<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th March 2026

જેલના સળિયા પાછળથી સુકેશનો 'રોમેન્ટિક' પેંતરો: પેરિસમાં જેકલીનના નામે લગાવ્યું 'લવ લોક'

તિહાર જેલથી મહાઠગ સુકેશ ચંદ્રશેખરે અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને જન્મદિવસે લખ્યો પ્રેમપત્ર : મોંઘી ભેટોને બદલે પેરિસના ફૂટબ્રિજ પર પોતાના અને 'જેકી'ના નામનું તાળું લગાવી આજીવન સાથનું આપ્યું વચન

નવી દિલ્હી : કરોડોની છેતરપિંડીના આરોપમાં તિહાર જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરે ફરી એકવાર જેકલીન ફર્નાન્ડીઝ પ્રત્યે પોતાનો પ્રેમ જાહેર કરી ચર્ચા જગાવી છે. પોતાના જન્મદિવસે લખેલા આ પત્રમાં સુકેશે જેકલીનને 'જેકી' અને 'બેબી ગર્લ' કહી સંબોધી છે. તેણે પત્રમાં જણાવ્યું કે તારા વિના મારો આ ખાસ દિવસ અધૂરો છે. અત્યાર સુધી મોંઘીદાટ ભેટો આપનારા સુકેશે આ વખતે જેકલીનના નામે પેરિસના ડેબિલી ફૂટબ્રિજ પર એક 'લવ લોક' લગાવ્યું છે, જેના પર બંનેના નામ કોતરેલા છે. તેણે દાવો કર્યો છે કે આ તાળું પેરિસના આકાશ નીચે તેમના પ્રેમને હંમેશ માટે અમર કરી દેશે.

પત્રમાં સુકેશે ભાવુક થતા સ્વીકાર્યું છે કે તેની કરતૂતોને કારણે જેકલીનને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેનો તેને ભારે પસ્તાવો છે. સુકેશે લખ્યું કે જીવન અત્યારે એક એવા તોફાનમાંથી પસાર થઈ રહ્યું છે જેની તેણે ક્યારેય કલ્પના નહોતી કરી, પરંતુ આ અંધાધૂંધી વચ્ચે પણ જેકલીન તેનો સૌથી મોટો આશીર્વાદ છે. તેણે જેલના સળિયા પાછળથી લાખો 'ફ્લાઈંગ કિસ' મોકલીને જેકલીન પ્રત્યેની પોતાની ઝંખના વ્યક્ત કરી છે. આ પત્ર સુકેશના વકીલ દ્વારા મીડિયામાં જાહેર કરવામાં આવ્યો છે.

 

માત્ર 17 વર્ષની ઉંમરે ગુનાખોરીની દુનિયામાં કદમ રાખનાર બેંગલુરુનો આ ઠગ અનેક કૌભાંડોમાં સંડોવાયેલો છે. પોતાની પત્ની લીના મારિયા પોલ સાથે મળીને તેણે અનેક હાઈ-પ્રોફાઈલ છેતરપિંડી આચરી છે. જેલમાં હોવા છતાં બોલિવૂડ અભિનેત્રીઓ સાથેના તેના કનેક્શન અને આ પ્રકારના પત્રો ચર્ચાનો વિષય બનતા રહે છે. તપાસ એજન્સીઓ આ પત્રો અને તેમાં કરવામાં આવેલા દાવાઓની ગંભીરતાથી નોંધ લઈ રહી છે, કારણ કે સુકેશ જેલમાંથી પણ બહારની દુનિયામાં પ્રભાવ પાડવાનો પ્રયાસ કરી રહ્યો હોય તેવું જણાય છે.

(7:42 PM IST)