<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th March 2026

યોગરાજ સિંહના આકરા તેવર: "પાર્ટીઓ, છોકરીઓ અને રીલ્સમાં ખોવાઈ ગયો છે અભિષેક શર્મા"; યુવરાજ સિંહના પિતાએ યુવા ઓપનરને શિસ્તના પાઠ ભણાવ્યા

"યુવી જેવું બનવામાં આખો જન્મારો નીકળી જશે": નિષ્ફળતા માટે સોશિયલ મીડિયા અને ભટકતા પ્રેમને ગણાવ્યા જવાબદાર; પાવર-હિટરના બેટિંગ એપ્રોચ સામે ઉઠાવ્યા ગંભીર સવાલો

ચંડીગઢ: ભારતીય ક્રિકેટના સૌથી વિવાદાસ્પદ અને સ્પષ્ટવક્તા ગણાતા પૂર્વ ક્રિકેટર યોગરાજ સિંહ ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે તેમના નિશાન પર કોઈ વિદેશી ખેલાડી નહીં, પરંતુ ભારતીય ટીમનો વિસ્ફોટક યુવા ઓપનર અભિષેક શર્મા છે. યોગરાજ સિંહે અભિષેકની જીવનશૈલી અને મેદાન પરના તેના પ્રદર્શનને લઈને એવા આકરા પ્રહારો કર્યા છે કે ક્રિકેટ જગતમાં હોબાળો મચી ગયો છે.

ધ્યાન ભટકશે તો નિષ્ફળતા નિશ્ચિત

યોગરાજ સિંહ, જેઓ મહાન ઓલરાઉન્ડર યુવરાજ સિંહના પિતા છે, તેમણે અભિષેક શર્માને શિસ્ત જાળવવાની કડક સલાહ આપી છે. તેમણે કહ્યું કે જ્યારે ખેલાડીનું ધ્યાન ક્રિકેટને બદલે પાર્ટીઓ, છોકરીઓ, પૈસા અને સોશિયલ મીડિયાની રીલ્સ પર હોય, ત્યારે નિષ્ફળતા અનિવાર્ય છે. યોગરાજે ઉમેર્યું કે, "અભિષેક સતત રીલ્સ બનાવવામાં વ્યસ્ત રહે છે, જે તેનું કામ નથી. તેણે રાત્રે 9 વાગ્યા સુધીમાં સૂઈ જવું જોઈએ અને સવારે 5 વાગ્યે ઉઠીને હજારો બોલની પ્રેક્ટિસ કરવી જોઈએ."

યુવરાજ સિંહ સાથે સરખામણી પર કટાક્ષ

જ્યારે અભિષેકની સરખામણી યુવરાજ સિંહ સાથે કરવામાં આવી, ત્યારે યોગરાજ સિંહે રોકડું પરખાવતા કહ્યું કે, "યુવરાજ સિંહના સ્તર સુધી પહોંચવા માટે અભિષેકને બીજો યુગ (જન્મારો) લાગશે. આખું બ્રહ્માંડ શિસ્ત પર ચાલે છે, અને ક્રિકેટરોએ પણ તે સમજવું પડશે. હાલના ખેલાડીઓ શૂટિંગ અને મોજમજામાં જ ખોવાયેલા રહે છે."

બેટિંગ ટેકનિક પર ઉઠાવ્યા સવાલ

T20 વર્લ્ડ કપ 2026 માં અભિષેક શર્માનું પ્રદર્શન તેની પ્રતિષ્ઠા મુજબનું રહ્યું નહોતું. જોકે તેણે ન્યુઝીલેન્ડ સામેની ફાઈનલમાં 21 બોલમાં 52 રન ફટકાર્યા હતા, પરંતુ સ્પિન સામેની તેની નબળાઈ છતી થઈ ગઈ હતી. યોગરાજ સિંહે દાવો કર્યો કે તેમણે વ્યક્તિગત રીતે અભિષેકને ચેતવણી આપી હતી કે તે રમતને હળવાશથી ન લે. તેમણે કહ્યું, "તમે હંમેશા હવામાં બોલ ફટકારીને પ્રેક્ષકોનું મનોરંજન ન કરી શકો. સિંગલ્સ, ડબલ્સ અને ઇનિંગ્સ બનાવવી પણ એટલી જ મહત્વની છે."

શુભમન ગિલ અને અભિષેકની જોડી પર નિશાન

યોગરાજે માત્ર અભિષેક જ નહીં પણ શુભમન ગિલના ફોર્મ પર પણ સવાલ ઉઠાવતા પૂછ્યું કે, "તમારી સાથે શું થઈ રહ્યું છે? તમારું મન ક્યાંક બીજે ભટકી રહ્યું છે એટલે જ મેદાન પર નિષ્ફળતા મળી રહી છે." યુવરાજ સિંહે આ બંને ખેલાડીઓ પાછળ ઘણી મહેનત કરી છે, પરંતુ તેના પિતાના આ તેજાબી નિવેદનોએ હવે નવા વિવાદને જન્મ આપ્યો છે.

(7:20 PM IST)