<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th March 2026

ગોરા થવાની લ્હાયમાં ક્યાંક કિડની ન ખોઈ બેસતા! ફેરનેસ ક્રીમમાં છુપાયેલું 'ઝેર' તમારા શરીરને કરી શકે છે બરબાદ; ખરીદતા પહેલા ચેક કરો આ વિગતો

બ્યુટી પ્રોડક્ટ્સની ચમકદાર જાહેરાતો પાછળનું વરવું સત્ય; સસ્તી અને બિન-બ્રાન્ડેડ ક્રીમમાં રહેલું 'મર્ક્યુરી' કિડની ફેઈલ થવાનું બની શકે છે કારણ

રાજકોટ, તા.૨૫: આજના સમયમાં સોશિયલ મીડિયા અને ટીવી પર ગોરા બનાવવાનો દાવો કરતી બ્યુટી પ્રોડક્ટ્સની ભરમાર છે. પોતાની ત્વચાને વધુ ઉજળી અને ચમકદાર બનાવવા માટે ઘણા લોકો વિચાર્યા વગર ફેસ ક્રીમ કે લોશનનો ઉપયોગ કરવા લાગે છે. પરંતુ શું તમે જાણો છો કે તમારી સુંદરતા વધારવાનો આ ટૂંકો રસ્તો સીધો તમારી કિડની (મૂત્રપિંડ) ને નુકસાન પહોંચાડી શકે છે? તાજેતરના અહેવાલો મુજબ, ઘણી ફેરનેસ ક્રીમમાં જીવલેણ રસાયણો હોવાનું સામે આવ્યું છે.
ત્વચા પરની ક્રીમ કિડની સુધી કેવી રીતે પહોંચે?
આપણી ત્વચા માત્ર એક પડ નથી, પણ તે એક શોષક અંગ છે. આપણે ત્વચા પર જે કંઈ પણ લગાવીએ છીએ, તે ધીરે ધીરે છિદ્રો વાટે લોહીના પ્રવાહમાં ભળે છે. ખાસ કરીને સસ્તી અને કોઈ જાણીતી બ્રાન્ડ વગરની 'સ્કિન બ્રાઇટનિંગ' પ્રોડક્ટ્સમાં 'મર્ક્યુરી' (પારો) નું પ્રમાણ ખૂબ ઊંચું હોય છે. આ મર્ક્યુરી લોહી દ્વારા શરીરમાં ફેલાય છે અને લોહીને શુદ્ધ કરતી આપણી કિડની પર હુમલો કરે છે.
મર્ક્યુરી: સુંદરતા માટેનું ધીમું ઝેર
શરૂઆતમાં આ ક્રીમ લગાવવાથી ત્વચાનો રંગ હળવો થતો દેખાય છે, જેથી યુવાનોને લાગે છે કે પ્રોડક્ટ અસરકારક છે. પરંતુ વાસ્તવમાં આ મરક્યુરી શરીર માટે ઝેર સમાન છે. નિષ્ણાતોના મતે, લાંબા સમય સુધી આવી ક્રીમનો ઉપયોગ કરવાથી કિડનીમાં સોજો આવવો, પેશાબમાં તકલીફ થવી અને ગંભીર કિસ્સામાં કિડની ફેલ થવાનું જોખમ પણ રહેલું છે.
ખરીદતા પહેલા શું જોવું?
ડોક્ટરો અને બ્યુટી એક્સપર્ટ્સ સલાહ આપે છે કે કોઈ પણ પ્રોડક્ટ ખરીદતા પહેલા તેની પાછળ લખેલી વિગતો (Ingredients) ધ્યાનથી વાંચવી જોઈએ. જો તેમાં 'Mercury', 'Mercuric', 'Mercurous chloride' કે 'Calomel' જેવા શબ્દો લખેલા હોય, તો તેને તરત જ ટાળવી જોઈએ. હંમેશા ચામડીના નિષ્ણાત (Dermatologist) ની સલાહ મુજબ અને ભરોસાપાત્ર બ્રાન્ડની જ વસ્તુઓ વાપરવી હિતાવહ છે.
યાદ રાખો, કુદરતી ત્વચાનો રંગ ગમે તે હોય, તમારું સ્વાસ્થ્ય અને તમારી કિડની તે સુંદરતા કરતા અનેકગણી કિંમતી છે.

(5:58 PM IST)