News of Thursday, 26th March 2026
અમેરિકામાં કોરોનાનો નવા વેરીઅન્ટ ‘સિકાડા'નો ફફડાટઃ ૨૫ રાજ્યોમાં ફેલાયો
૭૦થી વધુ મ્યુટેશન સાથે નવા વેરિઅન્ટનો કહેરઃ ગટરના પાણીના નમૂનાઓ અને દર્દીના પરીક્ષણોમાં આ પ્રકાર જોવા મળ્યો વર્ષો સુધી ‘અન્ડરગ્રાઉન્ડ' રહ્યા બાદ અચાનક બહાર આવેલો BA.3.2 સ્ટ્રેને હાહાકાર મચાવ્યોઃ ગળામાં અસહ્ય દુઃખાવો તેના મુખ્ય લક્ષણ તરીકે ઉભર્યો

ન્યૂ યોર્ક, તા.૨૬: વિજ્ઞાનીઓ અને આરોગ્ય નિષ્ણાતો હાલમાં કોરોનાના એક અત્યંત વિચિત્ર અને શક્તિશાળી વેરિઅન્ટ BA.3.2 પર નજર રાખી રહ્યા છે, જેને સોશિયલ મીડિયા અને વિજ્ઞાન જગતમાં સિકાડા નામ આપવામાં આવ્યું છે. આ નામ સિકાડા નામના જીવડા પરથી પડ્યું છે, જે લાંબા સમય સુધી જમીનની અંદર છુપાયેલું રહે છે અને અચાનક લાખોની સંખ્યામાં બહાર આવે છે. તેવી જ રીતે, આ વેરિઅન્ટ પણ ૨૦૨૪ના અંતમાં દક્ષિણ આફ્રિકામાં દેખાયા બાદ લાંબો સમય શાંત રહ્યો હતો, પરંતુ જૂન ૨૦૨૫માં અમેરિકામાં પ્રવેશ્યા બાદ હવે તે ૨૫ રાજ્યોમાં ફેલાઈ ચૂકયો છે. ગટરના પાણી (વેસ્ટ વોટર) ના નમૂનાઓમાં તેની હાજરી સતત વધી રહી છે, જે સૂચવે છે કે તે શાંતિથી પોતાનો વ્યાપ વધારી રહ્યો છે.
આ વેરિઅન્ટની સૌથી ચોંકાવનારી બાબત તેના ૭૦ થી ૭૫ જેટલા મ્યુટેશન્સ (પરિવર્તનો) છે. આટલી મોટી સંખ્યામાં ફેરફારોને કારણે તે માનવીના રોગપ્રતિકારક તંત્રને છેતરવામાં અત્યંત માહિર માનવામાં આવે છે. નિષ્ણાતોના મતે, જેમણે અગાઉ રસી લીધી છે અથવા જેમને પહેલા કોવિડ થઈ ચૂકયો છે, તેમની એન્ટિબોડીઝને પણ આ વેરિઅન્ટ થાપ આપી શકે છે. જોકે, રાહતની વાત એ છે કે હાલમાં આ વેરિઅન્ટ જૂના સ્ટ્રેન્સ કરતા વધુ જીવલેણ હોય તેવા પુરાવા મળ્યા નથી, પરંતુ તેની ફેલાવાની ગતિ અને રોગ-તિકારક શક્તિ સામે લડવાની ક્ષમતા ચિંતાનો વિષય છે.
લક્ષણોની વાત કરીએ તો, સિકાડા વેરિઅન્ટમાં ગળામાં ગંભીર દુખાવો સૌથી સામાન્ય જોવા મળી રહ્યો છે. આ સિવાય દર્દીઓમાં તીવ્ર થાક, માથાનો દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ અને ઉલટી-ઝાડા જેવા લક્ષણો પણ જોવા મળે છે. અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ મુજબ, કેલિફોર્નિયા, ન્યૂ યોર્ક, ટેક્સાસ અને ફ્લોરિડા જેવા મુખ્ય રાજ્યોમાં આ વેરિઅન્ટ ઝડપથી દેખાઈ રહ્યો છે. બચાવ માટે નિષ્ણાતો હજુ પણ ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરવા, હાથ વારંવાર ધોવા અને જો લક્ષણો દેખાય તો તરત જ ટેસ્ટ કરાવી આઈસોલેટ થવાની સલાહ આપી રહ્યા છે.
(3:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
