News of Wednesday, 25th March 2026
'વંદે માતરમ' ગાવા માટે કોઈ દબાણ નથી: સુપ્રીમ કોર્ટે અરજી કરનાર સઈદ નૂરીને ખખડાવ્યા; CJIએ પૂછ્યું- "શું તમને કોઈએ નોટિસ મોકલી છે?"
રાષ્ટ્રીય ગીત અંગેની માર્ગદર્શિકા માત્ર એક 'પ્રોટોકોલ', ફરજિયાત નથી; દંડાત્મક કાર્યવાહીની જોગવાઈ વગર કેસ સાંભળવાનો હાઈકોર્ટે ઈનકાર કરતા અરજદારે લેવો પડ્યો યુ-ટર્ન

નવી દિલ્હી, તા.૨૫: દેશની સર્વોચ્ચ અદાલતમાં આજે રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ' વગાડવા અને ગાવાની અનિવાર્યતાને પડકારતી અરજી પર સુનાવણી દરમિયાન ભારે ગરમાવો જોવા મળ્યો હતો. ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે આ અરજીને 'અકાળ' ગણાવીને ફગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા માત્ર એક સલાહકારી પ્રોટોકોલ છે અને તેનો અમલ કરવા માટે કોઈ પણ વ્યક્તિ પર દબાણ કરી શકાય નહીં.
"દેશભક્તિ લાદી શકાય નહીં" - વકીલની દલીલ અને કોર્ટનો જવાબ
અરજદાર મોહમ્મદ સઈદ નૂરી વતી વરિષ્ઠ વકીલ સંજય હેગડેએ દલીલ કરી હતી કે ભલે આ નિયમો સલાહકારી હોય, પરંતુ સામાજિક દબાણને કારણે લોકોની વ્યક્તિગત સ્વતંત્રતા જોખમાય છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે "દેશભક્તિ લાદી શકાય નહીં." જોકે, ન્યાયાધીશ બાગચીએ સામે સવાલ કર્યો કે શું ૨૮ જાન્યુઆરીના નોટિફિકેશન હેઠળ કોઈને સજા કરવાની જોગવાઈ છે? જ્યારે વકીલ પાસે તેનો કોઈ પુરાવો નહોતો, ત્યારે કોર્ટે અરજીના આધાર પર જ પ્રશ્નો ઉઠાવ્યા હતા.
CJIનો આકરો મિજાજ: "પુરાવા બતાવો"
સુનાવણી દરમિયાન સીજેઆઈ સૂર્યકાંતે અરજદારને સીધો સવાલ પૂછ્યો કે, "તમે એક શૈક્ષણિક સંસ્થા ચલાવો છો, તો શું તમને વંદે માતરમ વગાડવા માટે કોઈ સત્તાવાર નોટિસ મળી છે? અમને એ કાગળ બતાવો જેમાં તમને આ ગીત ગાવા માટે મજબૂર કરવામાં આવ્યા હોય." કોર્ટે નોંધ્યું કે માર્ગદર્શિકામાં 'મે' (May) શબ્દનો ઉપયોગ થયો છે, જેનો સ્પષ્ટ અર્થ એ છે કે આ મરજીયાત છે, ફરજિયાત નહીં.
બિજો એમેન્યુઅલ કેસનો ઉલ્લેખ
ન્યાયાધીશ બાગચીએ ઐતિહાસિક 'બિજો એમેન્યુઅલ' કેસનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે વર્તમાન ગાઇડલાઇન્સ કોઈ પણ રીતે જૂના ચુકાદાનું ઉલ્લંઘન કરતી નથી. જ્યાં સુધી કોઈને ગીત ન ગાવા બદલ શાળામાંથી કાઢી મૂકવામાં ન આવે કે દંડ ન થાય, ત્યાં સુધી કોર્ટ આ મામલે દરમિયાનગીરી કરશે નહીં. સુપ્રીમ કોર્ટના આ વલણથી સ્પષ્ટ થઈ ગયું છે કે રાષ્ટ્રીય ગીતનું સન્માન જળવાવું જોઈએ, પરંતુ તે કોઈના પર જબરદસ્તી થોપી શકાય નહીં.
અંતે, કોઈ પણ પ્રકારની દંડાત્મક કાર્યવાહીનો પુરાવો ન હોવાને કારણે, સર્વોચ્ચ અદાલતે આ વિવાદિત અરજી પર આગળ વધવાનો સાફ ઈનકાર કરી દીધો હતો.
(6:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
