News of Wednesday, 25th March 2026
હવામાન વિભાગની મોટી આગાહી: આગામી ત્રણ કલાકમાં કચ્છ, અમદાવાદ અને સૌરાષ્ટ્રના આઠ જિલ્લાઓમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ અને ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા: યલો એલર્ટ જાહેર

ભુજ: (વિનોદ ગાલા દ્વારા) ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય હેઠળના ભારતીય હવામાન વિભાગ (આઈએમડી), અમદાવાદ દ્વારા આજે ૨૫ માર્ચ, ૨૦૨૬ ના રોજ મોદી સાંજે એક તાત્કાલિક 'નાઉકાસ્ટ' ચેતવણી જાહેર કરવામાં આવી છે. આધુનિક સેટેલાઇટ ઈનસેટ-૩ડીઆર ની જીવંત તસવીરોમાં ઉત્તર-પશ્ચિમ ભારત અને ગુજરાતના આકાશ પર ઘેરાયેલા વાદળોનો જમાવડો સ્પષ્ટ જોઈ શકાય છે. હવામાન વિભાગની આ આગાહી અનુસાર, આગામી ત્રણ કલાકમાં રાજ્યના વાતાવરણમાં અચાનક મોટો પલટો આવશે.
હવામાન વિભાગના સત્તાવાર બુલેટિન મુજબ, કચ્છ, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ભાવનગર અને અમરેલી જિલ્લાઓમાં કમોસમી વરસાદ એટલે કે માવઠાની પૂરી સંભાવના છે. આ ૮ જિલ્લાઓના છૂટાછવાયા વિસ્તારોમાં ૫ મિલીમીટર પ્રતિ કલાકથી ઓછો વરસાદ નોંધાઈ શકે છે. વરસાદની સાથે સાથે ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની અને હળવી ગાજવીજ થવાની પણ શક્યતા છે, જોકે આકાશમાંથી વીજળી પડવાની સંભાવના ૩૦ ટકાથી ઓછી દર્શાવવામાં આવી છે. આ તમામ વિસ્તારો માટે સત્તાવાર રીતે 'યલો એલર્ટ' જાહેર કરાયું છે.
રાષ્ટ્રીય સ્તરની હિન્દી અને અંગ્રેજી ન્યૂઝ ચેનલો તેમજ ઉર્દુ અને ગુજરાતી અખબારોના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર પણ ગુજરાતના આ કમોસમી વરસાદના એલર્ટને ગંભીરતાથી પ્રસારિત કરવામાં આવ્યું છે.
આઈએમડીના વિશેષ 'ઈમ્પેક્ટ મેટ્રિક્સ' મુજબ, આ યલો એલર્ટ અંતર્ગત નીચાણવાળા રસ્તાઓ પર સામાન્ય જળભરાવ, હળવા ટ્રાફિક જામ અને સાર્વજનિક પરિવહન સેવાઓમાં આંશિક વિક્ષેપ થવાની શક્યતા છે. કૃષિ નિષ્ણાતો અને રાષ્ટ્રીય મીડિયા અહેવાલો મુજબ, આ માવઠું ખેતીના કામકાજને અસર કરી શકે છે. તંત્ર દ્વારા ખેડૂતો અને પશુપાલકોને ખાસ ચેતવણી આપવામાં આવી છે કે તેઓ મરઘાં જેવા નાના પ્રાણીઓને તાત્કાલિક સુરક્ષિત આશ્રયસ્થાને ખસેડે. આ ઉપરાંત ડ્રેનેજ સિસ્ટમમાં કચરો ફસાવાની અને સોલાર પાવર જનરેશનમાં આંશિક ઘટાડો થવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. નાગરિકોને હવામાન વિભાગની સત્તાવાર વેબસાઇટ પરથી સતત અપડેટ્સ મેળવતા રહેવા જણાવાયું છે.
(8:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
