<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

મધ્ય પૂર્વમાં યુદ્ધની જ્વાળા: કેથે પેસિફિકે દુબઈ અને રિયાધની તમામ ફ્લાઈટ્સ 31 મે સુધી કરી રદ

ઈઝરાયલ-ઈરાન સંઘર્ષને પગલે એશિયન એવિએશન જાયન્ટનો મોટો નિર્ણય; મુસાફરોને રિફંડ અને રિબુકિંગમાં મળશે ખાસ રાહત

હોંગકોંગ, તા. 24: મધ્ય પૂર્વમાં ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધની સીધી અસર હવે વૈશ્વિક વિમાન સેવાઓ પર જોવા મળી રહી છે. હોંગકોંગની દિગ્ગજ એરલાઇન કેથે પેસિફિકે મંગળવારે જાહેરાત કરી છે કે, દુબઈ અને રિયાધ જતી-આવતી તેમની તમામ ફ્લાઈટ્સનું સસ્પેન્શન હવે 31 મે, 2026 સુધી લંબાવી દેવામાં આવ્યું છે. અગાઉ આ ફ્લાઈટ્સ એપ્રિલ અંત સુધી રદ કરવામાં આવી હતી, પરંતુ યુદ્ધની ગંભીર પરિસ્થિતિને જોતા કંપનીએ આ નિર્ણય લીધો છે.
મુસાફરો માટે શું છે વ્યવસ્થા?
કેથે પેસિફિકે સ્પષ્ટ કર્યું છે કે જે મુસાફરોની ટિકિટ રદ થઈ છે અથવા જેઓ પોતાની મુસાફરીના રૂટ બદલવા માંગે છે, તેમને કોઈ પણ વધારાના ચાર્જ વગર રિબુકિંગ, રિરૂટિંગ અથવા સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે. કંપનીએ જણાવ્યું હતું કે તેઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને મુસાફરોની સુરક્ષા તેમની પ્રથમ અગ્રતા છે.
મહત્વનો ફેરફાર: મધ્ય પૂર્વના રૂટ બંધ થવાને કારણે યુરોપ જતા મુસાફરો માટે કેથે પેસિફિકે હોંગકોંગથી પેરિસ, ઝુરિચ અને લંડન માટે વધારાની ફ્લાઈટ્સ શરૂ કરી છે, જેથી મુસાફરોને વૈકલ્પિક રસ્તો મળી રહે.
તેલના ભાવ વધતા ટિકિટ થશે મોંઘી
યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. પરિણામે, કેથે પેસિફિકે આ મહિનાથી તેના મોટાભાગના રૂટ પર ફ્યુઅલ સરચાર્જ બમણો કરી દીધો છે. આનો અર્થ એ કે આગામી દિવસોમાં વિદેશ પ્રવાસ કરનારા મુસાફરોએ ટિકિટ માટે વધુ કિંમત ચૂકવવી પડી શકે છે.
ઉલ્લેખનીય છે કે 28 ફેબ્રુઆરીએ ઈરાન પર થયેલા હુમલા બાદ મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમાએ છે. દુબઈ અને રિયાધ જેવા મોટા હબ પર ફ્લાઈટ્સ બંધ થવાથી એશિયા અને યુરોપ વચ્ચેના હવાઈ વ્યવહારને મોટી અસર પહોંચી છે.

(3:24 PM IST)