<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

આઈપીએલ ઈતિહાસનો સૌથી મોટો સોદો : અમેરિકી ઉદ્યોગપતિ કાલ સોમાણીના નેતૃત્વ હેઠળના કન્સોર્ટિયમે ૧.૬૩ બિલિયન ડોલરમાં (અંદાજે ₹ 13,500 કરોડ) રાજસ્થાન રોયલ્સ ટીમને ખરીદી

વોલમાર્ટ પરિવારના રોબ વોલ્ટન અને ફોર્ડ મોટર કંપની સાથે જોડાયેલા હેમ્પ પરિવારના આર્થિક ટેકાથી કાલ સોમાણીએ હાંસલ કરી માલિકી : એડ-ટેક, ડેટા પ્રાઈવસી અને સ્પોર્ટ્સ ટેક ક્ષેત્રના દિગ્ગજ હવે ક્રિકેટના મેદાનમાં જમાવશે વર્ચસ્વ

નવી દિલ્હી:ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ના ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો અને ચોંકાવનારો બિઝનેસ સોદો પાર પડ્યો છે. અમેરિકા સ્થિત ભારતીય મૂળના ઉદ્યોગપતિ કાલ સોમાણીના નેતૃત્વ હેઠળના કન્સોર્ટિયમે રાજસ્થાન રોયલ્સ ફ્રેન્ચાઈઝીને ૧.૬૩ બિલિયન ડોલર (આશરે ₹ 13,500 કરોડ) ની અધધ રકમમાં ખરીદી લીધી છે. છેલ્લા છ મહિનાથી રાજસ્થાન રોયલ્સના વર્તમાન માલિકો ટીમની ૧૦૦ ટકા હિસ્સેદારી વેચવા માટે મંત્રણા કરી રહ્યા હતા, જેનો આખરે સુખદ અંત આવ્યો છે.

વિશ્વના દિગ્ગજ ઉદ્યોગપતિઓનો ટેકો:
કાલ સોમાણીને આ વિશાળ રોકાણમાં અમેરિકાના પ્રતિષ્ઠિત વ્યાપારી પરિવારોનો મજબૂત સાથ મળ્યો છે. જેમાં વોલમાર્ટ (Walmart) પરિવારના રોબ વોલ્ટન અને હેમ્પ પરિવારનો સમાવેશ થાય છે. હેમ્પ પરિવાર અમેરિકાની પ્રખ્યાત નેશનલ ફૂટબોલ લીગ (NFL) ની ટીમ 'ડેઈટ્રોઈટ લાયન્સ'માં બહુમતી હિસ્સો ધરાવે છે. આ કન્સોર્ટિયમમાં શીલા ફોર્ડ હેમ્પ પણ સામેલ છે, જેઓ વિશ્વવિખ્યાત ફોર્ડ મોટર કંપનીમાં મોટો હિસ્સો ધરાવતા ફોર્ડ પરિવારના સભ્ય છે.

કોણ છે કાલ સોમાણી?
કાલ સોમાણી મુખ્યત્વે અમેરિકાના ટેકનોલોજી ક્ષેત્રના અગ્રણી સાહસિક અને અનેક કંપનીઓના સ્થાપક તરીકે જાણીતા છે. તેઓ ઇન્ટ્રાએજ (IntraEdge), ડેટા પ્રાઈવસી ક્ષેત્રની ટ્રુયો (Truyo) અને ટ્રુયો.AI (Truyo.AI) તેમજ એડ-ટેક કંપની એકેડેમિયન (Academian) જેવી વૈશ્વિક કંપનીઓના સ્થાપક અને સીઈઓ છે. તેમની વિશેષતા ડેટા પ્રાઈવસી, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ગવર્નન્સ અને સ્પોર્ટ્સ ટેકનોલોજીમાં રહી છે.

રમતગમત ક્ષેત્રે ઊંડો રસ:
કાલ સોમાણી માત્ર વ્યવસાય પૂરતા મર્યાદિત નથી, પરંતુ રમતગમત સાથે પણ લાંબા સમયથી જોડાયેલા છે. તેઓ મોટર સિટી ગોલ્ફ ક્લબના સહ-માલિક છે અને ટાઈગર વૂડ્સ તથા રોરી મેકઈલરોય દ્વારા સ્થાપિત TMRW સ્પોર્ટ્સ તેમજ TGL ગોલ્ફ લીગમાં શરૂઆતી રોકાણકાર રહી ચૂક્યા છે. રાજસ્થાન રોયલ્સ સાથે તેમનો સંબંધ ૨૦૨૧થી છે, જ્યારે તેમણે આ ટીમમાં રોકાણ કરતી વખતે આઈપીએલના ભવિષ્ય અંગે મોટો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

રાજસ્થાન રોયલ્સના નવા માલિક તરીકે કાલ સોમાણીના આગમનથી આઈપીએલમાં ટેકનોલોજી અને વૈશ્વિક સ્પોર્ટ્સ મેનેજમેન્ટનો નવો સંગમ જોવા મળશે તેવી રમત જગતમાં ચર્ચા છે.

(4:38 PM IST)