News of Wednesday, 25th March 2026
અવકાશમાં મહાયુદ્ધ: ચીનને પછાડવા NASAએ પલટી બાજી, હવે ચંદ્રની આસપાસ નહીં પણ સીધા સપાટી પર બનશે 20 અરબ ડોલરનો 'લક્ઝરી બેઝ'!
નાસાએ લુનર ગેટવે પ્રોજેક્ટને અચાનક બ્રેક મારી રણનીતિ બદલી; 2028 સુધીમાં ચંદ્ર પર અમેરિકન ધ્વજ લહેરાવવા અને 'હ્યુમન આઉટપોસ્ટ' સ્થાપવા માટે રૂ. 1.6 લાખ કરોડનું આંધણ : ડ્રેગનના વધતા પ્રભુત્વ સામે અમેરિકાનો માસ્ટરસ્ટ્રોક

વોશિંગ્ટન : અવકાશ સંશોધનના ઈતિહાસમાં એક મોટો વળાંક લેતા નાસાએ તેના મહત્વાકાંક્ષી 'લુનર ગેટવે' સ્પેસ સ્ટેશનના કામને હાલ પૂરતું અટકાવી દીધું છે. એજન્સીના નવા વડા જેરેડ આઇઝેકમેને જાહેરાત કરી છે કે હવે અમેરિકા ચંદ્રની ભ્રમણકક્ષામાં ફરવાને બદલે સીધા ચંદ્રની સપાટી પર કાયમી રહેઠાણ એટલે કે 'બેઝ કેમ્પ' બનાવવા પર પોતાનું પૂરું જોર લગાવશે. આશરે $20 બિલિયનના તોતિંગ ખર્ચે તૈયાર થનારો આ પ્રોજેક્ટ આગામી સાત વર્ષમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ ચીન દ્વારા 2030 સુધીમાં ચંદ્ર પર માનવી મોકલવાની તૈયારીઓ માનવામાં આવે છે. અમેરિકા કોઈપણ ભોગે ચંદ્ર પર પોતાનું પ્રભુત્વ જાળવી રાખવા માંગે છે અને તેથી જ તેણે રમતની રણનીતિ બદલીને સીધા 'ગ્રાઉન્ડ ઝીરો' પર કામ કરવાનો નિર્ણય કર્યો છે.
નાસાનો આ માસ્ટરસ્ટ્રોક માત્ર વિજ્ઞાન પૂરતો સીમિત નથી, પરંતુ તે આંતરરાષ્ટ્રીય સ્પેસ પોલિટિક્સનો પણ ભાગ છે. અગાઉ ગેટવે સ્ટેશન માટે તૈયાર કરાયેલા હાઈ-ટેક ઉપકરણોનો હવે સીધો ઉપયોગ ચંદ્રની સપાટી પર બાંધકામ કરવા માટે કરવામાં આવશે. જોકે, આ અચાનક બદલાવથી યુરોપિયન સ્પેસ એજન્સી (ESA) જેવા વૈશ્વિક ભાગીદારોમાં થોડી મૂંઝવણ ચોક્કસ જોવા મળી છે, પરંતુ નાસાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ માનવતાની પ્રથમ કાયમી ચોકી બનાવવા માટે સાથે મળીને જ કામ કરશે. આ રેસમાં એલોન મસ્કની સ્પેસએક્સ અને જેફ બેઝોસની બ્લુ ઓરિજિન જેવી ખાનગી કંપનીઓની ભૂમિકા હવે 'ગેમ-ચેન્જર' સાબિત થશે, કારણ કે તેઓ જ અવકાશયાત્રીઓને સુરક્ષિત રીતે સપાટી પર ઉતારવા માટેના લેન્ડર્સ પૂરા પાડશે.
હાલમાં સમગ્ર વિશ્વની નજર 'આર્ટેમિસ-2' મિશન પર ટકેલી છે, જે આગામી એપ્રિલમાં લોન્ચ થવાની તૈયારીમાં છે. છેલ્લા 50 વર્ષથી વધુ સમય બાદ માનવી ફરી એકવાર ચંદ્રની આટલી નજીક પહોંચશે. નાસાના પ્લાન મુજબ, 2027માં નિર્ણાયક પરીક્ષણો કર્યા બાદ, 2028 સુધીમાં આર્ટેમિસ-4 અને 5 મિશન દ્વારા અમેરિકન અવકાશયાત્રીઓ ચંદ્રની ધરતી પર કાયમી વસવાટ માટે ઉતરાણ કરશે. આ બેઝ માત્ર ચંદ્ર પર રહેવા માટે જ નહીં, પણ ભવિષ્યના 'મિશન મંગળ' માટે એક લોન્ચિંગ પેડ તરીકે પણ કામ કરશે. જેરેડ આઇઝેકમેનનું માનવું છે કે ચંદ્ર પરનો આ કાયમી બેઝ વૈજ્ઞાનિક સંશોધન અને સુરક્ષા એમ બંને દ્રષ્ટિએ અમેરિકાને વિશ્વમાં સર્વોપરી રાખશે.
(7:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
