News of Thursday, 26th March 2026
વંદે ભારત ટ્રેનમાં ખરાબ ભોજનઃ ૫૦ લાખનો દંડઃ IRCTCને પણ પેનલ્ટી
ભારતીય રેલવે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં ભોજનની ગુણવત્તા મામલે મોટી કાર્યવાહી કરી

પટણા તા.૨૬: ભારતીય રેલવે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં ભોજનની ગુણવત્તા મામલે મોટી કાર્યવાહી કરી છે. રેલવેએ પોતાની જ કંપની ઈન્ડિયન રેલવે કેટરિગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)ને ૧૦ લાખ રૂપિયાનો દંડ ફટકારાયો છે. પટણાથી ટાટાનગર જતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં ભોજનની ગુણવત્તા મામલે ફરિયાદ મળ્યા બાદ આ કાર્યવાહી કરાઈ છે.
મળતા અહેવાલો મુજબ, ૧૫ માર્ચ-૨૦૨૬ના રોજ પટણાથી ટાટાનગર જતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન નંબર-૨૧૮૯૬ના એક મુસાફરે ભોજનની ગુણવત્તા મુદ્દે ફરિયાદ નોંધાવી હતી, જેને રેલવેએ ગંભીરતાથી લીધી છે અને તપાસ કર્યા બાદ કાર્યવાહી કરી છે. રેલવેએ IRCTCને ૧૦ લાખ દંડ અને સંબંધિત સર્વિસ પ્રોવાઈડર પર ૫૦ લાખનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત તે કંપનીનો કોન્ટ્રાક્ટ પણ સમાપ્ત કરી દેવાનો આદેશ અપાયો છે.
રેલવેના પ્રવક્તાએ કહ્યું કે, મુસાફરોની સુરક્ષા અને તેમને મળતી સેવાઓની ગુણવત્તા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. કોઈપણ પ્રકારની બેદરકારી કે નિયમોનું ઉલ્લંઘન સાંખી લેવાશે નહીં. ભારતીય રેલવે પોતાના વિશાળ નેટવર્કમાં દરરોજ લાખો મુસાફરોને સેવાઓ પુરી પાડે છે. IRCTC દ્વારા દૈનિક ૧૫ લાખથી વધુ મુસાફરોને ભોજન સુવિધા પુરી પડાય છે. આ સેવા વિશ્વની સૌથી મોટી ઑનબોર્ડ ફૂડ ઓપરેશનોમાંથી એક માનવામાં આવે છે.
(10:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
