<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th March 2026

સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાંતનો રૂદ્ર અવતાર: "ન્યાયાધીશના ભાઈને ફોન કરવાની હિંમત કેવી રીતે થઈ?" કહીને વચેટિયાઓને ખખડાવ્યા; વિદેશમાં છુપાશો તો પણ પાતાળમાંથી શોધી કાઢીશ!

બૌદ્ધ પ્રમાણપત્રના નામે મેડિકલ એડમિશનમાં છેતરપિંડી કરનારા શખ્સે CJIના ભાઈને ફોન કરી પૂછ્યું- 'ઓર્ડર કેમ આપ્યો?'; ગુસ્સે ભરાયેલા સૂર્યકાંતે તિરસ્કારની કાર્યવાહી કરવાની આપી ચેતવણી

નવી દિલ્હી: ભારતની સર્વોચ્ચ અદાલતમાં બુધવારે એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો જેણે ન્યાયતંત્રની ગરિમા પર સવાલ ઉઠાવનારા તત્વોને ધ્રુજાવી દીધા છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતે એક શખ્સને સખત ઠપકો આપતા કહ્યું કે, ન્યાયિક પ્રક્રિયામાં દખલગીરી કરનારાઓને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. હકીકતમાં, કોર્ટે એક આદેશ પસાર કર્યા બાદ, સંબંધિત વ્યક્તિએ સીજેઆઈના ભાઈને ફોન કરીને પૂછવાની ધૃષ્ટતા કરી હતી કે, "ન્યાયાધીશે આવો ઓર્ડર કેવી રીતે પસાર કર્યો?" આ વાતની જાણ થતા જ સીજેઆઈ લાલચોળ થઈ ગયા હતા.
"શું તે હવે મને આદેશ આપશે?" - CJIનો આકરો સવાલ
સુનાવણી દરમિયાન સીજેઆઈ સૂર્યકાંતે તે વ્યક્તિના વકીલને તીખા પ્રશ્નો પૂછતા કહ્યું કે, "તમારા અસીલ સામે કોર્ટના તિરસ્કારની કાર્યવાહી કેમ ન કરવી જોઈએ? તેની હિંમત કેવી રીતે થઈ કે તે મારા પરિવારના સભ્યને ફોન કરીને મારા ચુકાદા અંગે પૂછપરછ કરે? શું તે હવે મને શીખવાડશે કે મારે કેવા આદેશો આપવા જોઈએ?" સીજેઆઈએ વકીલને પણ તાકીદ કરી કે જો આ વાત સાચી હોય તો નૈતિકતાના ધોરણે તેમણે પહેલા આ કેસ છોડી દેવો જોઈએ.
છેતરપિંડીનું નવું મોડેલ: સામાન્ય વર્ગમાંથી લઘુમતી બનવાનો ખેલ
આ સમગ્ર વિવાદ એક મેડિકલ એડમિશનના કેસમાંથી ઉભો થયો હતો. નિખિલ કુમાર પુનિયા અને એકતા પુનિયા નામના અરજદારોએ પીજી મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે 'સામાન્ય શ્રેણી' માંથી અચાનક બૌદ્ધ ધર્મ અપનાવી લઘુમતી પ્રમાણપત્રના આધારે ફાયદો મેળવવાનો પ્રયાસ કર્યો હતો. કોર્ટે આને "નવા પ્રકારની છેતરપિંડી" ગણાવી હતી. અગાઉ 'બિન-લઘુમતી' તરીકે પરીક્ષા આપનાર ઉમેદવારો રાતોરાત લઘુમતી કેવી રીતે બની ગયા, તે અંગે હરિયાણા સરકાર પાસે પણ જવાબ માંગવામાં આવ્યો છે.
૨૩ વર્ષનો અનુભવ અને વિદેશમાં છુપાયેલા તત્વોને ચેતવણી
પોતાના કડક મિજાજ માટે જાણીતા સીજેઆઈ સૂર્યકાંતે ચેતવણી આપતા ઉમેર્યું કે, "હું છેલ્લા ૨૩ વર્ષથી આવા તત્વો સાથે વ્યવહાર કરી રહ્યો છું. જો કોઈ એમ સમજતું હોય કે તે ભારતની બહાર ભાગી જઈને બચી જશે, તો યાદ રાખજો કે આવા લોકો સાથે કેવી રીતે પનારો પાડવો તે મને સારી રીતે આવડે છે. પાતાળમાંથી પણ શોધીને કાયદાના શિકંજામાં લાવીશ."
ઉલ્લેખનીય છે કે સીજેઆઈએ તાજેતરમાં NCERT વિવાદ અને સોશિયલ મીડિયા પર ન્યાયતંત્ર વિરુદ્ધ ટિપ્પણી કરનારાઓ સામે પણ આવું જ કડક વલણ અપનાવ્યું હતું.

(5:59 PM IST)