News of Tuesday, 24th March 2026
ટોઇલેટ ક્લીનરની બોટલ માટે હાર્પિક અને ગોદરેજ વચ્ચે 'જંગ': મામલો સુપ્રીમ કોર્ટમાં!
ત્રાંસી ગરદનવાળી ડિઝાઇન પર કોનો અધિકાર? 1984થી ચાલી આવતી હાર્પિકની ઓળખ સામે ગોદરેજે ઠોકી દલીલ : હાઈકોર્ટના પલટાતા ચુકાદા બાદ હવે અંતિમ ફેંસલો ટ્રાયલ કોર્ટના હાથમાં

નવી દિલ્હી: સામાન્ય રીતે આપણે જેને કચરો સમજીને ફેંકી દઈએ છીએ, તે ખાલી બોટલ આજે બે દિગ્ગજ કંપનીઓ વચ્ચે કરોડોના કાનૂની વિવાદનું કારણ બની છે. હાર્પિકની પેરન્ટ કંપની રેકિટ બેન્કિસર અને ગોદરેજ કન્ઝ્યુમર વચ્ચે ટોઇલેટ ક્લીનરની બોટલના આકારને લઈને ચાલી રહેલી કાનૂની લડાઈ હવે દેશની સર્વોચ્ચ અદાલત સુધી પહોંચી છે. વિવાદના મૂળમાં હાર્પિકની પ્રખ્યાત 'બેન્ટ નેક' (ત્રાંસી ગરદન) વાળી બોટલ છે. હાર્પિકનો દાવો છે કે 1984થી આ આકાર તેમની બ્રાન્ડની ઓળખ છે, જ્યારે ગોદરેજે પોતાના 'સ્પિક' ક્લીનર માટે સમાન ડિઝાઈન વાપરીને હાર્પિકના ટ્રેડમાર્કનું ઉલ્લંઘન કર્યું છે. જોકે, સુપ્રીમ કોર્ટે હાલમાં આ મામલે હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરી કેસને ફરી કલકત્તા હાઈકોર્ટમાં ટ્રાયલ માટે મોકલી આપ્યો છે.
આ કાનૂની જંગના ટેકનિકલ પાસાઓ અત્યંત રસપ્રદ છે. હાર્પિકે 2002માં આ ડિઝાઈન રજીસ્ટર કરાવી હતી, જેની મુદત હવે પૂરી થઈ ગઈ છે. ગોદરેજની દલીલ છે કે ડિઝાઈન પ્રોટેક્શન સમાપ્ત થતાની સાથે જ આ આકાર 'પબ્લિક ડોમેન'માં આવી ગયો છે અને કોઈપણ તેનો ઉપયોગ કરી શકે છે. વધુમાં, ગોદરેજે એવી પણ દલીલ કરી કે બોટલનો આકાર તેના કાર્ય (Functionality) સાથે જોડાયેલો છે જેથી તેના પર કોઈ એક કંપનીનો એકાધિકાર હોઈ શકે નહીં. બીજી તરફ, હાર્પિકનું કહેવું છે કે ટ્રેડમાર્ક એક્ટ હેઠળ, ભલે ડિઝાઈન રજીસ્ટ્રેશન પૂરું થયું હોય, પણ ગ્રાહકોના મનમાં જે આકાર બ્રાન્ડની ઓળખ બની ગયો હોય તેના પર કંપનીનો હક અકબંધ રહે છે.
આ કેસમાં કલકત્તા હાઈકોર્ટમાં નાટ્યાત્મક વળાંક જોવા મળ્યા હતા. ગત 25 ફેબ્રુઆરી, 2026ના રોજ સિંગલ બેન્ચે હાર્પિકની તરફેણમાં ચુકાદો આપી ગોદરેજ પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ માત્ર ત્રણ જ દિવસમાં ડિવિઝન બેન્ચે આ નિર્ણય ઉલટાવી દીધો હતો. હવે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ બંને કંપનીઓ હાલ પૂરતી પોતાની જૂની ડિઝાઈન સાથે વેચાણ ચાલુ રાખી શકશે, પરંતુ અંતિમ ફેંસલો ટ્રાયલ દરમિયાન લેવામાં આવશે. આ કેસ માત્ર બે કંપનીઓ વચ્ચેનો ઝઘડો નથી, પરંતુ ભવિષ્યમાં ભારતમાં 'પ્રોડક્ટ ડિઝાઈન' અને 'ટ્રેડમાર્ક'ના કાયદાઓ માટે એક મોટું ઉદાહરણ સાબિત થશે.
(7:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
