<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

મેલબોર્નમાં ભારતીય જાબાંઝો સામે લૂંટારુઓ નતમસ્ત: કારજેકિંગનો પ્રયાસ કરતા બદમાશોને બે ડિલિવરી ડ્રાઇવરોએ બરાબરના મેથીપાક ચખાડ્યા, વીડિયો વાયરલ

વંશીય ટિપ્પણી કરી ટ્રકની ચાવી માંગતા લૂંટારુઓને ભારતીય યુવાનોએ પાઠ ભણાવ્યો: સશસ્ત્ર હુમલાખોરો જીવ બચાવીને ભાગવા મજબૂર થયા

 મેલબોર્ન: વિદેશની ધરતી પર ફરી એકવાર ભારતીય યુવાનોની બહાદુરીનો ડંકો વાગ્યો છે. ઓસ્ટ્રેલિયાના મેલબોર્નના પૂર્વી ઉપનગર સ્કોર્સબીમાં બે ભારતીય મૂળના ડિલિવરી ટ્રક ડ્રાઇવરોએ પોતાની સૂઝબૂઝ અને હિંમતથી સશસ્ત્ર લૂંટના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. સર્વિસ સ્ટેશનના પાર્કિંગ વિસ્તારમાં બનેલી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ હવે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે, જેમાં ડ્રાઇવરો લૂંટારુઓનો સામનો કરતા જોવા મળે છે.
જાતિગત અપમાન અને લૂંટનો પ્રયાસ
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, જ્યારે એક ભારતીય ડ્રાઇવર પોતાના લંચ બ્રેક પર હતો, ત્યારે બે અજાણ્યા શખ્સો તેની પાસે આવ્યા હતા. આ શખ્સોએ ટ્રકની ચાવી માંગી હતી અને ડ્રાઇવર સામે વંશીય ટિપ્પણીઓ (રેસિયલ અબ્યુઝ) કરવાનું શરૂ કર્યું હતું. પરિસ્થિતિ ત્યારે વણસી જ્યારે બદમાશોએ આક્રમક વર્તન કરીને હુમલો કરવાનો પ્રયાસ કર્યો. જોકે, ડ્રાઇવરે ડરવાને બદલે મક્કમતાથી પોતાનો પક્ષ રાખ્યો હતો.
મિત્રની એન્ટ્રી અને જબરદસ્ત ઝપાઝપી
લૂંટારુઓ જ્યારે ડ્રાઇવર પર હાવી થવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે જ તેનો એક ભારતીય સહકાર્યકર તેની મદદ માટે દોડી આવ્યો હતો. બંને ભારતીય મિત્રોએ ભેગા મળીને લૂંટારુઓ સાથે બાથ ભીડી હતી. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક ડ્રાઇવરે પોતાનો બચાવ કરવા માટે નજીકમાં પડેલા એક સાધન (લેવલર) નો ઉપયોગ કર્યો હતો. ભારતીયોનો આ આક્રમક મિજાજ જોઈને સશસ્ત્ર હોવા છતાં લૂંટારુઓના હોશ ઊડી ગયા હતા.
બદમાશો મેદાન છોડી ભાગ્યા
ભારતીય ડ્રાઇવરો દ્વારા મળેલા જડબાતોડ જવાબથી લૂંટારુઓ ગભરાઈ ગયા હતા. અંતે, તેઓ પોતાની કારમાં બેસીને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા. મેલબોર્ન પોલીસ હાલમાં આ ફૂટેજની સમીક્ષા કરી રહી છે અને ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાએ ઓસ્ટ્રેલિયામાં કામ કરતા સ્થળાંતરિત કામદારોની સુરક્ષા અંગે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા કર્યા છે, પરંતુ સાથે જ આ બે યુવાનોની હિંમતના પણ ચારેકોર વખાણ થઈ રહ્યા છે.

(10:27 PM IST)