<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th March 2026

ઈરાનનો ટ્રમ્પને 'પાવરફુલ' વળતો પ્રહાર: "યુદ્ધ તમે શરૂ કર્યું, પણ અંત અમે લાવીશું," હોર્મુઝની ખાડી પર ઠોક્યો દાવો

ટ્રમ્પની 15-મુદ્દાની શાંતિ યોજનાને ઈરાને 'અતિશય' ગણાવી કચરાપેટીમાં નાખી દીધી: યુદ્ધના વળતર અને હોર્મુઝ સ્ટ્રેટ પર સંપૂર્ણ સાર્વભૌમત્વ સહિતની 5 કડક શરતો મૂકીને પશ્ચિમ એશિયામાં ફરી તણાવ વધાર્યો.

નવી દિલ્હી : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને રોકવા માટે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોકલેલા પ્રસ્તાવને ઈરાને સાવ ફગાવી દીધો છે. ઈરાની સ્ટેટ મીડિયા 'પ્રેસ ટીવી'ના અહેવાલ મુજબ, તેહરાને સ્પષ્ટ કર્યું છે કે યુદ્ધ ક્યારે અને કઈ શરતો પર સમાપ્ત થશે તે ટ્રમ્પ નક્કી કરી શકે નહીં. ઈરાને વળતો ઘા કરતા પાંચ મુખ્ય શરતો મૂકી છે, જેમાં ઈઝરાયલ અને અમેરિકા દ્વારા કરવામાં આવતી હત્યાઓ પર સંપૂર્ણ રોક અને ભવિષ્યમાં ફરી યુદ્ધ ન લાદવામાં આવે તેની લેખિત ખાતરી માંગી છે. આટલું જ નહીં, ઈરાને અત્યાર સુધી થયેલા નુકસાન માટે જંગી આર્થિક વળતરની પણ માંગ કરી છે, જેણે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે.

 

ઈરાનની સૌથી વિવાદાસ્પદ અને મહત્વની માંગ 'હોર્મુઝ સ્ટ્રેટ' પરના કાનૂની અધિકારને લઈને છે. વિશ્વના કુલ તેલ પુરવઠાનો મોટો હિસ્સો જ્યાંથી પસાર થાય છે તે હોર્મુઝની ખાડી પર ઈરાને પોતાનો કુદરતી અને કાનૂની અધિકાર હોવાનો દાવો કર્યો છે. ઈરાનનું કહેવું છે કે આ વ્યૂહાત્મક જળમાર્ગ પર તેનું નિયંત્રણ અન્ય પક્ષોની પ્રતિબદ્ધતાઓના પાલનની ખાતરી આપશે. આ માંગ અમેરિકા અને તેના સાથી દેશો માટે અસ્વીકાર્ય હોવાનું મનાય છે, કારણ કે આ રસ્તો બંધ થવાથી વૈશ્વિક અર્થતંત્ર ઠપ થઈ શકે છે. ઈરાને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તે પોતાની સ્વતંત્ર ઈચ્છા અને પોતાની શરતો પર જ આ યુદ્ધનો અંત લાવશે.

ઈરાનની માંગણીઓમાં માત્ર પોતાની સુરક્ષા જ નહીં, પરંતુ સમગ્ર પ્રદેશમાં ફેલાયેલા તેના સમર્થક સંગઠનો (રેઝિસ્ટન્સ ગ્રુપ્સ) ના હિતો પણ સામેલ છે. ઈરાને શરત મૂકી છે કે લેબનોન, યમન અને અન્ય મોરચે લડતા તમામ જૂથો વિરુદ્ધની દુશ્મનાવટનો અંત આવવો જોઈએ. "તમે યુદ્ધ શરૂ કર્યું, અમે તેનો અંત લાવીશું" એવા હુંકાર સાથે ઈરાને અમેરિકાને સીધો પડકાર ફેંક્યો છે. ટ્રમ્પની શાંતિ યોજનાને 'અતિશય' કહીને નકારી કાઢ્યા પછી હવે પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થાપવાની આશા ફરી એકવાર ધૂંધળી બની છે, જેનાથી ક્રૂડ તેલના ભાવોમાં ફરી વધારો થવાની શક્યતા દેખાઈ રહી છે.

(10:22 PM IST)