News of Thursday, 26th March 2026
હવાઈ મુસાફરો માટે મોટા રાહતના સમાચાર: સિંગાપોરે 'ગ્રીન ટેક્સ' યોજના હાલ પૂરતી અભરાઈએ ચડાવી, ટિકિટના ભાવ વધતા અટક્યા
મધ્ય-પૂર્વના યુદ્ધ અને મોંઘા તેલને જોતા સિંગાપોર સરકારનો મોટો નિર્ણય; પર્યાવરણના લક્ષ્યાંકો કરતા મુસાફરોનું ખિસ્સું બચાવવાને અપાઈ પ્રાથમિકતા

સિંગાપોર, તા.26: દુનિયાભરમાંથી સિંગાપોરની મુસાફરી કરનારા પ્રવાસીઓ અને એરલાઇન્સ માટે રાહતના સમાચાર આવ્યા છે. સિંગાપોર સરકારે વિમાનના ઇંધણમાં વપરાતા ગ્રીન ફ્યુઅલ (SAF) માટે લાગુ કરવામાં આવનાર વધારાના ચાર્જ એટલે કે 'લેવી'ના અમલીકરણને હાલ પૂરતું મુલતવી રાખ્યું છે. આ નિર્ણયને કારણે ટૂંક સમયમાં મોંઘી થનારી હવાઈ ટિકિટોના ભાવમાં કામચલાઉ સ્થિરતા જોવા મળશે.
યુદ્ધની અસર અને મોંઘુ ઇંધણ
મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ અને ઈરાન-ઈઝરાયેલ વચ્ચેના તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચ્યા છે. હોર્મુઝની સામુદ્રધુનીમાં તેલના ટેન્કરોની અવરજવર ખોરવાતા એરલાઇન્સ પર પહેલેથી જ આર્થિક બોજ વધી રહ્યો છે. સિંગાપોર સિવિલ એવિએશન ઓથોરિટી (CAAS) એ જણાવ્યું હતું કે, "વર્તમાન ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિ અને મોંઘા ઇંધણને ધ્યાનમાં રાખીને અમે મુસાફરો અને એરલાઇન્સ પર વધારાનો બોજ નાખવા માંગતા નથી."
શું હતી યોજના અને હવે શું ફેરફાર થયો?
સિંગાપોરની મૂળ યોજના મુજબ, 1 એપ્રિલથી વેચાતી ટિકિટો પર ગ્રીન લેવી લાગુ થવાની હતી. પરંતુ હવે નવા ફેરફાર મુજબ:
• નવી સમયમર્યાદા: હવે આ ચાર્જ 1 ઓક્ટોબર થી વેચાતી ટિકિટો પર લાગુ થશે.
• મુસાફરીનો સમય: આ વસૂલાત 1 જાન્યુઆરી થી શરૂ થતી મુસાફરી માટે જ અમલમાં આવશે.
આ ફેરફારને કારણે મુસાફરોને ટિકિટ બુકિંગમાં થોડા વધુ મહિનાઓ સુધી જૂના ભાવનો લાભ મળશે.
પર્યાવરણના લક્ષ્યાંકોમાં પણ વિલંબ
સિંગાપોરે વિમાનમાં 1% ટકાઉ ઉડ્ડયન બળતણ (SAF) મિશ્રણનો જે લક્ષ્યાંક રાખ્યો હતો, તેને પણ હવે વર્ષ 2027 સુધી લંબાવી દેવામાં આવ્યો છે. ગ્રીન જેટ ફ્યુઅલ સામાન્ય રીતે રસોઈના વપરાયેલા તેલ અને પ્રાણીજ ચરબીમાંથી બનાવવામાં આવે છે, જે પરંપરાગત ઇંધણ કરતા મોંઘુ હોય છે. આ ખર્ચને સરભર કરવા માટે જ ટિકિટ પર ટેક્સ નાખવાની યોજના હતી.
CAAS ના ડિરેક્ટર-જનરલ હાન કોક જુઆને આ નિર્ણયને "વ્યવહારિક વિરામ" ગણાવ્યો છે. તેમણે ઉમેર્યું કે દેશ તેના કાર્બન ઉત્સર્જન ઘટાડવાના લક્ષ્યો પર મક્કમ છે, પરંતુ અત્યારે લોકોની મુસાફરી મોંઘી ન થાય તે જોવું પણ એટલું જ જરૂરી છે.
(3:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
