News of Wednesday, 25th March 2026
મોંઘવારીનો ડબલ ડોઝ: LPG બાદ હવે ખાદ્ય તેલના ભાવમાં ભડકો; મધ્ય-પૂર્વના તણાવથી રસોડાનું બજેટ ખોરવાયું, સૂર્યમુખી અને પામ ઓઈલના ભાવ આસમાને!
એક મહિનામાં તેલના ભાવમાં ₹૧૪ સુધીનો તોતિંગ વધારો; ભારત પોતાની જરૂરિયાતનું ૫૬% તેલ વિદેશથી મંગાવતું હોવાથી આંતરરાષ્ટ્રીય કટોકટીની સીધી અસર ગૃહિણીઓ પર

રાજકોટ: મોંઘવારીના મારથી પીડાતી જનતા માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. મધ્ય-પૂર્વ (Middle East) માં ચાલી રહેલા ભૌગોલિક તણાવની અસર હવે ભારતીય રસોડા સુધી પહોંચી ગઈ છે. એલપીજી (LPG) ના ભાવ બાદ હવે ખાદ્ય તેલના ભાવમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ૨૪ ફેબ્રુઆરીથી ૨૪ માર્ચ ૨૦૨૬ દરમિયાનના આંકડાઓ પર નજર કરીએ તો, જીવનજરૂરી એવા ખાદ્ય તેલના ભાવમાં પ્રતિ કિલોએ સરેરાશ ₹૩ થી લઈને ₹૧૪ સુધીનો ઉછાળો આવ્યો છે.
કયા તેલના ભાવમાં કેટલો વધારો?
છેલ્લા એક મહિનામાં સૌથી વધુ માર સૂર્યમુખી (Sunflower) અને પામ ઓઈલ પર પડ્યો છે. સૂર્યમુખી તેલનો ભાવ પ્રતિ કિલો ₹૧૭૫ થી વધીને ₹૧૮૧ પર પહોંચી ગયો છે. જ્યારે પામ ઓઈલના ભાવમાં સીધો ₹૧૪ નો વધારો થતા તે ₹૧૪૧ ના સ્તરે પહોંચ્યું છે. સોયાબીન તેલમાં ₹૪ અને મગફળી, વનસ્પતિ તેમજ સરસવના તેલમાં ₹૩ નો વધારો નોંધાયો છે. પૂરી, પરાઠા કે શાકભાજી જેવી રોજિંદી વાનગીઓ હવે સામાન્ય માણસ માટે મોંઘી સાબિત થઈ રહી છે.
આયાત પર નિર્ભરતા બની માથાનો દુખાવો
ભારત ખાદ્ય તેલના મામલે હજુ પણ ઘણું ખરું વિદેશી દેશો પર નિર્ભર છે. દેશમાં તેલની કુલ માંગના ૫૬% હિસ્સો આયાત કરવામાં આવે છે, જ્યારે માત્ર ૪૪% તેલનું ઉત્પાદન ભારતમાં થાય છે. આ આયાતમાં ૪૧% હિસ્સો પામ ઓઈલનો છે, જે મલેશિયા અને ઇન્ડોનેશિયા જેવા દેશોમાંથી આવે છે. ૨૦૨૨ માં ભારતે $૨૧.૧ બિલિયનનું ખાદ્ય તેલ આયાત કર્યું હતું. વધતી જતી માંગ અને સ્થાનિક ઉત્પાદનની ધીમી ગતિને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં થતી નાની હલચલ પણ ભારતીય બજારોમાં ભાવ વધારી દે છે.
સરકારનું આશ્વાસન અને આત્મનિર્ભરતાનો પ્લાન
ઈરાન અને અન્ય દેશો વચ્ચેના તણાવ છતાં, કેન્દ્ર સરકારનું કહેવું છે કે ભારતનો પુરવઠો સુરક્ષિત છે. ભારત માત્ર એક જ દેશ પર નિર્ભર નથી, પરંતુ મલેશિયા અને અમેરિકા જેવા વિવિધ દેશોમાંથી તેલ મંગાવે છે. લાંબા ગાળાના ઉકેલ માટે સરકારે 'નેશનલ મિશન ઓન એડિબલ ઓઈલ' (NMEO-OP) શરૂ કર્યું છે, જેનો હેતુ તેલીબિયાંનું ઉત્પાદન વધારીને ભારતને આ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવાનો છે.
જોકે, હાલના સંજોગોમાં તેલના વધતા ભાવ મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો માટે ચિંતાનો વિષય બન્યા છે. ખાસ કરીને એવા પરિવારો જ્યાં ખાદ્ય તેલ પોષણનો મુખ્ય સ્ત્રોત છે, ત્યાં આ ભાવ વધારો આર્થિક મુશ્કેલીઓ વધારી શકે છે.
(5:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
