<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th March 2026

ઓનલાઈન ગેમિંગ પરના કડક પ્રતિબંધોથી ડ્રીમ૧૧ ની આવકમાં ૯૫ ટકાનો જંગી ઘટાડો: નુકસાનની ભરપાઈ કરવા ડ્રીમ સ્પોર્ટ્સ હવે સ્ટોક બ્રોકિંગ ક્ષેત્રે ઝંપલાવશે

ડ્રીમ સ્ટ્રીટના નામે રિટેલ રોકાણકારોને આકર્ષવાની નવી આક્રમક વ્યૂહરચના: સીઈઓ હર્ષ જૈનની જાહેરાત મુજબ તમામ લાયસન્સ મળ્યા બાદ ટૂંક સમયમાં પબ્લિક લોન્ચ થશે

મુંબઈ: કેન્દ્ર સરકાર દ્વારા ઓનલાઈન રિયલ મની ગેમિંગ અને ફેન્ટસી સ્પોર્ટ્સ પર લાદવામાં આવેલા કડક નિયમો અને ૨૮ ટકા જીએસટીના બોજાને કારણે ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. દેશની સૌથી મોટી ફેન્ટસી ગેમિંગ એપ ડ્રીમ૧૧ ની પેરન્ટ કંપની ડ્રીમ સ્પોર્ટ્સની આવકમાં આ સરકારી નીતિઓને પગલે અધધ ૯૫ ટકાનો માતબર ઘટાડો નોંધાયો છે. આ ગંભીર કટોકટીમાંથી બહાર આવવા માટે કંપનીએ હવે એક નવી અને મહત્વાકાંક્ષી દિશા પકડી છે. ડ્રીમ સ્પોર્ટ્સ હવે 'ડ્રીમ સ્ટ્રીટ' નામથી શેરબજારના બ્રોકિંગ (સ્ટોક બ્રોકિંગ) ઉદ્યોગમાં પ્રવેશવા જઈ રહી છે.

 

કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) હર્ષ જૈને એક વિશેષ મુલાકાતમાં જણાવ્યું હતું કે ભારતમાં રિટેલ રોકાણકારોનો વર્ગ ખૂબ જ ઝડપથી વિસ્તરી રહ્યો છે અને ડ્રીમ સ્પોર્ટ્સ તેની વિશાળ યુઝર બેઝનો લાભ લેવા માંગે છે. કંપનીએ સ્ટોક બ્રોકિંગ શરૂ કરવા માટે જરૂરી તમામ સત્તાવાર અને કાનૂની લાયસન્સ મેળવી લીધા છે.

 

હાલમાં ડ્રીમ સ્ટ્રીટ પ્લેટફોર્મનું આંતરિક સ્તરે ટેસ્ટિંગ ચાલી રહ્યું છે અને બધું સમુસૂતરું પાર પડ્યા બાદ ટૂંક સમયમાં જ તેને સામાન્ય જનતા માટે પબ્લિકલી લોન્ચ કરવામાં આવશે. ફિનટેક નિષ્ણાતોના મતે ડ્રીમ૧૧ નો આ નવો અવતાર ઝેરોધા અને ગ્રો જેવી પ્રસ્થાપિત બ્રોકિંગ કંપનીઓને આકરી સ્પર્ધા આપી શકે છે.*

(9:53 PM IST)