News of Tuesday, 24th March 2026
લાલુ યાદવને દિલ્હી હાઈકોર્ટનો મોટો ઝટકો: 'લેન્ડ ફોર જોબ' કૌભાંડમાં FIR રદ કરવાની અરજી ફગાવી!
રેલવે મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન જમીનના બદલામાં નોકરી આપવાના ગંભીર આરોપોમાં કાયદાકીય કવચ મેળવવાનો પ્રયાસ નિષ્ફળ

નવી દિલ્હી: રાજદ સુપ્રીમો અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ માટે કાયદાકીય મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. દિલ્હી હાઈકોર્ટે 'લેન્ડ ફોર જોબ્સ' (જમીન સામે નોકરી) કૌભાંડમાં તેમની સામે નોંધાયેલી સીબીઆઈ ની FIR રદ કરવાનો સાફ ઇનકાર કરી દીધો છે. લાલુ યાદવ તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે દલીલ કરી હતી કે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 17-એ હેઠળ જરૂરી સરકારી મંજૂરી વિના આ કેસ દાખલ કરવામાં આવ્યો છે, જે ગેરકાયદેસર છે. જોકે, હાઈકોર્ટે આ દલીલને ફગાવી દેતા જણાવ્યું હતું કે આ કાયદાકીય જોગવાઈ 2018માં આવી હતી, જ્યારે કથિત ગુનાઓ 2004 થી 2009 વચ્ચેના છે, તેથી આ રક્ષણ લાલુ યાદવને મળી શકે નહીં.
આ કેસના મૂળમાં અત્યંત ગંભીર આરોપો રહેલા છે. સીબીઆઈનો દાવો છે કે જ્યારે લાલુ પ્રસાદ યાદવ કેન્દ્રીય રેલવે મંત્રી હતા, ત્યારે તેમણે રેલવેમાં ગ્રુપ-ડીની નોકરીઓ આપવાના બદલામાં ઉમેદવારો અને તેમના પરિવારો પાસેથી પટના સહિત અનેક જગ્યાએ નજીવી કિંમતે જમીનો લખાવી લીધી હતી. આમાંની ઘણી જમીનો તો ભેટ (ગિફ્ટ) તરીકે યાદવ પરિવારના સભ્યો અથવા તેમની સાથે સંકળાયેલી કંપનીઓના નામે ટ્રાન્સફર કરવામાં આવી હતી. એજન્સીના મતે, આ આખી પ્રક્રિયામાં કોઈ પણ જાહેર ભરતી પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું નહોતું. કોર્ટે નોંધ્યું હતું કે 14 વર્ષના વિલંબ બાદ 2022માં FIR થઈ હોવા છતાં, તપાસ પ્રક્રિયામાં કોઈ ટેકનિકલ ખામી જણાતી નથી.
દિલ્હી હાઈકોર્ટના આ ચુકાદા બાદ હવે લાલુ પ્રસાદ યાદવ સામે ટ્રાયલ કોર્ટમાં સુનાવણીનો માર્ગ મોકળો થયો છે, જે તેમના માટે એક મોટો આંચકો માનવામાં આવે છે. યાદવ પરિવારે હંમેશા આ આરોપોને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યા છે, પરંતુ હાઈકોર્ટે અરજીને 'યોગ્યતા વગરની' ગણાવતા હવે તપાસનો ગાળિયો વધુ કસાઈ શકે છે. આ કૌભાંડમાં માત્ર લાલુ યાદવ જ નહીં, પરંતુ તેમના પરિવારના અન્ય સભ્યો પર પણ તપાસની તલવાર લટકી રહી છે. હવે જોવાનું એ રહેશે કે લાલુ યાદવ આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારે છે કે પછી ટ્રાયલનો સામનો કરવાની તૈયારી કરે છે.
(7:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
