News of Wednesday, 25th March 2026
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ૩૧ માર્ચે ફરી એકવાર ગુજરાતની મુલાકાતે: સાણંદમાં ૨૨,૫૦૦ કરોડ રૂપિયાના અત્યાધુનિક માઇક્રોન સેમીકન્ડક્ટર અને ટેસ્ટિંગ પ્લાન્ટનું ભવ્ય લોકાર્પણ કરશે
સાણંદમાં આકાર પામેલો આ માઇક્રોનનો પ્લાન્ટ ભારતની સેમીકન્ડક્ટર ઉત્પાદન યાત્રામાં એક ઐતિહાસિક સીમાચિહ્ન

રાજકોટ: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી ૩૧ માર્ચ, ૨૦૨૬ના રોજ એક દિવસ માટે ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ડિજિટલ મીડિયા અને સત્તાવાર સરકારી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વડાપ્રધાન સાણંદ ખાતે આવેલી માઇક્રોન સેમીકન્ડક્ટર ટેકનોલોજી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની અત્યાધુનિક સેમીકન્ડક્ટર એસેમ્બલી, ટેસ્ટ અને પેકેજિંગ (એટીએમપી) સુવિધાનું સત્તાવાર રીતે ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત તેઓ ગાંધીનગર ખાતે એક વિશેષ કાર્યક્રમમાં પણ હાજરી આપે તેવી પૂરી સંભાવના છે.
સાણંદમાં આકાર પામેલો આ માઇક્રોનનો પ્લાન્ટ ભારતની સેમીકન્ડક્ટર ઉત્પાદન યાત્રામાં એક ઐતિહાસિક સીમાચિહ્ન છે. આ પ્રોજેક્ટ ૨૨,૫૦૦ કરોડ રૂપિયાના જંગી રોકાણ સાથે તૈયાર કરવામાં આવ્યો છે.
વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન થયા બાદ અહીંથી ભારતમાં બનેલા પ્રથમ સેમીકન્ડક્ટર મેમરી મોડ્યુલ્સનું કોમર્શિયલ ઉત્પાદન અને શિપમેન્ટ શરૂ થઈ જશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન વિશાળ જનમેદનીને સંબોધિત પણ કરશે, જેના માટે સ્થાનિક તંત્ર દ્વારા ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે.
આ મુલાકાત ભારતની વિદેશો પરની સેમીકન્ડક્ટર નિર્ભરતા ઘટાડવા અને સ્માર્ટફોન, લેપટોપ તેમજ ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનમાં દેશને સ્વનિર્ભર બનાવવાના 'આત્મનિર્ભર ભારત' અભિયાનને મોટું બળ પૂરું પાડશે. આ મેગા પ્રોજેક્ટને કારણે સાણંદ અને આસપાસના વિસ્તારોમાં હજારો યુવાનો માટે સીધી અને આડકતરી રોજગારીની નવી તકો ઉભી થશે. આ પ્રવાસ ગુજરાતના ઔદ્યોગિક વિકાસને વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈઓ પર લઈ જશે
(8:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
