<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th March 2026

બંગાળમાં લોકશાહીનો જંગ: "બૂથ પર સુરક્ષા એ પંચની જવાબદારી,": કલકાતા હાઈકોર્ટનો ચૂંટણી પંચને કડક આદેશ!

23 અને 29 એપ્રિલના મતદાનમાં હિંસા રોકવા અને મતદારો માટે પીવાના પાણી જેવી પાયાની સુવિધાઓ સુનિશ્ચિત કરવા ડિવિઝન બેન્ચનો લાલબત્તી સમાન નિર્દેશ : ભાજપની 100% સુરક્ષાની માંગ પર કોર્ટે કહ્યું—"નિર્ણય પંચનો રહેશે, દખલગીરી નહીં ચાલે"

કોલકાતા :  પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના માહોલ વચ્ચે હિંસા અને અરાજકતાની આશંકાઓને જોતા કલકાતા હાઈકોર્ટે અત્યંત મહત્વપૂર્ણ હસ્તક્ષેપ કર્યો છે. મુખ્ય ન્યાયાધીશ સુજય પાલ અને ન્યાયાધીશ પાર્થ સારથી સેનની ડિવિઝન બેન્ચે ચૂંટણી પંચને સ્પષ્ટ શબ્દોમાં તાકીદ કરી છે કે આગામી 23 અને 29 એપ્રિલના તબક્કામાં દરેક મતદાન મથક પર લોખંડી સુરક્ષા વ્યવસ્થા હોવી જોઈએ. કોર્ટે ભાર પૂર્વક જણાવ્યું હતું કે માત્ર સુરક્ષા જ નહીં, પરંતુ કાળઝાળ ગરમીમાં લાઈનમાં ઉભેલા મતદારો માટે પીવાનું પાણી અને અન્ય મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવી એ પંચની નૈતિક અને બંધારણીય જવાબદારી છે. આ આદેશથી ચૂંટણી પંચ પર મુક્ત અને ન્યાયી મતદાન કરાવવાનું દબાણ વધ્યું છે.

આ કેસની સુનાવણી બંગાળ ભાજપ પ્રમુખ શમિક ભટ્ટાચાર્ય દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી  પર થઈ હતી, જેમાં તેમણે દરેક બૂથ પર કેન્દ્રીય દળોની તૈનાતીની માંગ કરી હતી. જોકે, હાઈકોર્ટે આ બાબતે સંતુલિત અભિગમ અપનાવતા સ્પષ્ટ કર્યું કે શાંતિપૂર્ણ ચૂંટણી માટે ક્યાં કેટલા જવાનો તૈનાત કરવા—પછી તે કેન્દ્રીય સુરક્ષા દળો હોય કે રાજ્ય પોલીસ—તેનો આખરી નિર્ણય લેવાનો અધિકાર માત્ર અને માત્ર ચૂંટણી પંચનો જ છે. અદાલતે અરજદારને ટકોર કરી હતી કે સુરક્ષાના વ્યૂહાત્મક નિર્ણયોમાં કોઈ પણ રાજકીય પક્ષ કે વ્યક્તિને દખલ કરવાનો અધિકાર નથી, પરંતુ શાંતિ જળવાવી જોઈએ તે અનિવાર્ય છે.

સુનાવણી દરમિયાન અદાલતે એક ગંભીર પ્રશ્ન પણ ઉઠાવ્યો હતો કે શું હિંસામુક્ત ચૂંટણીની જવાબદારી માત્ર પંચની જ છે? કોર્ટે નોંધ્યું કે રાજ્ય સરકારની પણ આમાં સમાન જવાબદારી બને છે. છેલ્લા કેટલાક સમયથી અધિકારીઓની બદલીઓ અને પોલીસ કર્મચારીઓની પ્રતિનિયુક્તિને લઈને જે વિવાદો ચાલી રહ્યા છે, તેની પણ કોર્ટે ગંભીર નોંધ લીધી છે. હાઈકોર્ટના આ સક્રિય વલણથી સ્પષ્ટ થાય છે કે આ વખતે બંગાળમાં ચૂંટણી દરમિયાન સુરક્ષામાં કોઈપણ પ્રકારની ઢીલ કે બેદરકારીને અદાલત સાંખી લેવાના મૂડમાં નથી. આ ચુકાદો આગામી તબક્કાના મતદાનમાં લોકશાહીના પર્વને સુરક્ષિત બનાવવાની દિશામાં મોટું પગલું માનવામાં આવે છે.

(7:45 PM IST)