<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

હજયાત્રીઓ સાવધાન! ૩૧ માર્ચ પહેલા બાકીની રકમ જમા કરાવવી ફરજિયાત: જાણો તમારા શહેરનું કેટલું છે ભાડું?

ભારતીય હજ સમિતિ દ્વારા અંતિમ હપ્તાની ચુકવણી માટે આદેશ જાહેર : લખનૌ, અમદાવાદ અને મુંબઈ સહિતના વિવિધ પ્રસ્થાન સ્થળો મુજબ અલગ-અલગ ભાડા નક્કી : કુરબાની અને શિયા યાત્રીઓ માટે વધારાનો ચાર્જ લાગુ પડશે

લખનૌ:  પવિત્ર હજ યાત્રાએ જનારા મુસાફરો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભારતીય હજ સમિતિએ તમામ પસંદ થયેલા હજયાત્રીઓને ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધીમાં તેમનો અંતિમ હપ્તો જમા કરાવી દેવા સખત સૂચના આપી છે. ઉત્તર પ્રદેશ રાજ્ય હજ સમિતિના સચિવ એસપી તિવારીએ મંગળવારે આ અંગેનો સત્તાવાર આદેશ જારી કર્યો છે. અત્યાર સુધીમાં યાત્રીઓએ ₹૨,૭૭,૩૦૦ જમા કરાવી દીધા છે, પરંતુ હવે ફ્લાઇટના સ્થળ અને મુસાફરીના સમયના આધારે બાકીની રકમ ભરવાની રહેશે. જો નિયત સમયમર્યાદામાં આ રકમ જમા નહીં થાય, તો યાત્રામાં અડચણ આવી શકે છે.

ભાડાના માળખાની વાત કરીએ તો, દરેક શહેર માટે રકમ અલગ-અલગ નક્કી કરવામાં આવી છે. જે યાત્રીઓ અમદાવાદથી મુસાફરી કરવાના છે તેમણે ₹૫૫,૯૦૦ વધારાના જમા કરાવવાના રહેશે. જ્યારે લખનૌથી જતા યાત્રીઓ માટે આ રકમ ₹૭૫,૨૫૦, દિલ્હી માટે ₹૬૯,૩૦૦, મુંબઈ માટે ₹૬૨,૯૫૦ અને હૈદરાબાદથી મુસાફરી કરનારાઓ માટે ₹૬૬,૦૫૦ નક્કી કરાઈ છે. આ ઉપરાંત, જે યાત્રીઓએ 'કુરબાની'નો વિકલ્પ પસંદ કર્યો છે, તેમણે વધારાના ₹૧૭,૨૮૦ ભરવા પડશે. શિયા હજ યાત્રીઓ કે જેઓ જોહફા મીકત જવાના છે, તેમણે પણ ₹૫,૫૨૦ અલગથી જમા કરાવવાના રહેશે.

ચુકવણીની પ્રક્રિયાને સરળ બનાવવા માટે હજ સમિતિએ અનેક વિકલ્પો આપ્યા છે. યાત્રીઓ સ્ટેટ બેંક અથવા યુનિયન બેંકમાં જઈને રકમ જમા કરાવી શકે છે અથવા હજ સમિતિની સત્તાવાર વેબસાઇટ પરથી પે-સ્લિપ ડાઉનલોડ કરીને ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે નેટ બેંકિંગ દ્વારા ઓનલાઇન પેમેન્ટ પણ કરી શકે છે. ખાસ નોંધવા જેવી બાબત એ છે કે હાલની રકમમાં કેટરિંગ (જમવાની વ્યવસ્થા) નો ખર્ચ સામેલ નથી. કેટરિંગ ચાર્જ અંગેની માહિતી અને તેની રકમ ભવિષ્યમાં અલગથી જાહેર કરવામાં આવશે, જે મુસાફરોએ પછીથી ચૂકવવાની રહેશે.

(10:33 PM IST)