<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

ડ્રેગન અને નપાક પાકિસ્તાનની ઊંઘ હરામ: સરહદ પર તૈનાત થઈ ભારતની રૌદ્ર 'પિનાકા' રેજિમેન્ટ!

દુશ્મનના ઠેકાણાઓને સેકન્ડોમાં રાખ કરી દેતી સ્વદેશી રોકેટ સિસ્ટમની સાતમી ટુકડી એક્શનમાં : 90 કિમીની રેન્જ સાથે LAC અને LoC પર ભારતીય સેનાની ફાયરપાવરમાં થયો તોતિંગ વધારો

નવી દિલ્હી:  ભારતીય સેનાએ સરહદ પર પોતાની તાકાતમાં અભૂતપૂર્વ વધારો કરતા પિનાકા મલ્ટી-બેરલ રોકેટ લોન્ચર સિસ્ટમની 'સાતમી રેજિમેન્ટ'ને સફળતાપૂર્વક કાર્યરત કરી દીધી છે. ચીન સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) અને પાકિસ્તાન સરહદે વધતા તણાવને જોતા આ તૈનાતી અત્યંત મહત્વની માનવામાં આવે છે. ગલવાન ખીણની હિંસક ઘટના બાદ ભારતે પોતાની સંરક્ષણ વ્યૂહરચનામાં આક્રમક બદલાવ કર્યો છે, જે અંતર્ગત હવે કુલ સાત રેજિમેન્ટ દુશ્મનો પર બાજ નજર રાખી રહી છે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વર્ષના અંત સુધીમાં આઠમી રેજિમેન્ટ પણ સજ્જ થઈ જશે, જ્યારે આગામી વર્ષે આ આંકડો 10 પર પહોંચશે. ભારતનું અંતિમ લક્ષ્ય આવી 22 પિનાકા રેજિમેન્ટ તૈનાત કરવાનું છે, જે કોઈપણ યુદ્ધની સ્થિતિમાં પલકવારમાં પાસા પલટી શકે છે.

પિનાકા સિસ્ટમની સૌથી મોટી તાકાત તેની ગતિ અને સચોટતા છે. DRDO દ્વારા વિકસિત આ સ્વદેશી હથિયાર માત્ર 44 સેકન્ડમાં 12 રોકેટ છોડવાની ક્ષમતા ધરાવે છે, જે દુશ્મનના કેમ્પ કે આર્ટિલરીને સંભાળવાની તક પણ આપતું નથી. જૂની પિનાકાની સરખામણીએ નવી 'ગાઇડેડ પિનાકા' 90 કિલોમીટર દૂર બેઠેલા લક્ષ્યને પણ પિન-પોઈન્ટ એક્યુરેસી સાથે વીંધી શકે છે. ગયા વર્ષે 'ઓપરેશન સિંદૂર' દરમિયાન આ સિસ્ટમે પોતાની શક્તિનો પરચો આપી પાકિસ્તાની સેનામાં ફફડાટ ફેલાવી દીધો હતો. ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ અને લાર્સન એન્ડ ટુબ્રો  જેવી ભારતીય કંપનીઓ દ્વારા નિર્મિત આ સિસ્ટમ હવે ભારતીય તોપખાનાની કરોડરજ્જુ બની ગઈ છે.

આધુનિક યુદ્ધ ટેકનોલોજીથી સજ્જ પિનાકા કોઈપણ ઋતુ કે વિષમ પરિસ્થિતિમાં કામ કરવા સક્ષમ છે. તેના લોન્ચરમાં ખાસ હાઇડ્રોલિક આઉટરિગર્સ લગાવવામાં આવ્યા છે, જે ભારે ફાયરિંગ દરમિયાન પણ સ્થિરતા જાળવી રાખે છે. સેના હવે ભવિષ્યમાં આનાથી પણ લાંબા અંતરના વર્ઝન સામેલ કરવાની તૈયારી કરી રહી છે, જે ભારતની 'ડીપ સ્ટ્રાઈક' ક્ષમતા એટલે કે દુશ્મનના પ્રદેશમાં ઉંડે સુધી પ્રહાર કરવાની શક્તિમાં વધારો કરશે. જે રીતે ચીન સરહદે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારી રહ્યું છે, તેની સામે ભારતની આ સાતમી પિનાકા રેજિમેન્ટ એક મજબૂત કિલ્લા સમાન સાબિત થશે.

(7:25 PM IST)