News of Wednesday, 25th March 2026
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદને મોટી રાહત: જાતીય સતામણી કેસમાં હાઈકોર્ટે મંજૂર કર્યા આગોતરા જામીન
અલ્હાબાદ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક: શંકરાચાર્ય અને શિષ્ય મુકુંદાનંદ ગિરીને શરતી જામીન: મીડિયામાં નિવેદનબાજી કરવા પર પ્રતિબંધ અને તપાસમાં સહકાર આપવા આદેશ

પ્રયાગરાજ: જાતીય સતામણીના ગંભીર આરોપોનો સામનો કરી રહેલા શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી અને તેમના શિષ્ય સ્વામી મુકુંદાનંદ ગિરીને અલ્હાબાદ હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. જસ્ટિસ જીતેન્દ્ર કુમાર સિંહાની સિંગલ બેન્ચે બંનેની આગોતરા જામીન અરજી મંજૂર કરતા આદેશ આપ્યો છે કે કેસમાં ચાર્જશીટ દાખલ ન થાય ત્યાં સુધી તેમની ધરપકડ કરવામાં આવશે નહીં. અગાઉ 27 ફેબ્રુઆરીએ સુનાવણી પૂર્ણ થયા બાદ કોર્ટે આ નિર્ણય અનામત રાખ્યો હતો, જે આજે જાહેર કરવામાં આવ્યો છે.
કોર્ટે જામીન આપવાની સાથે કડક શરતો પણ લાદી છે. સૌથી મહત્વની શરત મુજબ, શંકરાચાર્ય અને ફરિયાદી આશુતોષ બ્રહ્મચારી બંને પક્ષોએ આ કેસ અંગે મીડિયા સમક્ષ કોઈપણ પ્રકારનું નિવેદન કે ઇન્ટરવ્યુ આપવા પર પ્રતિબંધ રહેશે. જો આ શરતનું ઉલ્લંઘન થશે તો સામો પક્ષ જામીન રદ કરવાની અરજી કરી શકશે. શંકરાચાર્યના વકીલ પી.એન. મિશ્રાએ કોર્ટમાં ખાતરી આપી હતી કે તેઓ પોલીસ તપાસમાં સંપૂર્ણ સહકાર આપશે.
આ વિવાદની શરૂઆત ત્યારે થઈ હતી જ્યારે પ્રયાગરાજની નીચલી અદાલતે શાકુંભરી પીઠાધીશ્વર આશુતોષ બ્રહ્મચારીની અરજી પર ઝુસી પોલીસ સ્ટેશનમાં FIR નોંધવાનો આદેશ આપ્યો હતો. શિષ્યોના જાતીય શોષણના આક્ષેપો બાદ શંકરાચાર્યે ધરપકડથી બચવા હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. રાજ્ય સરકાર વતી એડિશનલ એડવોકેટ જનરલ મનીષ ગોયલે દલીલો રજૂ કરી હતી. હાલમાં હાઈકોર્ટના આ નિર્ણયથી શંકરાચાર્યને કાયદાકીય રક્ષણ મળ્યું છે.
(7:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
