News of Wednesday, 25th March 2026
ખેડૂતોના હક સામે સરકારનો 'આર્થિક બોજ' ગૌણ: સુપ્રીમ કોર્ટે NHAIની અરજી ફગાવી; જમીન સંપાદનનું વાજબી વળતર મળવું એ બંધારણીય અધિકાર!
૨૦૧૯ પહેલાના કેસોમાં ૯% વ્યાજ અને વળતર ચૂકવવા હાઈકોર્ટનો આદેશ યથાવત; NHAIની ₹૨૯,૦૦૦ કરોડના વધારાના બોજની દલીલ કોર્ટે ઠુકરાવી, જમીન માલિકોમાં ખુશીની લહેર

નવી દિલ્હી, તા.૨૫: દેશના સર્વોચ્ચ ન્યાયાલયે આજે જમીન સંપાદન અને વળતરના મુદ્દે એક ઐતિહાસિક ચુકાદો આપીને ખેડૂતો અને જમીન માલિકોના પક્ષને મજબૂત કર્યો છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) દ્વારા દાખલ કરવામાં આવેલી સમીક્ષા અરજીને ફગાવી દેતા સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, સરકાર પર પડતા આર્થિક બોજનો ઉલ્લેખ કરીને નાગરિકોને તેમના વાજબી વળતરથી વંચિત રાખી શકાય નહીં. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ ઉજ્જલ ભૂયાનની બેન્ચે ભારપૂર્વક કહ્યું કે, જમીન સંપાદન સામે યોગ્ય વળતર મેળવવું એ વ્યક્તિનો બંધારણીય અધિકાર છે.
શું હતો સમગ્ર વિવાદ?
આ મામલો ૨૦૧૯ પહેલાના જમીન સંપાદન કેસોનો છે. અગાઉના એક નિર્ણયમાં કોર્ટે જમીન માલિકોને વ્યાજ અને વધારાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. NHAI એ આ નિર્ણયનો વિરોધ કરતા દલીલ કરી હતી કે જો આ વળતર ચૂકવવામાં આવે તો ઓથોરિટી પર અંદાજે ₹૨૯,૦૦૦ કરોડનો જંગી આર્થિક બોજ પડશે. જોકે, સુપ્રીમ કોર્ટે આ દલીલને ફગાવી દીધી અને કહ્યું કે ન્યાયિક પ્રક્રિયામાં નાણાકીય પાસાઓ કરતા બંધારણીય હકોનું મૂલ્ય વધુ છે.
વ્યાજના દરમાં મોટો ફેરફાર
કોર્ટે એક મહત્વની સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, જમીન માલિકોને ચૂકવવામાં આવતું વ્યાજ NHAI ના કાયદા મુજબના ૫% ને બદલે 'જમીન સંપાદન કાયદા' મુજબ ૯% ના દરે ચૂકવવાનું રહેશે. આ નિર્ણયથી એવા હજારો ખેડૂતોને સીધો ફાયદો થશે જેમની જમીન નેશનલ હાઇવેના નિર્માણ માટે લેવામાં આવી હતી. જોકે, કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે ૨૦૧૮ પહેલા જે કેસ સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે તેમને ફરીથી ખોલવામાં આવશે નહીં, પરંતુ જે દાવાઓ હજુ પેન્ડિંગ છે તેમનો નિકાલ આ નવા નિયમ મુજબ થશે.
સમાનતાના અધિકારનું રક્ષણ
કોર્ટે ૨૦૧૯ ના પોતાના જૂના નિર્ણયને ટાંકીને જણાવ્યું કે NHAI કાયદાની કેટલીક કલમો ગેરબંધારણીય હતી કારણ કે તે સમાનતાના અધિકાર (કલમ ૧૪) નું ઉલ્લંઘન કરતી હતી. જે લોકોની જમીન ૧૯૯૭ થી ૨૦૧૫ વચ્ચે સંપાદિત કરવામાં આવી હતી, તેઓ પણ હવે અન્ય સામાન્ય જમીન સંપાદન કેસોની જેમ સમાન લાભો મેળવવાના હકદાર બનશે.
અન્ય મહત્વના ચુકાદાઓ
આ સાથે જ સુપ્રીમ કોર્ટે આજે અન્ય બે મોટા નિર્ણયો પણ લીધા છે:
૧. જાહેર કાર્યક્રમોમાં 'વંદે માતરમ' ગાવાનું ફરજિયાત નથી અને તે ન ગાવા બદલ કોઈ સજાની જોગવાઈ અત્યારે વિચારી શકાય નહીં.
૨. સેનામાં શોર્ટ સર્વિસ કમિશનની મહિલા અધિકારીઓને પણ કાયમી કમિશન અને પેન્શનના તમામ લાભો મળવા જોઈએ, જે નારી શક્તિ માટે મોટી જીત સમાન છે.
(6:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
