News of Tuesday, 24th March 2026
પશ્ચિમ એશિયામાં યુદ્ધ વચ્ચે ભારત સરકાર એક્શન મોડમાં: આવતીકાલે સર્વપક્ષીય બેઠક
હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધીને પગલે ઉર્જા સંકટ ઘેરાયું: રક્ષા મંત્રીએ ત્રણેય સેનાના વડાઓ સાથે સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી

નવી દિલ્હી, તા.૨૪: મધ્ય એશિયામાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ફાટી નીકળેલું ભયાનક યુદ્ધ હવે ચોથા સપ્તાહમાં પ્રવેશી ચૂકયું છે, જેની સીધી અસર ભારતના અર્થતંત્ર અને સુરક્ષા પર જોવા મળી રહી છે. અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનીની હત્યા બાદ સ્થિતિ અત્યંત ગંભીર બની છે. આ કટોકટીનો સામનો કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સાંજે ૫ વાગ્યે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. અગાઉ પીએમ મોદીએ લોકસભામાં સ્પષ્ટ કર્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાને કારણે ઉર્જા પુરવઠો ખોરવાઈ શકે છે, જેની સામે આપણે કોવિડ-૧૯ જેવી તૈયારી રાખવી પડશે.
ભારત માટે સૌથી મોટી ચિંતા ખાડી દેશોમાં વસતા અંદાજે ૧ કરોડ ભારતીયોની સુરક્ષા અને દેશનો તેલ-ગેસ પુરવઠો છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ મામલે સીડીએસ જનરલ અનિલ ચૌહાણ અને ત્રણેય પાંખના વડાઓ સાથે હાઈ-લેવલ રિવ્યૂ મીટિંગ યોજી -ાદેશિક સુરક્ષાની સમીક્ષા કરી છે. હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતીય જહાજો અને ક્રૂ મેમ્બરો ફસાયેલા હોવાથી નૌકાસેના પણ એલર્ટ પર છે. સરકાર દ્વારા અત્યાર સુધીમાં ૩.૭૫ લાખથી વધુ ભારતીયોને યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી સુરક્ષિત પરત લાવવામાં આવ્યા છે, પરંતુ હજુ પણ લાખો લોકો ત્યાં હોવાથી ચિંતા અકબંધ છે.
આર્થિક મોરચે ભારત પર મોટો ફટકો પડવાની ભીતિ છે, કારણ કે ભારતની જરૂરિયાતનું ૬૦% એલપીજી અને મોટો હિસ્સો ક્રૂડ ઓઈલ આ વિસ્તારમાંથી આવે છે. વડાપ્રધાને રાજ્યસભામાં પણ નિવેદન આપતા જણાવ્યું કે યુદ્ધના કારણે વૈશ્વિક બજારમાં ભાવ વધારો અને સપ્લાય ચેઈન ખોરવાઈ શકે છે. સરકારે રાજ્યોને સંગ્રહખોરી રોકવા અને તેલના વૈકલ્પિકસ્ત્રોતો શોધવા સૂચના આપી છે. ભારત હાલમાં મુત્સદ્દીગીરી દ્વારા તણાવ ઘટાડવા પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ યુદ્ધ લાંબુ ખેંચાય તો દેશમાં મોંઘવારી અને ઈંધણની અછત જેવી સ્થિતિ સર્જાઈ શકે છે
(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
