<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

સીમાંકન મુદ્દે કેન્દ્ર અને તમિલનાડુ સામસામે: CM સ્ટાલિને ૨૦૧૧ની વસ્તી ગણતરીના આધારે બેઠકોની ફેરબદલનો કર્યો સખત વિરોધ, ગણાવ્યું 'રાજકીય ષડયંત્ર'

"રાજ્યોનું પ્રતિનિધિત્વ ઘટવું ન જોઈએ": સીમાંકન પ્રક્રિયામાં દક્ષિણના રાજ્યોને અન્યાય થવાની ભીતિ વચ્ચે સ્ટાલિને સંસદનું ખાસ સત્ર બોલાવવા કરી માંગ

 ચેન્નાઈ: ભારતની ચૂંટણી પ્રક્રિયામાં સૌથી મોટા ફેરફાર ગણાતા 'સીમાંકન' (Delimitation) ના મુદ્દે ફરી એકવાર રાજકીય સંગ્રામ છેડાયો છે. તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને મંગળવારે કેન્દ્ર સરકારના ૨૦૧૧ની વસ્તી ગણતરીના આધારે સીમાંકન હાથ ધરવાના સંભવિત પગલાનો ઉગ્ર વિરોધ કર્યો છે. તેમણે આ હિલચાલને બંધારણીય પ્રતિબદ્ધતાઓથી વિપરીત અને રાજકીય રીતે પ્રેરિત ગણાવી છે.
નક્કી કરેલા માળખાથી કેન્દ્ર કેમ ભટક્યું?
સ્ટાલિને મીડિયા અહેવાલોનો હવાલો આપતા જણાવ્યું કે, ૨૦૨૩ના મહિલા અનામત બિલ મુજબ એવું નક્કી કરવામાં આવ્યું હતું કે ૨૦૨૬ પછી હાથ ધરવામાં આવેલી પ્રથમ વસ્તી ગણતરીના આધારે જ સીમાંકન થશે. જો કે, હવે ૨૦૧૧ના જૂના ડેટાનો ઉપયોગ કરવાની હિલચાલ આશ્ચર્યજનક છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે જ્યારે હાલમાં આદર્શ આચારસંહિતા અમલમાં છે, ત્યારે કેન્દ્ર સરકાર આટલી ઉતાવળમાં આવી મહત્વપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા કેમ આગળ ધપાવી રહી છે?
દક્ષિણના રાજ્યોના અસ્તિત્વનો સવાલ
મુખ્યમંત્રીએ ભાર મૂક્યો કે સીમાંકન એવી રીતે ન થવું જોઈએ કે જેનાથી જે રાજ્યોએ વસ્તી નિયંત્રણમાં સારું પ્રદર્શન કર્યું છે (ખાસ કરીને દક્ષિણના રાજ્યો) તેમનું સંસદમાં પ્રતિનિધિત્વ ઘટી જાય. તેમણે માંગ કરી છે કે આગામી ૩૦ વર્ષ સુધી રાજ્યોના પ્રતિનિધિત્વનો વર્તમાન હિસ્સો યથાવત રાખવા માટે બંધારણીય ગેરંટી આપવામાં આવે. જો વસ્તીના આધારે ઉત્તરના રાજ્યોની બેઠકો વધશે અને દક્ષિણની ઘટશે, તો તે ફેડરલ સ્ટ્રક્ચર માટે જોખમી સાબિત થઈ શકે છે.
સંસદના ખાસ સત્રની માંગ
સ્ટાલિને મહિલા અનામતને પોતાનો સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે, પરંતુ સાથે જ શરત મૂકી છે કે તે ન્યાયી હોવી જોઈએ. આ જટિલ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે તેમણે કેન્દ્ર સરકારને જૂનની શરૂઆતમાં સંસદનું ખાસ સત્ર બોલાવવા વિનંતી કરી છે. તેમણે સૂચવ્યું કે આ સત્રમાં બેઠકોની સંખ્યામાં વધારો, રાજ્યોના હિતોનું રક્ષણ અને લાંબા ગાળાની બંધારણીય સુરક્ષા જેવા વિષયો પર ગંભીર મંથન થવું જોઈએ.

(10:29 PM IST)