News of Wednesday, 25th March 2026
ડેસ્ક પર કામ કરનારાઓ સાવધાન! તમારી ખુરશી બની શકે છે જીવલેણ : નસોમાં લોહી ગંઠાઈ જવાનું મોટું જોખમ
ઓફિસમાં 8-9 કલાક સતત બેસી રહેતા યુવાનોમાં 'DVT' રોગનો ભયાનક વધારો : ફિટ દેખાતા 40 વર્ષથી ઓછી ઉંમરના 25% લોકો શિકાર: પગમાં જામતું લોહી સીધું ફેફસાં સુધી પહોંચી હાર્ટ ફેલ્યોર નોતરી શકે છે

નવી દિલ્હી : આજની આધુનિક જીવનશૈલી અને કોર્પોરેટ કલ્ચર યુવાનોને અજાણતા જ એક ગંભીર બીમારી તરફ ધકેલી રહ્યું છે. નોઈડાની મેક્સ હોસ્પિટલના કાર્ડિયોલોજી નિષ્ણાત ડૉ. સુજીત નારાયણે ચેતવણી આપી છે કે કલાકો સુધી એક જ સ્થાને બેસી રહેવાથી "ડીપ વેઇન થ્રોમ્બોસિસ" (DVT) નામનો જીવલેણ રોગ થઈ શકે છે. પહેલા આ સમસ્યા માત્ર વૃદ્ધોમાં જોવા મળતી હતી, પરંતુ હવે ડેસ્ક જોબ કરતા ફિટ યુવાનો પણ તેનો શિકાર બની રહ્યા છે. જ્યારે આપણે લાંબા સમય સુધી હલનચલન કર્યા વિના બેસી રહીએ છીએ, ત્યારે પગના સ્નાયુઓ નિષ્ક્રિય થઈ જાય છે અને નસોમાં લોહીના ગંઠાવા જામવા લાગે છે, જે પાછળથી ફેફસામાં પહોંચીને 'પલ્મોનરી એમ્બોલિઝમ' જેવી જીવલેણ સ્થિતિ સર્જે છે.
તબીબી નિષ્ણાતોના મતે, લાંબા સમય સુધી બેસી રહેવાથી નસો પર દબાણ વધે છે અને લોહીનો પ્રવાહ ધીમો પડી જાય છે. આ ઉપરાંત, કામના દબાણમાં પાણી ઓછું પીવાની આદત લોહીને વધુ જાડું બનાવે છે, જેનાથી ગંઠાવાનું જોખમ બમણું થઈ જાય છે. ઘણા લોકો પગ પર પગ ચડાવીને બેસતા હોય છે, જે રક્ત પરિભ્રમણને અવરોધે છે અને નસોની આંતરિક દિવાલોને નુકસાન પહોંચાડે છે. જો તમને પગમાં અચાનક સોજો, દુખાવો કે લાલાશ જણાય, તો તેને સામાન્ય થાક સમજીને અવગણવો ભારે પડી શકે છે.
આ 'સિટિંગ ડિસીઝ' થી બચવા માટે ડોક્ટરોએ અત્યંત સરળ પણ અસરકારક ઉપાયો સૂચવ્યા છે. સૌથી મહત્વનું એ છે કે દર 60 મિનિટે તમારી સીટ પરથી ઉભા થઈને માત્ર 5 મિનિટ માટે ચાલવાની આદત પાડો. તમારી ડેસ્ક પર પાણીની બોટલ રાખો અને દિવસભર પૂરતું પાણી પીતા રહો જેથી લોહી જાડું ન થાય. બેસવાની પોઝિશન વારંવાર બદલો અને શક્ય હોય તો ડેસ્ક નીચે જ પગના પંજા હલાવવાની કસરત કરો. યાદ રાખો, તમારું કામ મહત્વનું છે પણ તમારા સ્વાસ્થ્યના ભોગે નહીં; એક નાનકડો બ્રેક તમને મોટી મેડિકલ ઈમરજન્સીમાંથી બચાવી શકે છે.
(7:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
