<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th March 2026

જેલમાંથી છૂટયા બાદ અંદર જવા માટે ફરી કરી ચોરી

અજબ ચોરની ગજબ કહાનીઃ કેરળના કોવલમમાં એક અજીબ મામલો સામે આવ્‍યો : જેલની સુવિધાઓ તેને બહારની જિંદગી કરતા વધુ સારી લાગે છે

કોવલમમાં,તા.૨૫: સામાન્‍ય જીવનમાં માણસને શું જોઈએ? બે ટાઈમ ખાવા-પીવાનું, પહેરવા કપડાં અને શાંતિ, પણ જો આ ના મળે તો શું થાય? શું આ બધું મેળવવા માટે વ્‍યક્‍તિ કોઈ બીજો રસ્‍તો અપનાવે? જી હા, કેરળના કોવલમથી એક નવાઈ પમાડે એવો કિસ્‍સો સામે આવ્‍યો છે, જ્‍યાં એક ચોરને જેલની જિદગી એટલી પસંદ આવી ગઈ કે તેણે બહાર આવ્‍યા પછી ફરીથી ચોરીની ઘટનાઓને અંજામ આપ્‍યો, જેથી તે ફરીથી જેલ જઈ શકે. આ મામલો પોલીસ માટે તો ચોંકાવનારો છે જ, પરંતુ એક સમાજ માટે પણ વિચારવા જેવું છે કે, અમુક લોકોને જેલની જિદગી બહારની મુશ્‍કેલીઓ કરતા સરળ કેમ લાગે છે?

મળતી માહિતી મુજબ, આ ઘટના કોવલમ વિસ્‍તારના ટુંડુવિલાની છે, જ્‍યા રહેતા ૪૬ વર્ષીય દિલીપ ખાનની પોલીસે ચોરીના આરોપમાં ધરપકડ કરી હતી. દિલીપ હાલમાં જ એક ચોરીના કેસમાં જેલમાંથી છૂટીને બહાર આવ્‍યો હતો, પરંતુ થોડા જ દિવસો પછી તેણે ફરીથી ચોરીની ઘટનાઓને અંજામ આપવાનું શરૂ કરી દીધું હતું. તપાસ દરમિયાન જ્‍યારે પોલીસે તેની પૂછપરછ કરી તો તેનો જવાબ સાંભળીને સૌ હેરાન રહી ગયા. દિલીપે કબૂલ્‍યું કે તેણે જાણીજોઈને ચોરી કરી જેથી તેને ફરીથી જેલ મોકલી દેવામાં આવે.

પોલીસના જણાવ્‍યા અનુસાર, દિલીપ ખાન જેલમાં રસોડામાં રસોયા તરીકે કામ કરતો હતો. તેને ત્‍યાં રહેવા માટે જગ્‍યા, ચોખ્‍ખું ખાવાનું, નિયમિત સારવાર અને થોડો પગાર પણ મળતો હતો. દિલીપે જણાવ્‍યું કે, બહારની જિદગી તેના માટે મુશ્‍કેલીભરી હતી. ન રહેવાની યોગ્‍ય વ્‍યવસ્‍થા, ન નિયમિત ભોજન અને ન તો કોઈ કાયમી આવક. આની સરખામણીમાં જેલની જિદગી તેને વધુ સુરક્ષિત અને સ્‍થિર લાગી. આ જ કારણથી તેણે ફરી જેલ જવાનો રસ્‍તો પસંદ કર્યો હતો.

કોવલમ SHO જેપી અરુણકુમારના જણાવ્‍યા મુજબ, આરોપીએ કોવલમ અને વિઝિનજામ વિસ્‍તારમાં અનેક ચોરીની ઘટનાઓને અંજામ આપ્‍યો હતો. હાર્બર રોડ સ્‍થિત એક સુપરમાર્કેટમાંથી ૪૦,૦૦૦ રૂપિયા અને ઝસ્‍ય્‍ ચોરી, એક વ્‍યક્‍તિને ચપ્‍પુ બતાવીને ૫૦૦૦ રૂપિયાનો મોબાઈલ ફોન ઝૂંટવ્‍યો, કોવલમની એક ચિકન શોપમાંથી ૪૦૦૦ રૂપિયા અને ૮૦૦૦ રૂપિયાના મોબાઈલ ફોનની ચોરી કરી હતી. આ તમામ ઘટનાઓને આરોપીએ થોડા જ દિવસોની અંદર અંજામ આપ્‍યો હતો.

ચોરીની ઘટનાઓ બાદ પોલીસે વિસ્‍તારના CCTV ફૂટેજ તપાસ્‍યા હતા. ફૂટેજમાં એક શંકાસ્‍પદ વ્‍યક્‍તિ નજરે પડી, જેની ઓળખ બાદમાં દિલીપ ખાન તરીકે થઈ હતી. ત્‍યારબાદ પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. પોલીસના જણાવ્‍યા મુજબ, દિલીપ ખાન કોઈ નવો ગુનેગાર નથી. તે પહેલા પણ ૨૧થી વધુ નાની-મોટી ચોરીની ઘટનાઓને અંજામ આપી ચૂક્‍યો છે. આનાથી સ્‍પષ્ટ છે કે તે લાંબા સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ રહ્યો છે અને જેલમાં આવવા-જવાનું તેના માટે હવે કાયમી બની ગયું છે.

(2:37 PM IST)