News of Thursday, 26th March 2026
બોલિવૂડમાં વધુ એક ધડાકો: વિવેક અગ્નિહોત્રી અને ભૂષણ કુમાર લાવશે 'ઓપરેશન સિંદૂર'; પાકિસ્તાનના પરમાણુ જૂઠાણાનો પર્દાફાશ કરશે આ ફિલ્મ
લેફ્ટનન્ટ જનરલ કે.જે.એસ. ધિલ્લોનના પુસ્તક પર આધારિત સત્ય ઘટના: પહેલગામ આતંકવાદી હુમલા પછીની ભારતની 'ડીપ સ્ટ્રાઇક્સ'ની અનટોલ્ડ સ્ટોરી મોટા પડદા પર ગુંજશે

મુંબઈ, તા.26: 'ધ કાશ્મીર ફાઇલ્સ' અને 'ધ વેક્સિન વોર' જેવી ફિલ્મો દ્વારા સત્ય ઘટનાઓને પડદા પર લાવનારા વિખ્યાત દિગ્દર્શક વિવેક રંજન અગ્નિહોત્રી ફરી એકવાર સજ્જ થયા છે. આ વખતે તેઓ ટી-સિરીઝના માલિક ભૂષણ કુમાર સાથે મળીને 'ઓપરેશન સિંદૂર' નામની મેગા ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે. આ ફિલ્મ ભારતીય સશસ્ત્ર દળોની એ શૌર્યગાથા છે જેણે સમગ્ર ઉપખંડની સુરક્ષાની વ્યાખ્યા બદલી નાખી હતી.
ભારતીય સેનાના જબાંઝ અધિકારીની ડાયરીમાંથી
આ ફિલ્મ લેફ્ટનન્ટ જનરલ કે.જે.એસ. 'ટાઇની' ધિલ્લોનના ચર્ચિત પુસ્તક, 'ઓપરેશન સિંદૂર: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ ઇન્ડિયાઝ ડીપ સ્ટ્રાઇક્સ ઇનસાઇડ પાકિસ્તાન' પર આધારિત છે. વિવેક અગ્નિહોત્રીએ ઇન્સ્ટાગ્રામ પર આ પ્રોજેક્ટની પુષ્ટિ કરતા લખ્યું કે, "આ ફિલ્મ માત્ર મનોરંજન નથી, પણ પાકિસ્તાનના પરમાણુ શક્તિના જૂઠાણાને ખુલ્લું પાડતી અને ભારતની વાસ્તવિક શક્તિનો પરિચય કરાવતી ગાથા છે."
સત્ય, તથ્ય અને સિનેમાનો સંગમ
ફિલ્મની વાર્તા પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતે જે આક્રમક વલણ અપનાવ્યું હતું તેના પર કેન્દ્રિત છે. ભારતીય સશસ્ત્ર દળોના વિવિધ વિભાગો સાથે મળીને વ્યાપક સંશોધન કર્યા બાદ આ સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં આવી છે. દિગ્દર્શકે ભાર મૂક્યો છે કે તેમનો હેતુ કોઈ વિવાદ ઉભો કરવાનો નથી, પરંતુ સિનેમાના જાદુ દ્વારા લોકો સુધી વાસ્તવિક તથ્યો પહોંચાડવાનો છે.
ટી-સિરીઝ અને આઈ એમ બુદ્ધા પ્રોડક્શન્સનું જોડાણ
આ ફિલ્મનું નિર્માણ સંયુક્ત રીતે ટી-સિરીઝ અને વિવેક અગ્નિહોત્રીનું પોતાનું બેનર 'આઈ એમ બુદ્ધા પ્રોડક્શન્સ' કરશે. અગાઉ વિવેક અગ્નિહોત્રીએ 'ધ કાશ્મીર ફાઇલ્સ' દ્વારા કાશ્મીરી પંડિતોની વેદના અને 'ધ બંગાળ ફાઇલ્સ' દ્વારા પશ્ચિમ બંગાળની સ્થિતિ ઉજાગર કરી છે, ત્યારે હવે દેશભક્તિના આ નવા ડોઝને લઈને પ્રેક્ષકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
હાલમાં ફિલ્મની સ્ટારકાસ્ટ વિશે કોઈ જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ ટૂંક સમયમાં જ શૂટિંગના શિડ્યુલ અને કલાકારોના નામ જાહેર થવાની શક્યતા છે.
(5:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
