<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th March 2026

રેલવેનો ડિજિટલ હથોડો: IRCTC પરથી કરોડો નકલી આઈડીનો સફાયો : હવે માત્ર 'આધાર' વેરિફાઈડ મુસાફરોને જ મળશે તત્કાલની એન્ટ્રી

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં વિગતો આપતા જણાવ્યું કે ટિકિટિંગમાં પારદર્શિતા લાવવા માટે 3 કરોડથી વધુ ફેક એકાઉન્ટ્સ બ્લોક કરાયા : અને એન્ટી-બોટ ટેકનોલોજી દ્વારા 64% શંકાસ્પદ ટ્રાફિકને અટકાવીને એજન્ટોના કાળાબજાર પર લગામ કસવામાં આવી

નવી દિલ્હી : ભારતીય રેલવે હવે સંપૂર્ણપણે ડિજિટલ ટ્રૅક પર દોડી રહી છે, જેનો પુરાવો એ છે કે દેશની 88% રિઝર્વ ટિકિટો હવે ઓનલાઈન બુક થઈ રહી છે. રેલવે મંત્રીએ ખુલાસો કર્યો કે ફેબ્રુઆરી 2025-26 દરમિયાન રેકોર્ડબ્રેક 48.25 કરોડ ટિકિટો ઓનલાઈન બુક થઈ હતી, જેની સામે કાઉન્ટર પર માત્ર 6.15 કરોડ ટિકિટો વેચાઈ હતી. આ જંગી ટ્રાફિકનો લાભ ઉઠાવતા લેભાગુ તત્વોને રોકવા માટે રેલવેએ 'કન્ટેન્ટ ડિલિવરી નેટવર્ક' (CDN) અને અત્યાધુનિક એન્ટી-બોટ ટેકનોલોજીનો આશરો લીધો છે. આ સિસ્ટમે તત્કાલ ટિકિટ બુકિંગ વખતે સર્જાતા કૃત્રિમ ટ્રાફિકને 64% જેટલો ઘટાડી દીધો છે, જેથી સામાન્ય મુસાફરોને ટિકિટ મળવાની શક્યતા વધી ગઈ છે.

ટિકિટના કાળાબજાર કરતા એજન્ટો અને છેતરપિંડી કરનારાઓ વિરુદ્ધ રેલવેએ અત્યાર સુધીની સૌથી મોટી ઝુંબેશ ચલાવી છે. વર્ષ 2025માં અંદાજે 3.04 કરોડ નકલી યુઝર આઈડીને કાયમી ધોરણે બ્લોક કરી દેવામાં આવ્યા છે, જ્યારે અન્ય 2.94 કરોડ એકાઉન્ટ્સને શંકાસ્પદ પ્રવૃત્તિ બદલ સસ્પેન્ડ કરાયા છે. રેલવેની સાયબર ટીમે 13,000 થી વધુ શંકાસ્પદ ઇમેઇલ ડોમેન્સ પર પ્રતિબંધ મૂક્યો છે અને 4 લાખથી વધુ શંકાસ્પદ PNR નંબરોની તપાસ હાથ ધરી છે. આ કડક કાર્યવાહીનો હેતુ એ છે કે કોઈ પણ સોફ્ટવેર કે બોટ દ્વારા સેકન્ડોમાં ટિકિટો ચોરી ન શકે અને સાચા મુસાફરોને જ બેઠક મળે.

રેલવે પ્રવાસીઓ માટે સૌથી મહત્વનો ફેરફાર 1 જુલાઈ, 2025 થી અમલમાં આવવા જઈ રહ્યો છે. હવેથી માત્ર એવા જ યુઝર્સ તત્કાલ ટિકિટ બુક કરી શકશે જેમના IRCTC એકાઉન્ટ સાથે 'આધાર કાર્ડ' લિંક થયેલું અને વેરિફાઈડ હશે. એટલું જ નહીં, સામાન્ય રિઝર્વેશન ખુલવાના પહેલા દિવસે પણ આધાર-વેરિફાઈડ યુઝર્સને જ પ્રાથમિકતા આપવામાં આવશે. જોકે, જે મુસાફરોએ હજુ આધાર લિંક નથી કર્યું તેમના એકાઉન્ટ બંધ નહીં થાય, પરંતુ તેઓ તત્કાલ જેવી પ્રીમિયમ સુવિધાઓનો લાભ મેળવી શકશે નહીં. સરકારનો આ નિર્ણય ટિકિટિંગ સિસ્ટમને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવાની દિશામાં માઈલસ્ટોન સાબિત થશે.

(10:20 PM IST)