તેહરાનની શતરંજમાં ટ્રમ્પનો ચેકમેટ! મોજતબા ખામેનીએ અમેરિકાના 'ગાલિબાફ પ્લાન'ના લીરેલીરા ઉડાડ્યા
વ્હાઇટ હાઉસ જેડી વાન્સને મોકલી ઈરાની સ્પીકરને સાધવાની ફિરાકમાં હતું, ત્યાં જ 'માસ્ટર માઇન્ડ' મોજતબાએ બાકર ઝોલકાદરને મેદાનમાં ઉતારી સત્તાની લગામ પોતાના હાથમાં હોવાનો સ્પષ્ટ સંકેત આપ્યો

તેહરાન: મધ્ય-પૂર્વના રણમેદાનમાં અત્યારે બંદૂકોની ગોળીઓ કરતાં રાજદ્વારી ચાલબાજીઓ વધુ તેજ બની છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે ઈરાન સાથે યુદ્ધવિરામ કરવા માટે એક ગુપ્ત અને અત્યંત મહત્વાકાંક્ષી 'ગાલિબાફ પ્લાન' તૈયાર કર્યો હતો, પરંતુ ઈરાનના પડદા પાછળના અસલી ખેલાડી મોજતબા ખામેનીએ આ આખી યોજનાને નિષ્ફળ બનાવી દીધી છે. અમેરિકાની વ્યૂહરચના એવી હતી કે ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘર ગાલિબાફને પંપાળીને તેમને ઈરાનના ભાવિ સર્વોચ્ચ નેતા તરીકે રજૂ કરવા અને તેમના દ્વારા યુદ્ધવિરામ સુનિશ્ચિત કરવો. ટ્રમ્પ વહીવટીતંત્ર માનતું હતું કે ગાલિબાફની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) પર મજબૂત પકડ છે, તેથી તેમને ખુશ કરવા ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સને પણ મોકલવાની તૈયારી હતી. જોકે, આ ખેલ પાર પડે તે પહેલા જ મોજતબાએ બાકર ઝોલકાદરને સુપ્રીમ કાઉન્સિલના સેક્રેટરી પદે બેસાડીને અમેરિકાના ગણિત બગાડી નાખ્યા છે.
બાકર ઝોલકાદરની નિમણૂક એ માત્ર વહીવટી ફેરફાર નથી, પરંતુ તેહરાન તરફથી વોશિંગ્ટનને આપવામાં આવેલો એક સજ્જડ રાજકીય તમાચો છે. ઝોલકાદર એવા વ્યક્તિ છે જેઓ 1989થી ખામેની પરિવારના વફાદાર રહ્યા છે અને IRGCમાં જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફ જેવા મહત્વના હોદ્દા સંભાળી ચૂક્યા છે. તેમની નિમણૂક દ્વારા મોજતબા ખામેનીએ દુનિયાને એવો કડક સંદેશ આપ્યો છે કે ઈરાન કોઈ એક વ્યક્તિ કે કોઈ પશ્ચિમી દેશના ઈશારે ચાલતું નથી. અહીં નિર્ણયો કોઈ નેતાની અંગત પસંદગી પર નહીં, પણ એક સુદ્રઢ અને અભેદ્ય 'સિસ્ટમ' દ્વારા લેવામાં આવે છે જેનું નેતૃત્વ સ્વયં મોજતબા કરી રહ્યા છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ પણ આડકતરી રીતે સ્વીકાર્યું છે કે સર્વોચ્ચ નેતાનો સંદેશ ન આવે ત્યાં સુધી કંઈપણ સ્પષ્ટ નથી, અને તે સંદેશમાં અમેરિકા પાસે પહેલા 'માફી'ની માંગણી કરવામાં આવી છે.
અત્યારે વ્હાઇટ હાઉસમાં ભારે અસમંજસની સ્થિતિ છે. 'એક્સિયોસ' અને 'પોલિટિકો' જેવા આંતરરાષ્ટ્રીય મીડિયા હાઉસના અહેવાલો મુજબ, ટ્રમ્પ વહીવટીતંત્ર હજુ પણ ગાલિબાફને જ ઈરાનના સૌથી શક્તિશાળી ચહેરા તરીકે જોઈ રહ્યું છે અને જેડી વાન્સ દ્વારા સીધી વાતચીતનો માર્ગ શોધવા મથામણ કરી રહ્યું છે. પરંતુ મોજતબાની આ નવી ચાલ બાદ અમેરિકા માટે ગાલિબાફ સાથે સંપર્ક કરવો પણ મુશ્કેલ બનશે, કારણ કે હવે સત્તાની તમામ ધરી ઝોલકાદર અને સુપ્રીમ કાઉન્સિલની આસપાસ કેન્દ્રિત થઈ ગઈ છે. ટૂંકમાં, અમેરિકા જે યુદ્ધવિરામની આશાએ ઈરાની સિસ્ટમમાં તિરાડ પાડવા માંગતું હતું, તે જ સિસ્ટમે અત્યારે લોખંડી એકતા બતાવી ટ્રમ્પની યોજનાને પાટા પરથી ઉતારી દીધી છે. હવે આંતરરાષ્ટ્રીય સમુદાયની નજર એ વાત પર છે કે શું ટ્રમ્પ પોતાની જીદ છોડી ઈરાનની આ 'સિસ્ટમ' સાથે સીધી મંત્રણા કરશે કે પછી તણાવ વધુ ઉગ્ર બનશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
