<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

મહિલા અનામત બિલ પર હાલ 'બ્રેક' :ખાસ સત્રમાં આવી શકે છે પ્રસ્તાવ

વર્તમાન સત્રમાં બિલ રજૂ નહીં કરવાની સરકારની સ્પષ્ટતા બાદ હવે ચોમાસુ સત્ર પર મંડાયેલી નજર: લોટરી સિસ્ટમથી બેઠકોની ફાળવણી અને કુલ બેઠકો 816 સુધી વધારવાની તૈયારીઓ તેજ

નવી દિલ્હી:  મહિલા અનામત બિલ એટલે કે 'નારી શક્તિ વંદન અધિનિયમ'ને લઈને ચાલી રહેલી રાજકીય અટકળો વચ્ચે એક મોટું અપડેટ સામે આવ્યું છે. સરકારે લોકસભાની બિઝનેસ એડવાઈઝરી કમિટી (BAC) ની બેઠકમાં સ્પષ્ટ કર્યું છે કે આ સુધારો બિલ સંસદના વર્તમાન સત્રમાં રજૂ કરવામાં આવશે નહીં. સરકાર હાલમાં આ ઐતિહાસિક કાયદા માટે અનુકૂળ રાજકીય વાતાવરણની રાહ જોઈ રહી છે. જોકે, આ વિલંબનો અર્થ એ નથી કે પ્રક્રિયા અટકી ગઈ છે; સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર આગામી ચોમાસુ સત્રમાં અથવા આ માટે એક વિશેષ 'ખાસ સત્ર' બોલાવીને બિલ પસાર કરવાનો વિકલ્પ ખુલ્લો રાખી રહી છે.

આંતરિક સૂત્રો મુજબ, સરકાર વસ્તી ગણતરી અને સીમાંકનની જટિલ પ્રક્રિયાને અલગ કરીને મહિલા અનામતને વહેલી તકે લાગુ કરવા ગંભીર છે. નવી યોજના મુજબ, લોકસભામાં બેઠકોની સંખ્યા વધારીને 816 કરવામાં આવી શકે છે, જેમાંથી 33 ટકા એટલે કે 273 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે. આ બેઠકોની ફાળવણી માટે એક અત્યાધુનિક 'લોટરી સિસ્ટમ' પર કામ ચાલી રહ્યું છે, જે અંતર્ગત દર 15 વર્ષે અનામત બેઠકોને રોટેટ કરવામાં આવશે. સામાજિક સંતુલન માટે SC બેઠકો 84 થી વધારી 136 અને ST બેઠકો 47 થી વધારી 70 કરવાનું પણ આયોજન છે, જેમાં પણ એક તૃતીયાંશ હિસ્સો મહિલાઓનો રહેશે.

બીજી તરફ, વિપક્ષે પણ આ મુદ્દે આક્રમક વલણ અપનાવ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સંસદીય કાર્ય મંત્રીને પત્ર લખીને આ ગૂંચ ઉકેલવા સર્વપક્ષીય બેઠક બોલાવવાની માંગ કરી છે. વિપક્ષ ઈચ્છે છે કે પાંચ રાજ્યોની ચૂંટણી બાદ આ મુદ્દે વ્યાપક ચર્ચા થાય જેથી સર્વસંમતિ સાધી શકાય. હાલ પૂરતું બિલ 'વેઈટિંગ લિસ્ટ'માં છે, પરંતુ પડદા પાછળની તૈયારીઓ જોતા લાગે છે કે આગામી મહિનાઓમાં નારી શક્તિના પ્રતિનિધિત્વને લઈને દેશમાં એક નવો રાજકીય અધ્યાય લખાવા જઈ રહ્યો છે.

(7:27 PM IST)