલ કરાવવા પંપો ઉપર ઉમટયાઃ અફડાતફડીનો માહોલ

અમદાવાદ તા.૨૪: અમદાવાદ સહિત ગુજરાતના મોટાભાગના શહેરો-ગામડાંઓમાં પેટ્રોલ અને ડીઝલની અછતની અફવાઓની અસર જોવા મળી રહી છે. સોમવારે બપોરથી જ પેટ્રોલ પંપ પર અચાનક ભીડ વધી જવાથી લોકોની ચિતા વધી ગઈ છે. ખાસ કરીને ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, રાજકોટના વિસ્તારમાં લોકો મોટી સંખ્યામાં પેટ્રોલ અને ડીઝલ ભરાવવા માટે ઉમટી પડ્યા હતા. અનેક વિસ્તારોના પેટ્રોલપંપો પર કિલોમીટરો લાંબી લાઈનો જોવા મળી હતી. આજે મંગળવારે (૨૪મી માર્ચ) પણ વહેલી સવારથી જ લોકો પેટ્રોલ પંપની બહાર લાઇનો લગાવીને ઊભા છે. આ પરિસ્થિતિની વચ્ચે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ડીલર એસોસિયેશનોએ સ્પષ્ટતા કરી છે કે ગુજરાતમાં ઇંધણની કોઈ અછત નથી. રાજ્યમાં પેટ્રોલ-ડીઝલની કોઈ તંગી નથી અને તેનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે.
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOCL) ના સ્ટેટ નોડલ ઓફિસર અને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરે આ અંગે નિવેદન આપ્યું છે કે, ગુજરાતના તમામ પેટ્રોલ-ડીઝલ ડેપો અને ટર્મિનલ્સમાં ઇંધણની પૂરતી ઇન્વેન્ટરી (સ્ટોક) ઉપલબ્ધ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે નાગરિકોએ પંપ પર ખોટી ભીડ કરવાની જરૂર નથી, રાજ્યમાં ગમે ત્યારે જરૂર મુજબનું ઈંધણ મળી રહેશે.સોશિયલ મીડિયા પર આવતા ખોટા મેસેજ કે અફવાઓથી દોરાઈને પંપ પર ભીડ ન કરવા તેમણે વિનંતી કરી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે ગુજરાતમાં ઇંધણની કોઈ જ તકલીફ નથી અને ભવિષ્યમાં પણ આવી કોઈ સમસ્યા સર્જાશે નહીં.
ગુજરાતના અનેક વિસ્તારોમાં સોમવારથી જ અચાનક તમામ પેટ્રોલ પંપો પર પેટ્રોલ ભરાવવા માટે કિલોમીટરો સુધીની લાઇનો લાગી હતી. સોમવારે મોડી રાત સુધી એટલે કે જ્યાં સુધી પેટ્રોલ પંપો બંધ ન થયા ત્યાં સુધી લોકો કલાકો આ લાઇનમાં ઊભા હતા. તો બીજી બાજુ આજે મંગળવારે સવારે પાંચ વાગ્યાથી લોકો પેટ્રોલ પંપોની બહાર મસમોટી કતારો લાગી હતી. લોકો અફવાઓથી ડરીને કલાકો લાઇનમાં ઊભા રહ્યા હતા.
સોમવારે સવારથી જ રાજ્યનાં કેટલાક પેટ્રોલ પંપો પેટ્રોલ-ડીઝલનો જથ્થો ન હોવાને કારણે બંધ રાખવામાં આવ્યા હતા. જે બાદ સોશિયલ મીડિયા પર ફરતા થયેલા સંદેશાઓને કારણે લોકોએ પેટ્રોલ પંપો પર ધસારો કર્યો હતો અને ટુ-વ્હીલર તથા ફોર-વ્હીલરધારકોએ પેટ્રોલ-ડીઝલ ભરાવવા લાંબી લાઇનો લગાવી હતી.
આ અંગે સોમવારે જ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશને સ્પષ્ટતા કરી છે કે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. એસોસિયેશનના જણાવ્યા અનુસાર, સપ્લાય ચેઇનમાં વિક્ષેપ ફક્ત કામચલાઉ છે અને તેને ઝડપથી ઉકેલવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. તો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) પણ પરિસ્થિતિને સામાન્ય બનાવવા માટે સક્રિયપણે કામ કરી રહી છે. કંપનીએ તેના વિતરણ નેટવર્કને સુવ્યવસ્થિત કરવા માટે વધારાના પગલાં લીધા છે તેમ જણાવ્યું છે
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોમવારે જ પત્રકાર પરિષદને સંબોધીને કહ્યું હતું, હું તમામ નાગરિકોને વિનંતી કરું છું કે સોશિયલ મીડિયા કે વોટ્સએપ પર આવેલી અફવાથી દોરવાઈને કોઈપણ પ્રકારની ભાગદોડ કરવાની જરૂર નથી. રાજ્ય તથા કેન્દ્ર સરકાર દ્વારા સપ્લાયનું દરરોજ નિરીક્ષણ કરવામાં આવે છે. રાજ્યના તમામ પેટ્રોલ પંપો પર પૂરતી સંખ્યામાં પેટ્રોલ-ડીઝલ મળી રહે તે માટે પૂરતી તૈયારી છે.ૅ આ સાથે સંઘવીએ લોકોને પૂરતી માહિતી વગર સોશિયલ મીડિયા પર પોસ્ટ નહીં કરવા તથા ફોરવર્ડ નહીં કરવા અપીલ કરી હતી.
ગુજરાત રાજ્યના અન્ન અને પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ મોના ખંધારે જણાવ્યું હતું કે રાજ્યમાં પેટ્રોલ-ડીઝલની કોઈ તંગી નથી અને તેનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે તેમ જ જરૂરિયાત મુજબનો બફર સ્ટોક પણ રાખવામાં આવ્યો છે.
પેટ્રોલ પંપના સ્ટોક રાખવાની ગાઇડલાઇન નક્કી કરવામાં આવી છે. ઓર્ડર લખાવાની ગાઇડલાઇન સહિતના નિયમોમાં ધરખમ ફેરફારો થઈ રહ્યા છે. આઇઓસીના અમુક પંપ રાત્રે ૧૦ વાગ્યે બંધ થવાનો નિર્ણય ઘણી જગ્યાએ લાગુ થઈ રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં સપ્લાય મેનેજમેન્ટ માટે રાત્રે ૧૦ વાગ્યા પછી પંપ બંધ રાખવાના સમાચાર છે પરંતુ આ સ્થિતિ કાયમી નથી. ટેન્કરો મોડા આવવાને કારણે અથવા સ્ટોક મર્યાદિત હોવાથી અમુક પંપોએ કામચલાઉ ધોરણે આ નિર્ણય લીધો છે.
ડીલરને ગયા વર્ષના સરેરાશ વેચાણ મુજબ જ જથ્થો ફાળવવામાં આવી રહ્યો છે જેથી કરીને જથ્થાબંધ કાળાબજારી ન થાય અને તેને અટકાવી શકાય. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધવા છતાં ભારતમાં રિટેલ ભાવ વધારવામાં આવ્યા નથી. માત્ર ઇન્ડસ્ટ્રિયલ ડીઝલમાં લિટર દીઠ ૨૨નો વધારો થયો છે. આવી સ્થિતિના કારણે ઓઇલ માર્કેટિગ કંપનીઓને માર્કેટિગ લોસ થઈ રહ્યો છે.
(10:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
