તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
ગુજરાત વિધાનસભામાં ઐતિહાસિક સમાન નાગરિક સંહિતા (UCC) વિધેયક-૨૦૨૬ રજૂ : બહુપત્નીત્વ અને નિકાહ હલાલા નાબૂદ : દીકરીઓને મિલકતમાં ૧૦૦ ટકા સમાન હક
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૮૯૩૨ દિવસના શાસનકાળના ઐતિહાસિક માઈલસ્ટોન ટાણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રજૂ કર્યું મહિલા સુરક્ષાનું 'કાનૂની બ્રહ્માસ્ત્ર' : ઓળખ છુપાવી લગ્ન કરનારને ૭ વર્ષની સજા : લિવ-ઈન સંબંધોનું રજિસ્ટ્રેશન ફરજિયાત અને આદિવાસી સમાજને કાયદામાંથી સંપૂર્ણ મુક્તિ

ગાંધીનગર:ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં ૨૪ માર્ચ ૨૦૨૬નો દિવસ ઐતિહાસિક ક્ષણ બની રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિધાનસભા ગૃહમાં 'ગુજરાત સમાન નાગરિક સંહિતા (UCC) વિધેયક-૨૦૨૬' રજૂ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સરકારના વડા તરીકે સળંગ ૮૯૩૨ દિવસનો ઐતિહાસિક માઈલસ્ટોન પાર કર્યો છે, તેવા સમયે સરદાર પટેલના એક અને અખંડ ભારતના સ્વપ્નને 'એક ભારત શ્રેષ્ઠ ભારત' થકી સાકાર કરવા આ કાયદો લાવવામાં આવ્યો છે. વિકસિત ભારત ૨૦૪૭ના લક્ષ્યાંક સાથે રજૂ થયેલું આ બિલ તમામ નાગરિકોને સમાનતા અને ન્યાય આપવાનો નિર્ધાર વ્યક્ત કરે છે.
બંધારણીય આધાર અને વૈશ્વિક અભ્યાસ:
ડૉ. ભીમરાવ આંબેડકર દ્વારા ઘડવામાં આવેલા બંધારણની કલમ ૪૪ અને સમવર્તી યાદીના પ્રવેશ ૫ (Concurrent List Entry 5) મુજબ રાજ્ય સરકારને લગ્ન, છૂટાછેડા અને વારસા અંગે કાયદો બનાવવાની સત્તા છે. નિવૃત્ત જસ્ટિસ રંજનાબેન દેસાઈના અધ્યક્ષસ્થાને રચાયેલી સમિતિએ વેબ-પોર્ટલ મારફતે જનપરામર્શ કરી, ફ્રાન્સ (નેપોલિયન કોડ ૧૮૦૪), જર્મની (૧૯૦૦), તુર્કી (૨૦૦૨), નેપાળ (૨૦૧૭) અને અઝરબૈજાન (૧૯૯૯) જેવા દેશોના કાયદાઓનો ઝીણવટભર્યો અભ્યાસ કરી આ ડ્રાફ્ટ તૈયાર કર્યો છે.
બહુપત્નીત્વ (Monogamy) નો કડક અમલ:
વિધેયકની કલમ ૪(૧) હેઠળ બહુપત્નીત્વ પ્રથાનો કડક અંત લાવવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભાવનગરની સાજેદાબાનુ અને 'જાફર અબ્બાસભાઈ રસૂલ મોહમ્મદ મર્ચન્ટ' કેસનો હવાલો આપી જણાવ્યું હતું કે હવે કોઈ પણ પુરુષ પર્સનલ લો ની આડમાં પહેલી પત્ની અને બાળકની હયાતીમાં બીજા લગ્ન કરી શકશે નહીં. ગુજરાત હાઈકોર્ટે પણ નોંધ્યું હતું કે કુરાન મુજબ પણ એક જ પત્ની રાખવી હિતાવહ છે.
ઓળખ છુપાવી છેતરપિંડીથી લગ્ન પર ૭ વર્ષની સજા
કોઈ યુવક (દા.ત. સુનિલભાઈ બનીને સલીમભાઈ) પોતાની ઓળખ છુપાવીને ભોળી દીકરીઓને ફસાવે તો તેવા ષડયંત્રોનો અંત લાવવા કલમ ૨૯ અને ૩૮(૧) F ઉમેરાઈ છે. ઓળખ છુપાવીને થયેલા લગ્ન રદબાતલ ગણાશે. ધાક-ધમકી કે છેતરપિંડીથી લગ્ન કરવા એ બિન-જામીનપાત્ર ગુનો બનશે અને ગુનેગારને ૭ વર્ષની સખત કેદ અને ભારે દંડ ફટકારવામાં આવશે. અલ્હાબાદ હાઈકોર્ટના 'માયરા ઉર્ફ વૈષ્ણવી' કેસની ગંભીર નોંધ લઈને આ જોગવાઈ કરાઈ છે.
લિવ-ઈન સંબંધો અને લગ્નનું ફરજિયાત રજિસ્ટ્રેશન:
શ્રદ્ધા વાલકર જેવી ભયાનક હત્યાની ઘટનાઓને રોકવા માટે બિલની કલમ ૩૮૪ હેઠળ લિવ-ઈન સંબંધોનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. રજિસ્ટ્રેશન ન કરાવવા પર ૩ મહિનાની કેદ અથવા ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ થશે. જો યુગલની ઉંમર ૧૮ થી ૨૧ વર્ષ હશે, તો વાલીઓને જાણ કરાશે. સગીર સાથે લિવ-ઈનમાં રહેનાર સામે પોકસો (POCSO) એક્ટ મુજબ કડક સજા થશે. તેવી જ રીતે દરેક ધર્મના લગ્નની નોંધણી ૬૦ દિવસમાં ફરજિયાત છે, જે ન કરવાથી ૧૦,૦૦૦ રૂપિયા દંડ થશે.
'નિકાહ હલાલા' નાબૂદ અને છૂટાછેડાના સમાન નિયમો:
બિલની કલમ ૩૬ હેઠળ મહિલાઓના આત્મસન્માનને ઠેસ પહોંચાડતી 'નિકાહ હલાલા' જેવી અમાનવીય પ્રથાનો અંત લાવવામાં આવ્યો છે. હવે છૂટાછેડા લીધેલ દંપતી પુનઃ લગ્ન કરવા માંગે તો પત્નીએ અન્ય પુરુષ સાથે શરતી લગ્ન કરવા પડશે નહીં. વધુમાં, કલમ ૮, ૨૭, ૩૧ અને ૩૫ મુજબ છૂટાછેડા માટેના કારણો અને પ્રક્રિયા તમામ ધર્મો માટે સમાન રહેશે. કોર્ટ સિવાય અન્ય કોઈ રીતે (Extra-Judicial) છૂટાછેડા મેળવી શકાશે નહીં. કોર્ટ બહાર છૂટાછેડા આપનારને ૩ વર્ષની સજા થશે. શાયરાબાનુ કેસના આધારે મનસ્વી તલાક પર રોક લગાવવામાં આવી છે.
આજીવન ભરણપોષણ અને મિલકતમાં ૧૦૦ ટકા હક:
શાહબાનુ બેગમના ઐતિહાસિક કેસને ટાંકીને જણાવાયું હતું કે ભૂતકાળમાં કોંગ્રેસની રાજીવ ગાંધી સરકારે સુપ્રીમ કોર્ટનો ચુકાદો ઉલટાવી દીધો હતો. પરંતુ હવે કલમ ૩૯ અને ૪૦ હેઠળ કોઈપણ ધાર્મિક સમય-મર્યાદા (ઈદ્દત) વિના મહિલાઓ આજીવન ભરણપોષણ માંગી શકશે. આ ઉપરાંત, બિલના પાર્ટ-૨, ચેપ્ટર-૧ હેઠળ વિનીતા શર્મા કેસના ચુકાદાને વિસ્તૃત કરી, ગુજરાતની પ્રત્યેક ધર્મની દીકરીને તેના પિતાની મિલકતમાં અને પત્નીને પતિની મિલકતમાં પુત્ર જેટલો જ ૧૦૦ ટકા સમાન હક્ક આપવામાં આવ્યો છે.
આદિવાસી સમાજ અને ધાર્મિક વિધિઓને બાકાત રખાયા:
આ કાયદો કોઈની ધાર્મિક વિધિઓ કે પરંપરાઓમાં હસ્તક્ષેપ કરશે નહીં. રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે કલમ ૩૬૬(૨૫) હેઠળ આવતી તમામ અનુસૂચિત જનજાતિ (ST) ને આ કાયદામાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. આદિવાસી સમાજના રીત-રિવાજો અને રૂઢિગત કાયદાઓ અકબંધ રહેશે. લઘુમતી સમાજમાં પણ જો કઝિન સિસ્ટર/બ્રધર સાથે લગ્નની પરંપરા માન્ય હશે, તો તે ચાલુ રહી શકશે. ન્યાયાધીશ સૂર્યકાન્તભાઈએ પૌલોમી શુક્લા કેસમાં નોંધ્યું હતું તેમ, સ્ત્રીઓ સાથે થતા અન્યાયનો એકમાત્ર જવાબ યુનિફોર્મ સિવિલ કોડ છે, જે આજે ગુજરાતમાં વાસ્તવિકતા બની રહ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
