News of Thursday, 26th March 2026
કેનેડામાં ભારતીય વેપારીઓ પર 'ખંડણી'નું જોખમ વધ્યું: સાંસદ અર્પણ ખન્નાનું 'જેલ નહીં જામીન' બિલ સંસદમાં રદ, લિબરલ સરકાર સામે ઉઠ્યા સવાલ
છેલ્લા 10 વર્ષમાં ગેરવસૂલીના કેસોમાં 300%નો તોતિંગ વધારો; ગુનેગારોને જામીન આપવાના કડક નિયમો લાવવા માટેની લડાઈ ચાલુ રાખવાની ખન્નાની જાહેરાત

ઓટાવા, તા.26: કેનેડામાં વસતા ભારતીય સમુદાય અને ખાસ કરીને પંજાબી વેપારીઓ માટે સુરક્ષાનો પ્રશ્ન ગંભીર બન્યો છે. ભારતીય મૂળના કન્ઝર્વેટિવ સાંસદ અર્પણ ખન્નાએ દેશની "તૂટેલી જામીન પ્રણાલી" ને સુધારવા માટે રજૂ કરેલું મહત્વનું બિલ C-242 (જેલ નોટ બેલ એક્ટ) કેનેડાના હાઉસ ઓફ કોમન્સમાં લિબરલ સરકાર દ્વારા ફગાવી દેવામાં આવ્યું છે. આ બિલનો હેતુ વારંવાર ગુના કરતા હિંસક તત્વોને જેલના સળિયા પાછળ રાખવાનો હતો.
ગેરવસૂલીના કેસોમાં ભયાનક ઉછાળો
કેનેડામાં હાલમાં આંતરરાષ્ટ્રીય સંગઠિત ગુનાખોરી (Organized Crime) માથું ઊંચકી રહી છે. આંકડાઓ મુજબ, છેલ્લા એક દાયકામાં ગેરવસૂલી એટલે કે ખંડણીના કેસોમાં 300 ટકાથી વધુ વધારો થયો છે. ખાસ કરીને વાનકુવર અને સરે જેવા વિસ્તારોમાં પંજાબી બિલ્ડરો અને બિઝનેસમેનોને ગોળીબાર, આગચંપી અને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. ઘણા વેપારીઓ તો એટલા ડરમાં છે કે તેઓએ પોતાની વેબસાઇટ પરથી ફોન નંબર અને ઓફિસના સરનામા પણ હટાવી દીધા છે.
શું હતું અર્પણ ખન્નાનું 'જેલ નહીં જામીન' બિલ?
સાંસદ અર્પણ ખન્નાના આ પ્રસ્તાવિત કાયદામાં ગુનેગારો સામે કડક જોગવાઈઓ હતી:
- રિવર્સ-ઓનસ જોગવાઈ: હિંસક ગુનાના આરોપીઓએ પોતે સાબિત કરવું પડે કે તેઓ મુક્ત થવાને પાત્ર છે.
- કડક શરતો: વારંવાર ગુના કરનારાઓ પર કડક નિયંત્રણો અને બિન-નાગરિકો માટે પાસપોર્ટ જપ્ત કરવાની શરત.
- સંયમનો સિદ્ધાંત હટાવવો: જામીન આપતી વખતે ગુનેગાર પ્રત્યે જે નરમાશ (Restraint) રાખવામાં આવે છે તેને દૂર કરવાની માંગ હતી.
"પીડિતોની વેદના મહત્વની છે"
બિલ રદ થયા બાદ અર્પણ ખન્નાએ સોશિયલ મીડિયા પર એક ભાવુક વિડિયો શેર કરતા લિબરલ સરકારની ટીકા કરી હતી. તેમણે કહ્યું, "લિબરલોએ હિંસક ગુનેગારોને ફરીથી આપણા સમુદાયોમાં આવવાની મંજૂરી આપી દીધી છે. પરંતુ આ લડાઈનો અંત નથી. અમે એવા કેનેડિયનો માટે લડતા રહીશું જેઓ પોતાના ઘરમાં સુરક્ષિત અનુભવવા માંગે છે." તેમણે પીડિતોને હિંમત ન હારવા અને કન્ઝર્વેટિવ ટીમ પર વિશ્વાસ રાખવા વિનંતી કરી છે.
કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નેને લખેલા પત્રમાં પણ ખન્ના અને સાથી સાંસદ લેરી બ્રોકે સ્પષ્ટ કર્યું છે કે હત્યા અને જાતીય હુમલા જેવા ગુનાઓ હવે માત્ર આંકડા નથી રહ્યા, પણ શોકગ્રસ્ત પરિવારોની વેદના બની ગયા છે. આ સ્થિતિમાં જામીન વ્યવસ્થામાં ધરખમ સુધારા અનિવાર્ય છે.
(4:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
