"બસ હવે બહુ થયું, આ પાગલપન રોકો": યુએન ચીફની અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાનને યુદ્ધવિરામ માટે આખરી ચેતવણી
પશ્ચિમ એશિયામાં વરસેલા બોમ્બ અને કુવૈત એરપોર્ટ પર ઈરાનના ભીષણ હુમલા બાદ સંયુક્ત રાષ્ટ્રના એન્ટોનિયો ગુટેરેસે અત્યંત લાચારી અને ગુસ્સા સાથે શાંતિની અપીલ કરી—માનવતા મરી રહી છે અને વિશ્વ આર્થિક વિનાશ તરફ ધકેલાઈ રહ્યું છે.

ન્યૂયોર્ક: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલું યુદ્ધ હવે માત્ર બે-ચાર દેશો વચ્ચેનું નથી રહ્યું, પરંતુ તે સમગ્ર વિશ્વ માટે અસ્તિત્વનું સંકટ બની ગયું છે. યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે અત્યંત ભાવુક અને સખત શબ્દોમાં કહ્યું છે કે, "આ નેતાઓએ કલ્પનાની તમામ મર્યાદાઓ વટાવી દીધી છે." ઈરાન દ્વારા ખાડી દેશો પર અને ખાસ કરીને કુવૈત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કરવામાં આવેલા હુમલાએ બળતામાં ઘી હોમ્યું છે. ગુટેરેસે સ્પષ્ટ કર્યું કે વિશ્વભરના ઉર્જા કેન્દ્રોને નિશાન બનાવીને આ દેશો આખી દુનિયાને અંધકાર અને આર્થિક મંદીમાં ધકેલી રહ્યા છે, જે હવે કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય નથી.
એક તરફ યુએન શાંતિની વાતો કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ ઈરાને અમેરિકાના યુદ્ધવિરામ પ્રસ્તાવને કચરાપેટીમાં નાખી દીધો છે. પાકિસ્તાન મારફતે મોકલાયેલા આ પ્રસ્તાવને ઈરાને અપમાનજનક ગણાવ્યો છે. ઈરાની મીડિયા 'પ્રેસ ટીવી' એ ઠોકી વગાડીને કહ્યું છે કે, "ઈરાન યુદ્ધ ત્યારે જ બંધ કરશે જ્યારે તેની પાંચ શરતો પૂરી થશે." આ જિદને જોતા અમેરિકાએ પણ તેના પેરાટ્રૂપર્સ અને મરીન સૈનિકોને મેદાનમાં ઉતારી દીધા છે. ઈઝરાયેલ દ્વારા તેહરાન પર સતત થઈ રહેલા હવાઈ હુમલા અને સામા પક્ષે ઈરાનના વળતા પ્રહારોએ આ યુદ્ધને 'પોઈન્ટ ઓફ નો રિટર્ન' પર લાવી દીધું છે.
યુદ્ધના મેદાનમાં વહેતું લોહી હવે માનવતા માટે શરમજનક બની ગયું છે. ગુટેરેસે દુઃખ સાથે જણાવ્યું કે નાગરિકોની જાનહાનિ આસમાને પહોંચી છે અને લાખો લોકો ઘરવિહોણા થયા છે. પરિસ્થિતિને થાળે પાડવા માટે તેમણે તાત્કાલિક ધોરણે એક 'વ્યક્તિગત દૂત' (Personal Envoy) ની નિમણૂક કરવાની જાહેરાત કરી છે, જે સીધા જ આ દેશોના વડાઓ સાથે વાતચીત કરીને મધ્યસ્થીનો રસ્તો શોધશે. ઈરાનને સ્પષ્ટ સંદેશ આપતા તેમણે કહ્યું કે પડોશીઓ પર હુમલા કરવાનું બંધ કરો, કારણ કે આ વિનાશની કોઈ સીમા નથી. હવે જોવાનું એ રહેશે કે યુએનની આ છેલ્લી ઘડીની અપીલ રણમેદાનમાં ગુંજતી તોપોને શાંત કરી શકે છે કે નહીં.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
