News of Wednesday, 25th March 2026
ડ્યુરન્ડ રેખા પર ભીષણ જંગ: પાકિસ્તાની સેનાના ૮૫ તોપમારાથી અફઘાનિસ્તાન ધણધણી ઉઠ્યું; બે નાગરિકોના મોત અને અનેક ઘાયલ, વળતા પ્રહારમાં અફઘાન દળોએ પાક. ચોકીઓ ફૂંકી મારી!
ઈદના યુદ્ધવિરામ વચ્ચે પણ ગોળીબાર ચાલુ; કુનાર પ્રાંતમાં પાકિસ્તાની સૈન્યની દાદાગીરી સામે તાલિબાન દળોનો આકરો વિરોધ, સરહદી વિસ્તારોમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ

કુનાર: અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની સરહદ (ડ્યુરન્ડ રેખા) પર ફરી એકવાર તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. પાકિસ્તાની સૈન્ય દ્વારા અફઘાનિસ્તાનના કુનાર પ્રાંતમાં છેલ્લા ૨૪ કલાકમાં અંધાધૂંધ ૮૫ જેટલા તોપમારા કરવામાં આવતા ભારે તારાજી સર્જાઈ છે. આ હુમલામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા બે નિર્દોષ નાગરિકોના મોત થયા છે અને આઠ અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
પાકિસ્તાની ચોકીઓ પર અફઘાન દળોનો વળતો પ્રહાર
અફઘાનિસ્તાનના માહિતી અને સંસ્કૃતિ વિભાગના પ્રવક્તા ઝિયા-ઉર-રહેમાન સ્પિનઘરે આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, પાકિસ્તાન તરફથી થઈ રહેલા અવિરત તોપમારાનો અફઘાન દળોએ જડબાતોડ જવાબ આપ્યો છે. ડ્યુરન્ડ રેખા પાસે આવેલા સરકાનો જિલ્લાના નવાપાસ વિસ્તારમાં અફઘાન સૈનિકોએ વળતી કાર્યવાહી કરતા પાકિસ્તાની સેનાની ત્રણ મહત્વની ચોકીઓને નેસ્તનાબૂદ કરી દીધી છે. આ અથડામણમાં એક પાકિસ્તાની સૈનિકના મોતના સમાચાર પણ સામે આવ્યા છે.
શાંતિ કરારનો ભંગ અને તાલિબાનનો આક્રોશ
મહત્વનું છે કે, ઈદના પવિત્ર અવસર પર બંને દેશો વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી, તેમ છતાં પાકિસ્તાની દળો દ્વારા સરહદ પર સતત ઉશ્કેરણીજનક કાર્યવાહી કરવામાં આવી રહી છે. રવિવારે પણ તાલિબાને પાકિસ્તાની દળો પર કુનાર અને પક્તિકા પ્રાંતોમાં નાગરિકો પર ગોળીબાર કરવાનો આરોપ લગાવ્યો હતો. તાલિબાન શાસનનું કહેવું છે કે પાકિસ્તાન જાણીજોઈને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવી રહ્યું છે, જેના કારણે નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે.
સરહદ પર ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
હાલમાં આ સંઘર્ષને કારણે આસપાસના ગામોમાં રહેતા લોકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. બંને દેશોની સેનાઓ સરહદ પર એલર્ટ મોડમાં છે અને ગમે ત્યારે સ્થિતિ વધુ વણસી શકે તેવી આશંકા સેવાઈ રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આ ઘટનાક્રમ પર નજર રાખવામાં આવી રહી છે, કારણ કે આ વિસ્તારમાં વધતી હિંસા પ્રાદેશિક સુરક્ષા માટે મોટું જોખમ સાબિત થઈ શકે છે.
(8:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
