News of Thursday, 26th March 2026
કાશ્મીરમાં ૩૬ વર્ષ પછી ગુંજ્યો 'જય શ્રી રામ'નો નાદ: રઘુનાથ મંદિરમાં રામ નવમીની પૂજા સાથે રચાયો ઇતિહાસ; મુસ્લિમ બિરાદરોએ હિન્દુ ભાઈઓનો સાથ આપી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું
શ્રીનગરના હબ્બા કડલ વિસ્તારમાં ત્રણ દાયકા બાદ રઘુનાથ મંદિર ફરી જીવંત થયું; કાશ્મીરી પંડિતો અને સ્થાનિક મુસ્લિમોએ સાથે મળીને ઉજવણી કરી, ભાઈચારાની નવી મિસાલ પેશ કરી

શ્રીનગર: જ્યારે દેશના કેટલાક ભાગોમાંથી તણાવના સમાચાર આવતા હોય છે, ત્યારે કાશ્મીર ખીણમાંથી માનવતા અને એકતાનું એક સુંદર ચિત્ર ઉભરી આવ્યું છે. શ્રીનગરના હબ્બા કડલ વિસ્તારમાં આવેલા ઐતિહાસિક રઘુનાથ મંદિરમાં પૂરા ૩૬ વર્ષના લાંબા અંતરાલ બાદ રામ નવમીની ભવ્ય પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માત્ર કાશ્મીરી પંડિતો જ નહીં, પરંતુ સ્થાનિક મુસ્લિમ સમુદાયે પણ ખભેખભા મિલાવીને ભાગ લીધો હતો.
ત્રણ દાયકા બાદ મંદિરની રોનક પરત ફરી
લગભગ ૩૦ વર્ષથી બંધ રહેલું આ મંદિર હજુ પણ નવીનીકરણ અને પુનઃસ્થાપના હેઠળ છે. તેમ છતાં, મંદિર વ્યવસ્થાપન સમિતિએ આ પવિત્ર દિવસે પૂજા કરવાનું નક્કી કર્યું હતું. સમિતિના મહાસચિવ સુનિલ કુમારે જણાવ્યું હતું કે, "૩૬ વર્ષમાં પહેલીવાર અહીં રામ નવમી મનાવવામાં આવી રહી છે. ભલે હજુ મૂર્તિ સ્થાપના બાકી હોય, પણ ભક્તોનો ઉત્સાહ અને સ્થાનિક લોકોનો સાથ જોઈને હૃદય ભરાઈ આવ્યું છે." આ કાર્યમાં દેશ-વિદેશમાં વસતા શ્રદ્ધાળુઓએ ઉદાર હાથે દાન આપ્યું છે.
મુસ્લિમ બિરાદરોનો અતૂટ સાથ
આ કાર્યક્રમનું સૌથી ઉમદા પાસું સ્થાનિક મુસ્લિમોની હાજરી હતી. સ્થાનિક રહેવાસી ગુલામ હસને આ પ્રસંગે હાજર રહીને સંદેશ આપ્યો કે, "કાશ્મીરી પંડિતો અને મુસ્લિમો વર્ષોથી ભાઈઓની જેમ સાથે રહેતા આવ્યા છે અને આ ભાઈચારો કાયમ રહેવો જોઈએ." કાશ્મીરી પંડિતોએ પણ સ્વીકાર્યું હતું કે મુસ્લિમ સમુદાયના સમર્થન અને પ્રેમ વિના તેમનું ખીણમાં પાછા ફરવું અને વસવું શક્ય નથી.
પ્રવાસીઓ અને સુરક્ષા દળો પણ જોડાયા
રામ નવમી નિમિત્તે માત્ર રઘુનાથ મંદિર જ નહીં, પરંતુ શંકરાચાર્ય મંદિર સહિત શહેરના અન્ય મંદિરોમાં પણ વિશેષ પ્રાર્થનાઓ યોજાઈ હતી. આ ઉજવણીમાં ખીણની મુલાકાતે આવેલા પ્રવાસીઓ અને તેના રક્ષણ માટે તૈનાત સુરક્ષા કર્મચારીઓ પણ સ્થાનિક હિન્દુ વસ્તી સાથે જોડાઈને ભક્તિમાં લીન થયા હતા. કાશ્મીર ખીણમાંથી નીકળેલો આ શાંતિ અને સુમેળનો અવાજ આજે સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે.
(7:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
