News of Thursday, 26th March 2026
દેશના સૌથી મોટા હવાઈ મથકનું સ્વપ્ન સાકાર: 28 માર્ચે વડાપ્રધાન મોદી કરશે નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન; જેવર બનશે એશિયાનું નવું ઉડ્ડયન હબ
SPG એ જમીનથી આકાશ સુધી ગોઠવ્યું અભેદ્ય સુરક્ષા કવચ; નોઈડા, ગ્રેટર નોઈડા અને યેડા (YEIDA) વિસ્તારમાં પ્રોપર્ટીના ભાવ આસમાને, રોકાણકારોમાં ભારે ઉત્સાહ

નોઈડા, તા.26: ભારતના ઉડ્ડયન ઇતિહાસમાં ૨૮ માર્ચનો દિવસ સુવર્ણ અક્ષરે લખાવા જઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી શનિવારે દેશના સૌથી મોટા અને અત્યાધુનિક 'નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટ' (જેવર એરપોર્ટ) નું ભવ્ય ઉદ્ઘાટન કરશે. આ એરપોર્ટ માત્ર ઉત્તર પ્રદેશ માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે આર્થિક ગતિશીલતાનું નવું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે.
અભેદ્ય સુરક્ષા અને તંત્રની તૈયારીઓ
વડાપ્રધાનના આગમનને પગલે SPG (Special Protection Group) એ એરપોર્ટ પરિસર અને આસપાસના વિસ્તારોને પોતાના કબજામાં લઈ લીધા છે. જમીનથી લઈને આકાશ સુધી સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. ઉચ્ચ અધિકારીઓ સતત નિરીક્ષણ કરી રહ્યા છે જેથી ઉદ્ઘાટન સમારોહમાં કોઈ કચાશ ન રહે. એરપોર્ટની પહેલી ઝલક દર્શાવતી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જે તેની ભવ્યતા અને વૈશ્વિક સ્તરની સુવિધાઓની સાક્ષી પૂરે છે.
રિયલ એસ્ટેટ માર્કેટમાં ઉછાળો
નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટના નિર્માણને કારણે નોઈડા, ગ્રેટર નોઈડા અને યેડા (YEIDA) વિસ્તારો માટે ભાગ્યના દ્વાર ખૂલી ગયા છે. એરપોર્ટ કાર્યરત થવાની જાહેરાત સાથે જ આ વિસ્તારોમાં જમીન અને રહેણાંક મિલકતોના ભાવમાં તોતિંગ વધારો જોવા મળ્યો છે. રોકાણકારો આ વિસ્તારને ભવિષ્યનું 'ગોલ્ડન લેન્ડ' માની રહ્યા છે.
આવક અને રોજગારનું નવું સ્ત્રોત
નિષ્ણાતોના મતે, આ એરપોર્ટ આગામી વર્ષોમાં આ ત્રણ શહેરો માટે આવકનો સૌથી મોટો સ્ત્રોત સાબિત થશે. તે માત્ર પરિવહન સુવિધા જ નહીં આપે, પરંતુ હજારો પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઉભી કરશે. આ એરપોર્ટથી આસપાસના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો પણ ઝડપી વિકાસ થશે, જેનાથી નાગરિકોને વિશ્વકક્ષાની શહેરી સુવિધાઓ ઉપલબ્ધ થશે.
(6:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
