<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th March 2026

દિલ્હીમાં 'શીશમહલ' બાદ હવે મંત્રીઓના આલીશાન બંગલાનો પર્દાફાશ: મનીષ સિસોદિયાના ઘર પાછળ ₹7.5 કરોડનો ધૂમાડો; સીએમ રેખા ગુપ્તાએ વિધાનસભામાં ખોલી ભ્રષ્ટાચારની 'પોલ'!

CAG રિપોર્ટ પર ચર્ચા દરમિયાન કેજરીવાલ સરકારના મંત્રીઓના બંગલાના નવીનીકરણની યાદી જાહેર; સચિવાલયમાં પણ ભવ્ય 'ડાઇનિંગ રૂમ' અને વિશાળ ટેબલો પાછળ પ્રજાની કમાણી વેડફાયાનો આક્ષેપ

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભામાં બુધવારે પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાન (૬, ફ્લેગ સ્ટાફ રોડ) પર CAG ના અહેવાલને લઈને ભારે હોબાળો મચી ગયો હતો. આ ચર્ચા દરમિયાન મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આમ આદમી પાર્ટીના નેતાઓ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, જે લોકો બંગલા, કાર કે સત્તાની ના પાડતા હતા, તેમણે જ જનતાના કરોડો રૂપિયા પોતાના એશો-આરામ પાછળ વેડફી નાખ્યા છે. માત્ર મુખ્યમંત્રી જ નહીં, પણ તેમના મંત્રીમંડળના સભ્યોએ પણ પોતાના નિવાસસ્થાનોને 'રાજમહેલ' બનાવવામાં કોઈ કસર છોડી નથી.
મનીષ સિસોદિયાના બંગલા પર ₹૭.૫ કરોડનો ખર્ચ
સીએમ રેખા ગુપ્તાએ ગૃહમાં રજૂ કરેલી વિગતો મુજબ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના બંગલાના નવીનીકરણ પાછળ સાડા સાત કરોડ રૂપિયા જેવી માતબર રકમ ખર્ચવામાં આવી છે. આ સિવાય અન્ય મંત્રીઓએ પણ પોતાના ઘરોને આલીશાન બનાવવા માટે લાખો-કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે. મુખ્યમંત્રીએ આક્ષેપ કર્યો કે આ રિપોર્ટ 'નૈતિક પતન'નું જીવંત દસ્તાવેજ છે, જ્યાં જનતાને ગુલામ અને પોતાને રાજા માનવાની માનસિકતા દેખાઈ રહી છે.
કયા મંત્રીએ કેટલા કરોડ 'વેડફ્યા'? (યાદી):
મુખ્યમંત્રીએ રજૂ કરેલા આંકડાઓ મુજબ નવીનીકરણ પાછળ થયેલો ખર્ચ આ મુજબ છે:
•    મનીષ સિસોદિયા: ૭.૫ કરોડ
•    રામ નિવાસ ગોયલ: ૩.૨૩ કરોડ
•    ઇમરાન હુસૈન: ૩ કરોડ
•    રાજેન્દ્ર પાલ ગૌતમ: ૩ કરોડ
•    ગોપાલ રાય: ૨.૫૫ કરોડ
•    રાખી બિરલા: ૨.૩૩ કરોડ
•    સત્યેન્દ્ર જૈન: ૨ કરોડ
•    આતિશી: ૬૭ લાખ (આતિશી વિશે કટાક્ષ કરતા સીએમએ તેમને 'ગરીબ મહિલા' ગણાવ્યા હતા)
સચિવાલયમાં પણ 'શીશમહલ-૨' નો ઠાઠ
સીએમ રેખા ગુપ્તાએ વધુમાં જણાવ્યું કે સચિવાલયમાં મંત્રીઓ માટે જે રૂમ બનાવવામાં આવ્યા હતા, તેને હવે 'શીશમહલ-૨' તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં કોઈ મહત્વની ફાઇલો નહોતી, પરંતુ વિશાળ ડાઇનિંગ ટેબલ અને લક્ઝુરિયસ સગવડો જોઈને કોઈ પણ દંગ રહી જાય. તેમણે કહ્યું કે, મેં પોતે ત્યાં જઈને જોયું તો એક ટેબલ એટલું મોટું હતું કે જેમાંથી ત્રણ સામાન્ય ટેબલ બની શકે.
PAC ને તપાસ સોંપવાની માંગ
મુખ્યમંત્રીએ આ સમગ્ર મામલે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે અને આ રિપોર્ટને પબ્લિક એકાઉન્ટ્સ કમિટી (PAC) પાસે મોકલવા જણાવ્યું છે. તેમણે ઉમેર્યું કે જે માણસે દિલ્હીની જનતાને અરીસામાં કંઈક અલગ બતાવ્યું અને અસલમાં ચિત્ર કંઈક બીજું જ નીકળ્યું, તેમણે જનતા સાથે મોટો વિશ્વાસઘાત કર્યો છે.

(6:00 PM IST)