News of Wednesday, 25th March 2026
કોંગ્રેસના ‘ગઢ' પર લાગશે તાળા! ૪૮ વર્ષ જૂનું કાર્યાલય ખાલી કરવા આદેશ
દિલ્હીના લ્યુટિયન્સ ઝોનમાં સ્થિત ૨૪, અકબર રોડ ખાલી કરવા એસ્ટેટ વિભાગની નોટિસ

નવી દિલ્હી, તા.૨૫: ભારતીય રાજનીતિના અનેક ઐતિહાસિક નિર્ણયોનું સાક્ષી રહેલું કોંગ્રેસનું રાષ્ટ્રીય મુખ્યાલય ૨૪, અકબર રોડ હવે ઇતિહાસ બનવા જઈ રહ્યું હોય તેવું લાગે છે. કેન્દ્રીય એસ્ટેટ વિભાગે કોંગ્રેસ પાર્ટીને આગામી ૨૮ માર્ચ સુધીમાં આ આલીશાન બંગલો ખાલી કરી દેવા માટે અંતિમ નોટિસ ફટકારી છે. છેલ્લા ૪૮ વર્ષથી જે સરનામું કોંગ્રેસની ઓળખ સમાન હતું, તેને ખાલી કરાવવાની હિલચાલને કારણે દિલ્હીના રાજકીય ગલિયારાઓમાં ભારે ચર્ચા જાગી છે. માત્ર મુખ્ય કાર્યાલય જ નહીં, પરંતુ રાયસીના રોડ પર આવેલું યુથ કોંગ્રેસનું કાર્યાલય પણ ખાલી કરાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
આ બંગલા સાથે કોંગ્રેસનો નાતો માત્ર વહીવટી નથી, પણ લાગણીશીલ પણ છે. વર્ષ ૧૯૭૮માં જ્યારે કટોકટી પછી ઇન્દિરા ગાંધી સત્તાની બહાર હતા, ત્યારે આ જગ્યાએથી જ પાર્ટીનું પુનરુત્થાન થયું હતું. જોકે, કોંગ્રેસે ગયા વર્ષે જ આઈટીઓ પાસે આવેલા પોતાના ભવ્ય નવા મુખ્યાલય ઇન્દિરા ભવનમાં સ્થળાંતર કરી લીધું છે, તેમ છતાં જૂના કાર્યાલયમાં કેટલીક મહત્વની પ્રવળત્તિઓ હજુ પણ ચાલતી હતી. હવે સરકારે કડક વલણ અપનાવતા પાર્ટી પાસે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, જેને પગલે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને કાયદાકીય નિષ્ણાતો વચ્ચે બેઠકોનો દોર શરૂ થયો છે.
બીજી તરફ, કોંગ્રેસ નેતાઓએ આ પગલાને રાજકીય કિન્નાખોરી ગણાવીને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. સાંસદ પ્રમોદ તિવારી અને ઇમરાન મસૂદ જેવા નેતાઓએ આક્ષેપ કર્યો છે કે સરકાર લોકશાહીના મૂલ્યો નેવે મૂકીને વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે. નેતાઓનું કહેવું છે કે જ્યારે અન્ય પક્ષો પાસે પણ લ્યુટિયન્સ ઝોનમાં કાર્યાલયો છે, ત્યારે માત્ર કોંગ્રેસને જ કેમ નિશાન બનાવવામાં આવી રહી છે? હાલમાં પાર્ટી આ નોટિસ સામે કાનૂની રક્ષણ મેળવવા માટે કોર્ટના દરવાજા ખટખટાવવાની તૈયારી કરી રહી છે, જેથી ૨૮ માર્ચની ડેડલાઈન પહેલા કોઈ વચગાળાની રાહત મેળવી શકાય
(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
