News of Thursday, 26th March 2026
એક પગ પર રહેલી વિશ્વની સૌથી વિશાળ નીલકંઠ વર્ણી પ્રતિમાની પ્રતિષ્ઠા
દિલ્હી સ્થિત અક્ષરધામ મંદિરે પૂ.મહંત સ્વામીના હસ્તે ૧૦૮ ફૂટ ઉંચી ભવ્ય મૂર્તિની વિધિવત પ્રાણપ્રતિષ્ઠા વિધિ

રાજકોટઃ દિલ્હીના સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરે બાપ્સ સંસ્થાના આધ્યાત્મિક વડા, બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ દ્વારા શ્રી નીલકંઠવર્ણી (ભગવાન સ્વામિનારાયણ)ની ૧૦૮ ફૂટ ઊંચી ભવ્ય પ્રતિમાની વિધિવત્ પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી. પંચધાતુમાંથી નિર્મિત આ અદ્વિતીય નીલકંઠ પ્રતિમા વિશ્વની સૌથી વિશાળ પ્રતિમા છે, જે ભગવાનના અતિદુર્લભ તપસ્યાજીવનને પ્રતિબિબિત કરતી ‘એક પગ પર અડગ' અવસ્થામાં સ્થિત છે.
બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના દિલ્હી ખાતે આગમન બાદ તેઓના સાનિધ્યમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતો.
તપોમૂર્તિ શ્રી નીલકંઠવર્ણી ભગવાન કોણ?
ભગવાન શ્રી સ્વામિનારાયણે માત્ર ૧૧ વર્ષની અલ્પ વયે ગૃહત્યાગ કરીને લોકકલ્યાણના મહાન સંકલ્પ સાથે સમગ્ર ભારતભરમાં ૭ વર્ષ સુધી વિરાટ પદયાત્રા કરી હતી. ૧૨,૦૦૦ કિલોમીટરથી વધુ લાંબી આ અતિ કઠિન અને આધ્યાત્મિક યાત્રા દરમિયાન તેમણે ઉત્તર ભારતમાં હિમાલય, બદરીનાથ-કેદારનાથ, કૈલાશ-માનસરોવર, નેપાળમાં મુક્તિનાથ, પૂર્વમાં કામાખ્યા દેવી મંદિર અને ઓડિશાના પુરી સ્થિત જગન્નાથ ધામ, દક્ષિણમાં રામેશ્વરમ, નાસિક અને પંઢરપુર તેમજ પヘમિમાં દ્વારકા સહિત અનેક પવિત્ર તીર્થોને પોતાના પાવન ચરણોથી પવિત્ર બનાવ્યા હતા.
આ દિવ્ય અને અદ્વિતીય તપસ્યામય યાત્રા દરમિયાન તેમણે ‘નીલકંઠવર્ણી' નામ ધારણ કર્યું હતું, જે આજે પણ તેમના વૈરાગ્ય, ત્યાગ અને લોકકલ્યાણના અખંડ સંદેશનું પ્રતીક બની રહ્યું છે. તેમ બાપ્સ સંસ્થાની અખબારી યાદીમાં જણાવાયું છે.
(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
