તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૫ રવિવાર
News of Thursday, 26th March 2026
હવે નાપાસ થનાર વિદ્યાર્થીને બીજી વાર ‘તક' મળશે
આવતા વર્ષથી તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સામાન્ય શિક્ષણની સાથે જ શરૂ થશે ઓપન સ્કૂલિંગ સુવિધા : ‘ફેઈલ' થયેલા છાત્રોને પંચાયત સ્તર સુધી ફોલો-અપ કરીને ફરી ભણાવવામાં આવશે : વિદ્યાર્થી એક પરીક્ષામાં નિષ્ફળ જશે તો આખું વર્ષ નહિ બગડે

નવી દિલ્હી, તા.૨૬: ભારતીય શિક્ષણ પ્રણાલીમાં ડ્રોપ-આઉટ રેશિયો ઘટાડવા માટે કેન્દ્ર સરકાર આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ થી એક અત્યંત મહત્વકાંક્ષી પ્રોજેક્ટ લોન્ચ કરવા જઈ રહી છે. આ નવી પહેલ હેઠળ, દેશની તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, પીએમ શ્રી અને નવોદય વિદ્યાલયોમાં ‘ઓપન એજ્યુકેશન સેન્ટર્સ‘' સ્થાપિત કરવામાં આવશે. આ વ્યવસ્થાની સૌથી મોટી વિશેષતા એ છે કે સામાન્ય શિક્ષણ અને ઓપન ર્લનિંગ બંને એક જ છત નીચે કાર્યરત રહેશે. જો કોઈ બાળક નિયમિત શિક્ષણમાં નાપાસ થાય છે, તો તેને શાળા છોડવાને બદલે તાત્કાલિક ઓપન ર્લનિંગમાં પ્રવેશ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. આ કેન્દ્રો માત્ર શહેરો પૂરતા મર્યાદિત નહીં રહેતા, દરેક બ્લોક અને ગ્રામ પંચાયત સ્તર સુધી વિસ્તરશે, જેથી અંતરિયાળ વિસ્તારના બાળકો પણ શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડાયેલા રહે. . આ વ્યવસ્થા હેઠળ, વિદ્યાર્થીઓ પોતાની ગતિએ અને અનુકૂળતા મુજબ પરીક્ષા આપી શકશે, જે તેમને ડિગ્રી મેળવવામાં અને આગળ વધવામાં મદદરૂપ થશે. હવે કોઈ પણ વિદ્યાર્થીએ માત્ર એક પરીક્ષામાં નિષ્ફળ જવાને કારણે પોતાનું આખું વર્ષ કે કારકિર્દી બગાડવી નહીં પડે.
આ યોજનાની કાર્યપદ્ધતિ વિદ્યાર્થીઓ માટે અત્યંત લવચીક રાખવામાં આવી છે. ઓપન લર્નિંગમાં વિદ્યાર્થીઓએ દરરોજ શાળાએ આવવાની જરૂર રહેશે નહીં, જે કામ કરતા કિશોરો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. વધુમાં, પરીક્ષા પદ્ધતિમાં પણ મોટી રાહત અપાઈ છે; જો કોઈ વિદ્યાર્થી છમાંથી માત્ર ત્રણ વિષયમાં પાસ થાય, તો તેણે આગામી પરીક્ષામાં માત્ર બાકીના ત્રણ વિષયોની જ તૈયારી કરવાની રહેશે. સરકાર આગામી ત્રણ વર્ષમાં એક અત્યાધુનિક ડિજિટલ મોનિટરિંગ સિસ્ટમ પણ તૈયાર કરશે, જેના દ્વારા ઓપન સેન્ટરની ટીમ સીધો વિદ્યાર્થીનો સંપર્ક કરશે અને તેમનો અભ્યાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સતત ફોલોપ્રઅપ લેતી રહેશે.
ખાસ કરીને ધોરણ ૫, ૮ અને ૧૦ પછી અભ્યાસ છોડી દેનારા વિદ્યાર્થીઓની સંખ્યા ભારતમાં મોટી છે. હાલની સિસ્ટમમાં એક જ વર્ગમાં બે વાર નાપાસ થનારને શાળામાંથી કાઢી મૂકવામાં આવતા હોય છે, પરંતુ આ નવો ખ્યાલ આ પ્રથાનો અંત લાવશે. પ્રથમ તબક્કે શાળા છોડી ચૂકેલા બાળકો પર ધ્યાન અપાશે, ત્યારબાદ નાપાસ થયેલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપી તેમને પંચાયત સ્તરના કેન્દ્રો દ્વારા ગ્રેજ્યુએશન સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે. જોકે, ઓપન સ્કૂલમાં પ્રવેશ લેવો કે નહીં તેનો અંતિમ નિર્ણય વાલીઓ અને વિદ્યાર્થીઓનો રહેશે, પરંતુ સરકાર અને વહીવટીતંત્ર આ મોડેલને મહત્તમ પ્રોત્સાહન આપીને દેશને સો ટકા સાક્ષરતા તરફ લઈ જવા કટિબદ્ધ છે.
(10:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
