<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th March 2026

વિનાશના આરે પાકિસ્તાન: ઈરાન-અમેરિકા યુદ્ધની આશંકાથી શાહબાઝ સરકારના જીવ અધ્ધર, શું દેશ સંપૂર્ણપણે તૂટી પડશે?

કરાચીના નિષ્ણાત પત્રકાર શમ્સ કેરિયોનો સનસનાટીભર્યો ખુલાસો: જો ખાડી દેશોમાં સંઘર્ષ વધશે તો પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવ આસમાને પહોંચશે અને ભૂખમરો ફાટી નીકળશે : પાયમાલીથી બચવા માટે જ પાકિસ્તાન હવે 'શાંતિ'ના મંત્ર જપી રહ્યું છે

કરાચી :  ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા જતા સૈન્ય તણાવે પાકિસ્તાનના રસોડા સુધી ફાળ પાડી છે. કરાચીના વરિષ્ઠ પત્રકાર શમ્સ કેરિયોએ એક વિસ્ફોટક મુલાકાતમાં ચેતવણી આપી છે કે જો આ સંઘર્ષ યુદ્ધમાં પલટાશે, તો પાકિસ્તાનની પહેલેથી જ વેન્ટિલેટર પર રહેલી અર્થવ્યવસ્થા કકડભૂસ થઈ જશે. પાકિસ્તાન તેલની આયાત અને પ્રાદેશિક વેપાર પર એટલું નિર્ભર છે કે ખાડીમાં પડતો એક પણ બોમ્બ ઈસ્લામાબાદમાં મોંઘવારીનો જ્વાળામુખી ફાટી નીકળવાનું કારણ બની શકે છે. આ જ ડરને કારણે વડાપ્રધાન શાહબાઝ શરીફ અત્યારે ગમે તે ભોગે યુદ્ધ રોકવા માટે આતુર છે, કારણ કે તેમની પાસે દેશ ચલાવવા માટે પૂરતું નાણાકીય અનામત પણ બચ્યું નથી.

નિષ્ણાતોના મતે, પાકિસ્તાન હાલમાં 'કસ્ટમ સ્ટેશન' જેવું બની ગયું છે જે માત્ર બીજાના પૈસા અને લોન પર ટકી રહ્યું છે. જો ઈરાન પર લશ્કરી કાર્યવાહી થાય છે, તો પાકિસ્તાનમાં બળતણના ભાવ એટલા વધી જશે કે સામાન્ય નાગરિક માટે બે ટંકનું ભોજન મેળવવું પણ અશક્ય બની જશે. દૈનિક વેતન પર જીવતા લાખો લોકો પર ખાદ્ય અસુરક્ષા અને બેરોજગારીનો ખતરો મંડરાઈ રહ્યો છે. શમ્સ કેરિયોએ સ્પષ્ટ કર્યું કે રશિયા અને ચીન જેવા દેશો આ સંઘર્ષમાં સામેલ થશે તો તે ત્રીજા વિશ્વયુદ્ધ જેવી સ્થિતિ સર્જશે, જેમાં પાકિસ્તાન જેવા નબળા દેશોનું અસ્તિત્વ નકશા પરથી ભૂંસાઈ શકે છે.

 

વધતા સરકારી ખર્ચ અને આડેધડ લેવાયેલી લોનના બોજ હેઠળ દબાયેલું પાકિસ્તાન અત્યારે ફુગાવાના પંજામાં છે. જો આંતરરાષ્ટ્રીય સ્તરે તેલના ભાવમાં સહેજ પણ વધારો થયો, તો કૃષિ અને ઉદ્યોગ જગત સંપૂર્ણપણે ઠપ્પ થઈ જશે. પાકિસ્તાની શાસકોને ડર છે કે આર્થિક પાયમાલી માત્ર ભૂખમરો જ નહીં, પણ દેશમાં આંતરિક બળવો અને અરાજકતા પણ લાવી શકે છે. આમ, શાહબાઝ શરીફની 'શાંતિ નિર્માતા' બનવાની કોશિશ કોઈ માનવતાવાદી અભિગમ નથી, પરંતુ પોતાના દેશને સંપૂર્ણ વિનાશથી બચાવવા માટેનો છેલ્લો મરણિયો પ્રયાસ છે.

(7:36 PM IST)